ગાંધીનગર ખાતે સીધી ભરતીથી નિમણૂક પામેલા 1760 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને નિમણુક પત્રો એનાયત કરાયા
નાગરિકોનું આરોગ્ય રાજ્યના વિકાસનો મુખ્ય પાયો, જેને મજબૂત કરવામાં આરોગ્યકર્મીઓનું યોગદાન મહત્વપૂર્ણ : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ
નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને સરકારી સેવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. રાજ્ય સરકારે સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી થાય તે માટે વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેના પરિણામે અનેક યુવાનો આજે સરકારી સેવામાં જોડાયા છે.આજે ગાંધીનગર ખાતે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી નિમણૂક પામેલા 1760 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને નિમણુક પત્રો આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં એનાયત કરાયા હતા.
નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવીને કર્મયોગીથી આગળ વધી સેવાયોગીના ભાવ સાથે નાગરિકોની સેવામાં સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભારત દેશ વિશ્વના મોખરા સ્થાને જઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે પણ આજ સુધીનું સૌથી મોટું ૩ લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજુ કરીને ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પંચાયતમાં 15 હજાર કર્મીઓની ભરતીનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે તબક્કાવાર ભરતીઓ થઈ રહી છે, અને આગળ પણ અનેક ભરતીઓ થકી દરેક વિભાગની ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે.
મંત્રી શ્રી દેસાઈએ કોરોના મહામારી દરમિયાન રાજ્યના અરોગ્યકર્મીઓએ નિસ્વાર્થભાવે કરેલી સેવાને બિરદાવતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટીવંત નેતૃત્વ તથા ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સની અવિરત સેવાઓના પરિણામે ભારત દેશ કોરોના જેવી ભયાનક મહામારી સામે ટક્કર ઝીલી શક્યો. આ સમયગાળામાં રાજ્યના આરોગ્યકર્મીઓની ભૂમિકા ખૂબ જ સરાહનીય રહી હતી.
રાજ્ય સરકારમાં જોડાઈ રહેલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ગુજરાતના ગામડામાં વસતા સામાન્ય નાગરીકો સુધી આરોગ્ય કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના મુખ્ય વાહક બનશે
નવનિયુક્ત ઉમેદવારોને સેવાનો અભિગમ દાખવી આંસુ, ચિંતા અને સંવેદનાને સમજીને સેવા કરશે ત્યારે ‘સેવા પરમોધર્મ’નો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે પસંદગી પામેલા ઉમેદવારોને આરોગ્ય સેવા પરિવારમાં આવકારતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં જોડાઈ રહેલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ગુજરાતના ગામડામાં વસતા સામાન્ય નાગરીકો સુધી આરોગ્ય કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના મુખ્ય વાહક બનશે. નાગરિકોનું આરોગ્ય એ રાજ્યના વિકાસનો મુખ્ય પાયો છે. આ પાયાને મજબૂત કરવામાં આરોગ્યકર્મીઓનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ગરીબ અને સામાન્ય નાગરીકો સુધી જરૂરિયાતની તમામ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાનો રાજ્ય સરકારે કરેલો નિર્ધાર નવનિયુક્તિ પામેલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નિષ્ઠાપૂર્વક કામ કરી પરિપૂર્ણ કરશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પંચાયત રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, સફળતા સરળતાથી નથી મળતી પરંતુ સતત મહેનત કરવાથી ચોક્કસ પ્રાપ્ત થાય છે. આવી જ સતત અને અથાગ મહેનતનું આજે પરિણામ આપ સૌને મળ્યું છે. આ નવી યુવાશક્તિને નવા જોમ અને જુસ્સા સાથે નિષ્ઠાથી કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. મંત્રી શ્રીએ પંચાયતી રાજનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ૧૯૯૨માં પંચાયતી રાજનો કાયદો પસાર થયા બાદ સમગ્ર દેશમાં પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. પંચાયતી રાજ એક એવું માધ્યમ છે, જેના દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચી છે. અનેક પ્રજાલક્ષી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં તમારા જેવા કર્મયોગીઓનો સાથ
ખુબ જ જરૂરી છે.
મંત્રી શ્રી ખાબડે ઉમેર્યું હતું કે, નોકરીની રાહ જોતા ઉમેદવારોને નોકરી આપવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબદ્ધ છે. આ જ ધ્યેયને ધ્યાનમાં રાખી આગામીં 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતી કરવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા ૧૭૬૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સની ભરતી ખુબ જ પારદર્શક રીતે કરવામાં આવી છે. આ ભરતીની સંપુર્ણ કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરીને નિમણુંક પત્ર આપવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે પંચાયત અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે વિકાસ કમિશ્નર શ્રી સંદિપ કુમારે આભારવિધી કરી હતી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શ્રી શાહમીના હુસૈન, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી સુરભી ગૌતમ સહિત આરોગ્ય અને પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ અને પસંદગી પામેલા ઉમેદવારો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.