ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં હાલ તાલુકા કક્ષાના કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે ડભોઈના તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ અને કલેક્ટરશ્રી અતુલ ગોરની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
મહાનુભાવો સાથે આ કાર્યક્રમમાં હાજર સૌ લોકોએ એક મુઠ્ઠી માટી હાથમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત અમૃતકાળના પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. માતૃભૂમિની માટી, વીર જવાનો પ્રત્યે આદર દર્શાવવા મુઠ્ઠીભર માટી સાથે સામૂહિક પ્રતિજ્ઞા લીધા બાદ આ માટી અમૃત કળશમાં એકત્ર કરવામાં આવી હતી. અહીં શ્રી મહેતા, શ્રી પટેલ અને શ્રી ગોરના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદો તથા માતૃભૂમિનું ગૌરવગાન કરતી સ્મારક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદ જવાનોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. વસુધા વંદન કાર્યક્રમ બાદ વસુધા વાટિકામાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ અને કલેક્ટરશ્રી ગોર સહિતના મહાનુભાવોએ રોપાઓનું વાવેતર કર્યું હતું.
આ પ્રસંગે ઉક્ત મહાનુભાવોએ પંચ પ્રણને અનુસરી ગામના વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી. તેમજ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને વળગી રહીને માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા સાથે રાષ્ટ્રસેવાનો તેમણે અનુરોધ કર્યો હતો. કલેક્ટરશ્રી અતુલ ગોરે ભારતને વિકસિત બનાવવા માટે યથોચિત યોગદાન આપવા અપીલ કરી વસુધા વાટિકામાં વાવવામાં આવેલા વૃક્ષોનું જતન કરવા પણ અનુરોધ કર્યો હતો.
પોલીસકર્મીઓની એક ટુકડી સાથે ધારાસભ્યશ્રી મહેતાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી. આ સાથે આરોગ્ય તપાસણી કેમ્પ અને આયુષ્માન કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો નાગરિકોએ લાભ લીધો હતો.
તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વ્યાવસાયિક કલાકારોએ દેશભક્તિના ગીતોના સૂર રેલાવ્યા હતા, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને વ્યક્ત કરતી વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પહેલા સવારે ડભોઈ પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ડભોઈના મુખ્ય માર્ગો પર નીકળતા સમગ્ર ડભોઈ ફરી દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
દેશના વીરોને સમર્પિત આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી લોપાબેન, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ, પ્રાંત અધિકારી શ્રી યોગેશ કાપસે, નોડલ અધિકારી ડો. સુધીર જોશી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પારસ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ડભોઈ તાલુકા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ, ડભોઈ પોલીસનો સ્ટાફ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતા.
ભાવનગર જિલ્લાના અલંગમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં સરકારી અને ગૌચરની જમીન પરના ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવા માટે મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી
સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃતિઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને સ્થાનિક અધિકારીઓ અને રાજકીય આગેવાનો હાલ ચાલી રહેલા મુદ્દે મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ અંગે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે, જેમાં છેતરપિંડીના બિલિંગ સાથે સંકળાયેલા સંભવિત કૌભાંડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.