વિશ્વ યોગ દિવસે ગાંધીનગર બન્યું 'યોગમય'
સ્વર્ણિમ પાર્ક ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૯ મા 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરાઇ, ગાંધીનગર શહેરના ઈતિહાસમાં પ્રથમવાર વિવિધ ૨૭ સ્થળે અંદાજે ૫૦,૦૦૦ નગરજનો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા તે સૌ માટે પ્રેરણારૂપ - મેયર હિતેશભાઈ મકવાણા
'વિશ્વ યોગ દિવસે' નિમિત્તે આજે ગાંધીનગર સાચા અર્થમાં 'યોગમય' બન્યું હતું. ગાંધીનગર શહેરના ઈતિહાસમાં પ્રથમવાર વિવિધ ૨૭ સ્થળે અંદાજે ૫૦,૦૦૦ નગરજનો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા તે સૌ માટે પ્રેરણારૂપ છે તેમ, આજે ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું.
સ્વર્ણિમ પાર્ક- સેન્ટ્રલ વિસ્ટા ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૨૧ જૂન નિમિત્તે ૯ મા 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. 'વિશ્વ યોગ દિવસ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો યોગ વિશેનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત ખાતે વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું પણ જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું જેનો સૌ લાભ લીધો હતો.
મેયરશ્રી મકવાણાએ તમામને વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, યોગ એ ભારતે વિશ્વને આપેલી એક અમૂલ્ય ભેટ -દેન છે. યોગ એ ભારતની પ્રાચીન વિદ્યા છે 'યોગ' એટલે જોડવું, મન અને તનની સુખાકારી માટે યોગ એ ઉત્તમ માધ્યમ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક અનોખી પહેલના પરિણામ આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે. વિશ્વના અંદાજે ૧૭૦ જેટલા દેશોમાં આજે 'વિશ્વ યોગ
દિવસ'ની ઉજવણી થઈ રહી છે, જે આપણા સૌ ભારતીયો માટે ગૌરવ સમાન છે તેમ,તેમણે ઉમેર્યું હતું.
આ વર્ષે વિશ્વ યોગ દિવસની થીમ: 'વસુધૈવ કુટુંબકમ- માટે યોગ' નક્કી કરવામાં આવી છે જેને ચરિતાર્થ કરવા સમગ્ર વિશ્વ એક સાથે યોગ દિવસ ઉજવી રહ્યું છે તેમ,જણાવી મેયરશ્રીએ નગરજનોને 'યોગ'ને પોતાના જીવનનો એક હિસ્સો બનાવીને નિયમિત યોગ કરવા આહ્વાન પણ કર્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે. એન. વાઘેલાએ સૌ યોગપ્રેમીઓને આવકારીને નગરજનોને વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત યોગ બોર્ડના તજજ્ઞ ટ્રેનરો દ્વારા 'કોમન યોગ પ્રોટોકોલ' મુજબ મુખ્યત્વે તાડાસન, અર્ધ ચક્રાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન, ઉત્કુટાસન, કપાલભાતિ, અનુલોમ- વિલોમ, ઓમકાર, ભ્રામરી, વજ્રાસન, દંડાસન, સવાસન વગેરે યોગાસાન- આસનો કરાવ્યા હતા, જેમાં સૌ ઉત્સાહ પૂર્વક સહભાગી થયા હતા જેના પરિણામે સમગ્ર સ્વર્ણિમ પાર્ક યોગ શકિતનું કેન્દ્ર બન્યો હતો.
યોગ દિવસ નિમિત્તે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી કેયુરભાઈ જેઠવા, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ શ્રી રૂચિરભાઈ ભટ્ટ,નગર સેવકો શ્રીઓ,બ્રહ્માકુમારીના શ્રી કૈલાસ દીદી તેમજ પોલીસ, CRPF, ભારતીય વાયુસેના, હોમગાર્ડના જવાનો, ઉમિયા માતાજી સંસ્થાન,ગુજરાત યોગ બોર્ડના ધાકડ ટ્રેનર્સ,નહેરુ યુવા કેન્દ્રના યુવાનો,ગાંધીનગર વેપારી એસોસિયેશનના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ભાઇઓ- બહેનો, વડીલો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.
ગુજરાત સરકારે રવિ કૃષિ મહોત્સવ-2024ની જાહેરાત કરી છે, જે 6 અને 7 ડિસેમ્બરે યોજાનાર છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને અદ્યતન કૃષિ પદ્ધતિઓ અને તકનીકોથી સજ્જ કરવાનો છે.
મહેસાણા સ્થિત રાધે ગ્રૂપ અને ટ્રોગન ગ્રૂપ સહિત તેના ભાગીદારોને ટાર્ગેટ કરીને આવકવેરા વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં શ્રેણીબદ્ધ સંકલિત દરોડા પાડ્યા છે.
ગુજરાતના ભુજમાં આવેલ સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમને વૈશ્વિક સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે તેનું સ્થાન પ્રાપ્ત કરીને પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ પ્રાપ્ત થયું છે.