ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક કૃષિના રાજ્યકક્ષાના મોડેલ તાલીમ કેન્દ્ર બનશે : આચાર્ય દેવવ્રતજી
પૂર્ણ સમર્પણ, સખત પરિશ્રમ અને પ્રમાણિકતાપૂર્વક સાચા દેશ સેવક-ખેડૂત સેવક બનીને પ્રાકૃતિક ખેતીથી નવી ક્રાંતિ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક કૃષિના રાજ્યકક્ષાના મોડેલ તાલીમ કેન્દ્ર બનશે. દેથલી (ખેડા), અંભેટી (વલસાડ) અને રાંધેજા (ગાંધીનગર) કૃષિ વિજ્ઞાન
કેન્દ્રોના ૨૫ જેટલા કૃષિ વૈજ્ઞાનિકો ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ-તા. ૧ લી મેથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહાઅભિયાનમાં જોડાશે. આજે રાંધેજા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ શુદ્ધ વિજ્ઞાન છે. પૂર્ણ
સમર્પણ, સખત પરિશ્રમ અને પ્રમાણિકતાપૂર્વક પ્રાકૃતિક ખેતીના જનઆંદોલનમાં ખેડૂતોને જોડવાના છે. સાચા દેશ સેવક, ખેડૂત સેવક બનીને નવી ક્રાંતિ કરવાની છે.
૧૮૦ દિવસ પહેલાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તા. ૨૦ મી ઓક્ટોબરે રાંધેજા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિના પ્રશિક્ષક બનવા આહ્વાન કર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત ત્રણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના ૨૫ જેટલા કૃષિ વૈજ્ઞાનિકો હરિયાણા-કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રશિક્ષક બનવા તાલીમ લઈને આવ્યા છે અને હવે ખેડૂતોને તાલીમ આપવા સજ્જ છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાંધેજા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ વૈજ્ઞાનિકોને સંબોધતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સૂચન પ્રમાણે ત્રણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ગુજરાતના મોડેલ તાલીમ કેન્દ્રો બનવા જઈ રહ્યા છે તેનો મને આનંદ અને આત્મસંતોષ છે. ખેતીવાડીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરો પરંતુ રાસાયણિક ખેતી હરગીઝ નહીં. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ધાર્મિકતાની વાત નથી. તેમણે કૃષિ વૈજ્ઞાનિકોને પૂર્વગ્રહો છોડીને પૂર્ણ વિશ્વાસથી પ્રાકૃતિક કૃષિમાં નવા સંશોધનો કરવા
આહ્વાન કર્યું હતું.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સૂક્ષ્મ જીવાણું, અળસીયા, મિત્ર કીટક, અવશેષ, વાપ્સા અને પ્રાકૃતિક વાતાવરણ પર આધારિત પ્રાકૃતિક ખેતી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન વધારવાની ખેતી છે. રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી ધરતીની ફળદ્રુપતા
ઘટી ગઈ છે. ગૌમુત્ર અને ગોબરના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી જ ભૂમિની ફળદ્રુપતા અને ઓર્ગેનિક કાર્બન વધારવા સમર્થ છે. આ વાત ખેડૂતોને સમજાવીને પ્રાકૃતિક ખેતીના જનઆંદોલનમાં સૌને જોડવાના છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ગરીબ અને સામાન્ય માનવીના ઉત્કર્ષના વિચારો, ગામડાનો વિકાસ અને ખેડૂતોનું કલ્યાણ કરવાના વિચારો આ રીતે મૂર્તિમંત થશે.
તા. ૧ લી મે-ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી રાજ્યભરમાં શરૂ થનારા પ્રાકૃતિક કૃષિ ખેડૂત તાલીમ મહાઅભિયાનના ક્લસ્ટર આધારિત તાલીમ કાર્યક્રમની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતને ઝેરમુક્ત કરવાના પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં
ઈમાનદારીપૂર્વક જોડાઈને લોકોને નવજીવન આપવાનું કામ સૌ સાથે મળીને કરીએ. આરંભે ગુજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલનાયક શ્રી ડૉ. ભરતભાઈ જોશીએ સ્વાગત ઉદબોધનમાં કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો ભાગ્યશાળી છે, કે તેમને પ્રગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા શ્રી આચાર્ય દેવવ્રતજીનું ઉમદા માર્ગદર્શન મળી રહ્યું છે, જે પ્રગતિનો યશસ્વી પથ ખોલી રહ્યું છે. અંતમાં કાર્યકારી કુલસચિવ શ્રી ડૉ. નિખિલભાઇ ભટ્ટે શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના સત્યના પ્રયોગો માટે આભાર માનતાં કહ્યું હતું કે, કુલપતિ તરીકે તેઓ ગાંધીવિચાર અને મૂલ્યોને સાકાર કરતાં કરતાં રાષ્ટ્રપોષક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દેથલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક શ્રી ડૉ. પી. કે. શર્મા, રાંધેજાના શ્રી ડૉ. વી. કે. ગર્ગ અને અંભેટીના ડાયરેક્ટર શ્રી ડૉ. રાજેન્દ્ર ઠાકુરે તેમણે મેળવેલી તાલીમના અનુભવો વર્ણવીને સૌને માર્ગદર્શન આપ્યું હતું.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.