ત્યજી દેવાયેલા અંકિત વસાવાએ ધો-3 માં પ્રથમ ક્રમ મેળવી જીંદગીની પગદંડી કંડારી
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ અંકિતને નવજીવન આપ્યું, રાજપીપલાની એક મહિલાએ માતૃત્વની કિંમતની કદર સમજી અંકિતની આંગળી ઝાલી તે તેની જીંદગીની પ્રગતિની પગદંડી બની
માતા માનસિક રીતે અસ્થિર અને પિતાની છત્રછાયા ન હોય ત્યારે બાળકની દશા અને ભવિષ્યની દિશાને પરિભાષિત કરવી મુશ્કેલ છે. આવા બાળકોને સમાજની મુખ્યધારા સાથે જોડવા માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અમલી છે, માતા-પિતાની જેમ બાળકના ભવિષ્યની ચિંતા કરીને સમાજની મુખ્યધારા સાથે જોડીને એક પાલક માતા-પિતા તરીકે તેના અરમાનો અમર રહે તે દિશામાં જવાબદાર નાગરિક બનાવવા માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમ સરાહનીય કામગીરી કરી રહ્યું છે.
નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રી ચેતનભાઈ પરમાર અને તેમની સંપૂર્ણ ટીમે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર રાજપીપલાની અનાથ દીકરી “શીતલ અને માનસી” ને ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કર્યું છે. આજે શિક્ષણ સાથે રમતક્ષેત્રે પોતાનુ ઉજ્જવળ ભવિષ્ય રાજપીપલામાં બનાવી રહ્યાં છે. જે વિભાગની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ આ વખતે એક જુદો જ કેસ સામે આવ્યો છે. કહાની જુદી છે. અને સૌ માટે પ્રેરણાદાયી છે. અંકિતની માતા અસ્થિર મગજની તેમજ પિતાની છત્રછાયા ગુમાવનાર અંકિત વસાવા દુનિયામાં એકલો અટુલો પડ્યો હતો. આજે અંકિત વસાવા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી અને તેમની ટીમની દેખરેખ હેઠળ છે.
રાજપીપલાની સ્થાનિક મહિલા પોતાની સામાજિક જવાબદારી અદા કરીને એકલો અટુલો ફરતા બાળક અંકિતને નિયમિત જમવાનું આપતી હતી. તેવામાં જિલ્લા બાળ સુરક્ષા એકમના એક સર્વે દરમિયાન બાળક અંકિતને ટ્રેક કરાયો હતો. જે બાદ બાળકને પ્રથમ દ્રષ્ટિએ નિરિક્ષણ કરતાં ખ્યાલ આવ્યો કે અન્યની સરખામણી આ બાળક કંઈક અલગ છે. સિવિલ હોસ્પિટલના સાયકાટ્રીક પાસે અંકિતનો આઈ.ક્યુ. ટેસ્ટ કરાવવામાં આવ્યું ત્યારે તબીબ તરફથી જાણવા મળ્યું કે, બાળક સ્લો લર્નર ડિસેબિલિટીનો શિકાર છે.
બાળક માનસિક સમજ કેળવવા, શિક્ષણક્ષેત્રે આગળ વધવા તેમજ સામાજિક જીવન જીવવા માટે તેને ખુબ સમય લાગશે. એવું “ફસ્ટ ઇન્વેસ્ટિગેશન” માં બહાર આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં બાળકની સાથે માતા-પિતાની જેમ કાળજી લઈને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ બાળકનું આધારકાર્ડ, બેંક ખાતુ ખોલાવીને શાળામાં પ્રવેશ અપાવીને શિક્ષણના શ્રીગણેશ કર્યા. પ્રી-મેટ્રિક સ્કોલરશીપ શરૂ કરાવવામાં આવી અને આ રીતે હિંમત ન હારતા સંસ્થાએ પણ બાળકના માતા-પિતા તરીકેની ભૂમિકા અદા કરીને સતત ખાસ કાળજી લેતા થયા.
આ બાળકની સમસ્યાથી અવગત હોવા છતાં થોડાક સમય કાઉન્સિંલિંગ આપીને નજીકની પ્રયોગ શાળામાં પ્રવેશ અપાવી નિયમિત રીતે ગણિત, વિજ્ઞાન સહિત અન્ય વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. સંસ્થા દ્વારા પણ અંકિતની નિયમિત સાર-સંભાળ અને રોજબરોજનું જીવન જીવવા અંગેની સતત તાલીમ આપવામાં આવી રહી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઈ પરમાર જણાવે છે કે, કોવિડ દરમિયાન રાજ્ય સરકારની સૂચના બાદ એક સર્વે દરમિયાન રાજપીપલાના કાલકા માતાના મંદિર પાસે એક એકલો અટુલો ફરતો હતો.
વાલી-વારસ વગરનો દીકરો અંકિત મળી આવતા તેને માનવતાના ધોરણે કાળજી-રક્ષણના ભાગરૂપે ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ સંસ્થા ખાતે લાવવામાં આવ્યો હતો. મેડિકલ રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે તેને સ્લો લર્નર ડિસેબિલિટી છે. કાઉન્સિંગ કરીને દિનચર્યા, શિક્ષણ તેમજ સાધારણ સમજ કેળવવાના સતત પ્રયાસો હાથ ધરાયા હતા. આજે અંકિત ત્રીજા ધોરણમાં સામાન્ય વિદ્યાર્થી કરતા ક્લાસમાં પ્રથમ ક્રમે આવતા સૌને ખુબ જ ગર્વ થઈ રહ્યો છે.
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના સુપ્રિટેન્ડેન્ટ ધુર્મિલ દોશી પણ ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવે છે, રાજપીપલા પ્રયોગ શાળામાં અભ્યાસ કરતો અંકિત આજે ગણિત, વિજ્ઞાન વિષય સહિત રમત-ગમત ક્ષેત્રમાં પણ રસ દાખવી રહ્યો છે. સ્લો લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા અંકિતને દિનચર્યાની પ્રવૃતિઓ અંગે સમજ કેળવવામાં આવી હતી. બાળક અંકિતે જે રીતે ધોરણ-3 માં પ્રથમ ક્રમ મેળવ્યો છે તે અમારા માટે ગર્વની બાબત છે.
નર્મદા જિલ્લાના દીકરા અંકિતને વિશેષ કાળજી સાથે શિક્ષણ આપીને તૈયાર કરવામાં આવી છે. આજે અંકિત શિક્ષણ અને સામાજિક જીવન શાંતિપૂર્ણ જીવી શકે તે અંગેની સમજ કેળવી રહ્યો છે, જેમાં બાળકને પ્રેમ-હૂંફ આપનાર સ્થાનિક મહિલા, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી અને સંપૂર્ણ ટીમ સહિત શાળાના શિક્ષકોના પ્રયાસોનુ પરિણામ છે. સાથે રાજપીપલાની મહિલાએ માતૃત્વની કિંમતની કદર સમજી આંગળી ચિંધ્યાનું પુણ્ય આજે તેની જીંદગીની પ્રગતિની પગદંડી બની આગળ ધપી રહી છે.
આજે અંકિતે સંસ્થામાં બે વર્ષ પૂર્ણ કર્યા છે, ધોરણ-3 માં વર્ગમાં પ્રથમ ક્રમ હાંસલ કરીને અંકિતે દુનિયાને સાબિત કરી બતાવ્યું છે કે, “અશક્ય” શબ્દમાં જ “શક્યતા” છુપાયેલી હોય છે. અને સૌને ચોંકાવીને અંકિતે તબીબોની વાતને ખોટી સાબિત કરી બતાવી છે. અહીં શિક્ષકોની કેળવણીની પણ પ્રશંસનીય કામગીરી રહી છે, “શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ” આ ઉક્તિ પણ ખરા અર્થમાં અહીં ચરિતાર્થ થઈ છે.
સાધારણ બાળકની અસાધારણ કાર્ય કૌતુક છે, જ્યારે શાળાના નોટીસ બોર્ડ પર દીકરા અંકિતનું નામ પ્રથમ ક્રમે નોંધાયુ ત્યારે સંસ્થાના સ્ટાફની આંખો ખુશીથી છલકાઈ છે. શા માટે ન છલકાય...જેનું કોઈ નથી તેણે કમાલ કરી છે. મા નર્મદા માતાને સૌ પુકાર કરે છે. નર્મદે..સર્વદે...તે નારો પણ ચરિતાર્થ થયો છે. નર્મદા જિલ્લાના અંકીત દીકરાની જેટલી દુઆઓ માંગીએ-પ્રાર્થના કરીએ કે તે જિલ્લાનું એક દિવસ નામ રોશન કરે.. જેટલું કૌતુક કરીએ એટલુ ઓછું છે.
અંકિત સાથે સંસ્થાએ પણ બાળક અંકિતની કાળજી લઈને તબીબોને ખોટો સાબિત કરી બતાવ્યું છે. જો કે તબીબોની માહિતી ખોટી ન હતી. આજે અંકિત દૈનિક ધોરણે સવારે વહેલા ઉઠીને ઇશ્વરને નમન કરે છે. ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓમાં રસ દાખવે છે. અંકિત દીકરા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેને મોટો થઈને એક ઉચ્ચ અધિકારી બનવું છે. અંકિતના સપના તો તેની મહેનતથી સાકાર થશે પરંતુ જે રીતે સૌના સંયુક્ત પ્રયાસોથી અંકિત આજે સમાજની મુખ્યધારા નિર્ભય સાથે જોડાયો છે, જે નર્મદા જિલ્લાની સેવા સુશ્રૃશાની મોટી જીત છે.
ગુજરાતમાં ઘાતક ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે.
સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં આવેલી AM/NS ઈન્ડિયા કંપનીમાં વર્ષના અંતિમ દિવસે એક દુ:ખદ આગની ઘટના બની.
નવા વર્ષના તહેવારો પૂર્વે, અમદાવાદની ઇસનપુર પોલીસે ગેરકાયદેસર વેચાણના સંબંધમાં બે વ્યક્તિઓની ધરપકડ કરીને, માદક દ્રવ્યોના ઇન્જેક્શનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.