ગુજરાત રાજ્ય તકેદારી આયુક્તના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પડતર કેસો અંગે સમીક્ષા બેઠક યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તકેદારી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને લોકોજાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે
ગુજરાત રાજ્યના તકેદારી આયુક્ત શ્રીમતી સંગીતાસિંહની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના પડતર કેસો અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે શ્રીમતી સંગીતાસિંહે એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં થઈ રહેલી પ્રગતિ અને જિલ્લાની બદલાતી તાસીરની પ્રસંશા સાથે સંતોષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના કોઈપણ ક્ષેત્ર-કચેરીમાં તકેદારી આયોગ પાયાનો ભાગ છે.
પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે તકેદારી આયોગ દ્વારા તેમના નામ સાથે જોડીને તકેદારી લોકજાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને લોકોને જાગૃત કરવામાં આવે છે. સરકારી કચેરીઓમાં હેલ્પલાઈન નંબર અને જરૂરી વિગતો પ્રસિદ્ધ કરવાની ફરજીયાત હોય છે જેના થકી પારદર્શિતા અને સ્વચ્છ વહીવટ થાય તેમજ કેસોમાં ઘટાડો થાય. તકેદારી આયોગ દ્વારા અટકાયતી અને એક્શન અંગે વિવિધ કાયદાઓની રચના પણ કરવામાં આવી છે, તેનું યોગ્ય પાલન થાય તે જોવા પર ખાસ ભાર મૂક્યો હતો. અને કાયદાકીય બાબતો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તકેદારી સમિતિમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની મહત્વની ભૂમિકા હોય છે.
વિવિધ વિભાગોની સમીક્ષા અને કચેરી નિરિક્ષણ અને દફ્તર ચકાસણી કરી અભિપ્રાય આયુક્તને મોકલી શકાય છે તેમ તેઓએ ઉમેર્યું હતું. વધુમાં રાજ્યના તકેદારી આયુક્તશ્રીએ તકેદારી આયોગની વેબસાઈટ પર હેલ્પલાઈન નંબર અને આયોગની કામગીરી અંગેની માહિતી ઉપલબ્ધ છે. તેનો એક વખત અભ્યાસ કરી જિલ્લામાં મળતી ફરિયાદોનો હકીકતલક્ષી અહેવાલ અને જરૂરી કાર્યવાહી અંગેનો અહેવાલ મોકલી શકાય છે. જિલ્લામાં એક વર્ષમાં જે તે કેસની કાર્યવાહી પૂર્ણ થાય તે જોવા પર પણ ભાર મૂક્યો હતો. આયોગને મળેલી અરજીઓનો યોગ્ય નિકાલ થાય અને અરજી કયા તબક્કા પર છે તેની પણ સમીક્ષા કરી તકેદારી દ્વારા મળેલી અરજીઓ પર યોગ્ય અને તટસ્થતા પૂર્વક કાર્યવાહી કરવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે જિલ્લામાં મળતી RTIની અરજીઓ તેમજ સીએમ ડેશબોર્ડના માધ્યમથી મળતી ફરિયાદોનું પણ ઝડપી અને સમયસર નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યુ હતું.
આ બેઠક દરમિયાન જિલ્લાના કેસો અંગેની સ્થિતિનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા રજૂ કરી વિગતે પરામર્શ કરવામાં આવ્યો હતો. તકેદારી આયુક્ત દ્વારા જિલ્લાના પડતર કેસોની સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. એસીબીના કેસો અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિભાગોના જૂના પડતર પ્રશ્નો અંગે ઝડપી નીકાલ અને અહેવાલ રજૂ કરવા અંગે સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, વડોદરા એસીબીના અધિકારીશ્રી પરેશ ભેંસાણીયા, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, જિલ્લા સરકારી વકીલશ્રીના પ્રતિનિધિશ્રી, દેડિયાપાડાના ઈન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞા દલાલ, તાલુકા મામલતદારશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.