નાંદોદ તાલુકાના પોઈચા સ્થિત નીલકંઠ ધામ ખાતે દક્ષિણ ઝોનનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું
રાજ્ય સરકાર છેવાડાના બાળકોને શૈક્ષણિક સુવિધાઓ માટે અનેક યોજનાઓ અને માળખાકીય સુવિધાઓની પૂરી પાડી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે : શિક્ષણ મંત્રીશ્રી
રાજપીપલા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નીલકંઠધામ પોઈચા ખાતે આદિજાતિ વિકાસ,પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુકત ઉપક્રમે દક્ષિણ ઝોનનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું.
આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, શિક્ષકને બાળક, નાગરિક, સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરવાનો મોકો મળે છે જે સૌ શિક્ષકો માટે ગૌરવની વાત છે. છેવાડાના બાળકોને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
ત્યારે બાળકો માટે તેનો વિશેષ ઉપયોગ કરીને શિક્ષકોએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી બની જાય છે. આજે શૈક્ષણિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અલગ અલગ સંઘો-સંગઠનો મળીને કામ કરી રહ્યાં છે. જેના માટે સરકાર અનેક સુવિધાઓ પૂરી પાડી રહી છે. ત્યારે શિક્ષકોએ બાળકોના ઘડતર માટે જવાબદારી સાથે પોતાની ફરજ અદા કરીને બાળકોનું ઉજ્વળ ભવિષ્ય બનાવવા માટે હંમેશાં કાર્ય કરવું જોઈએ તેમ તેઓએ કહ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભારત દેશમાં વર્ષો પહેલાં ભારતીય શિક્ષણ પ્રણાલી વિશ્વમાં ખ્યાતનામ હતી અને તેના કારણે જ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ભારતમાં આવતા હતા. ભારતીય શિક્ષણ પ્રણાલી રાજ્યાશ્રિત નહીં પરંતુ સમાજ આશ્રિત હતી. આજે બાળકોમાં તમામ પ્રકારના જ્ઞાન, મૂલ્યો, સંસ્કારો, કૌશલ્યનું સિંચન કરવામાં આવી રહ્યું છે. જેના થકી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પણ ભારત આગળ વધી રહ્યું છે એટલે જ દેશમાં નવું સંશોધન, નવું ઇનોવેશન જોવા મળી રહ્યું છે. ભાવિ પેઢી અને દેશના નિર્માણ માટે બાળકોમાં મૂલ્યવાન ગુણોના સિંચન થકી એક સાચા નાગરિક બનાવવાનું કામ શિક્ષકની ફરજ બને છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પરિવાર નિર્માણ અને વ્યક્તિ નિર્માણમાં અનેક બાબતો જરૂરી હોય છે. જેને ધ્યાનમાં રાખીને જ નવી શિક્ષણ નીતિ પણ બનાવવામાં આવી છે. જેમાં સ્કિલ બેઈઝડ એજ્યુકેશનને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. ચોઈસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ થકી ચાલનારી આ નવી શિક્ષણ નીતિના પરિણામો ભલે આપણને મોડા મળશે પણ રાષ્ટ્ર નિર્માણમાં તે સાચા અર્થમાં સાર્થક થશે. યુવાન સારો તો દેશ સારો, યુવાન સુખી તો રાષ્ટ્ર સુખી તેવા મંત્ર સાથે વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધીઓ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસીમાં સુધારા ઉપર ભાર મૂકી ભારત દેશને વિશ્વ ગુરૂ બનતા કોઈ રોકી શકશે નહીં તેવો વિશ્વાસ પણ શિક્ષણ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ તબક્કે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી જયપ્રકાશ પી. પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ.સી.ભૂસારાએ પણ શિક્ષણ જગતને સ્પર્શતી કેટલીક બાબતો, બાળકોના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કેવી રીતે લાવી શકાય, શિક્ષણમાં બાધક પરિબળો, પ્રશ્નો અને તેના નિવારણ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે નવ નિયુકત આચાર્યશ્રીઓ, નિવૃત્ત આચાર્યશ્રીઓ, એવોર્ડી શિક્ષકશ્રીઓ, નર્મદા જિલ્લાના તેજસ્વી તારલાઓ, કાર્યક્રમના શુભેચ્છકોને મોમેન્ટો અને બુક આપી, શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.
આ અધિવેશનમાં તજજ્ઞ અને કાર્યક્રમના વક્તા શ્રી જે.એમ.માંગરોલિયા, બોર્ડના પૂર્વ સભ્યો સર્વશ્રી ભરતભાઈ ચૌધરી અને ભાનુભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ પટેલ, નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી નિલેશભાઈ વસાવા, નર્મદા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ, દક્ષિણ ઝોનના જિલ્લાના શિક્ષણાધિકારીશ્રીઓ, દક્ષિણ ઝોનના વિવિધ સંઘના મંત્રીશ્રીઓ અને પ્રમુખશ્રીઓ, આચાર્યશ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.