મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સવા ચાર લાખ જેટલા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો સંવાદ સાધ્યો
રાજ્ય સરકારના શિક્ષણ સુધારણાના આયામો-શિક્ષકોની સહભાગીતા અને શાળા વ્યવસ્થાપન સમિતિઓની સજાગતાથી શિક્ષણનું સ્તર વધુ ઉન્નત કરીને વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, જ્ઞાન અને શિક્ષણની આ ૨૧મી સદીમાં બાળકોને વિશ્વ સાથે કદમથી કદમ મિલાવતા મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે શાળા વ્યવસ્થાપન સમિતિની સહભાગીતા આવશ્યક છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ભાર આપીને નાનામાં નાના ગામ સુધી સુવિધાઓ પહોંચાડી છે અને શિક્ષણનો વ્યાપ વધ્યો છે. ત્યારે SMC જેટલી સક્રિય હશે તેટલો વ્યાપક લાભ ગામની શાળાઓના શિક્ષણમાં મળતો થશે.
મુખ્યમંત્રીએ રાજ્યભરની સરકારી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સવા ચાર લાખ જેટલા સભ્યો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદનો સૌપ્રથમ અભિનવ ઉપક્રમ હાથ ધર્યો હતો. શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ આ વિડીયો સંવાદમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાતચીત દ્વારા તેમના પ્રસ્તાવો અને ફીડબેક પણ મેળવ્યા હતા.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ વ્યવસ્થાના આયામો અપનાવ્યા છે. એટલું જ નહીં, શિક્ષકો પણ હવે બાળકોની શાળામાં હાજરી સહિત અભ્યાસ અંગેની ઝીણામાં ઝીણી બાબતોની કાળજી લે છે. તેવા સંજોગોમાં SMCએ પણ તેમની સાથે સક્રિયતાથી જોડાઈને પોતાના ગામની શાળા તથા બાળકોના શિક્ષણ સ્તરને વધુ ઉન્નત બનાવવું જોઈએ.
મુખ્યમંત્રીએ આ અંગે વધુમાં કહ્યું કે, SMCના સભ્યો નિયમિતપણે બેઠક યોજીને શાળાની સુવિધાઓ, બાળકોની હાજરી, અભ્યાસ સહિતની બાબતોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને પોતાના સુઝાવો આપે તેવી અપેક્ષા છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શિક્ષણ જ વિકાસનો મુખ્ય આધાર છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને સાકાર કરવા બાળકોને અવશ્ય ભણાવીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ સૌ સાથે મળીને કરીએ.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે આપેલા નવ સંકલ્પોમાં ખાસ કરીને કેચ ધ રેઈન અભિયાન, એક પેડમાં કે નામ, સ્વસ્થતા-સ્વચ્છતા અને તંદુરસ્ત રોગમુક્ત જીવન માટે વ્યાયામ તથા પ્રાકૃતિક ખેતીના સંકલ્પો પાર પાડવામાં SMCના સભ્યો, શિક્ષકો અને અગ્રણીઓ બાળકોને પ્રાથમિક શિક્ષણ સ્તરેથી જ કેળવે તેવો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિડીયો સંવાદમાં પ્રતિક રૂપે જામનગર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર અને નવસારીની ગ્રામીણ વિસ્તારની શાળાઓના વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ- વાર્તાલાપ કર્યો હતો.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યની શાળાઓમાં ૨૦૦૯થી RTE એક્ટ અન્વયે શાળા વ્યવસ્થાપન સમિતિઓની રચના કરવામાં આવેલી છે. SMCના સભ્યો અને શિક્ષકોની સહિયારી જવાબદારીથી આત્મનિર્ભર ભારતના ભાવિ નાગરિકનું ઘડતર વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા શાળાઓમાં થાય છે.
શાળાઓમાં બાળકોના નામાંકન, દિવ્યાંગ બાળકો માટેની કાળજી, વિવિધ યોજનાઓના અમલીકરણ વગેરેમાં SMCની સહભાગીતા મળી રહી છે તેની પણ ભૂમિકા શિક્ષણ મંત્રીશ્રીએ આપી હતી.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં શાળા શિક્ષણ અન્વયે સરકાર અને SMCનું જે સુચારુ સંકલન છે તેની સરાહના કરી હતી.
"અમદાવાદ અને સુરતમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીમાં 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત. જાણો દસ્તાવેજોની ચકાસણી, પોલીસની રેડ અને હર્ષ સંઘવીની ચેતવણી વિશે સંપૂર્ણ માહિતી."
"અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની નવી સેવા 27 એપ્રિલ, 2025થી શરૂ! સચિવાલય અને ગિફ્ટ સિટી સુધી 7 નવા સ્ટેશનો સાથે ઝડપી અને સુરક્ષિત મુસાફરી. જાણો ટાઈમટેબલ, ટિકિટ દર અને લાભો વિશે વિગતવાર માહિતી."
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.