મગફળીના પાકમાં સફેદ ધૈણનો ઉપદ્રવ અટકાવવા ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર
ચાલુ ચોમાસું સીઝનમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગત્યનાં ખેતી પાક-મગફળીમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે મહદ અંશે જોવા મળતો હોય છે.વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૧૮૦૧૫૫૧ ઉપર સંપર્ક કરવો
ચાલુ ચોમાસું સીઝનમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગત્યનાં ખેતી પાક-મગફળીમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે મહદ અંશે જોવા મળતો હોય છે. આ ધૈણની ઇયળો પહેલાં તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મુળને કાપીને નુકસાન કરે છે. તેનું નુકસાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે અને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે, જો ધૈણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો ખેડૂતોને સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર જરૂરી પગલાં લેવા ખેતી નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો (ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરજીવીઓ અને પરભક્ષીઓથી તેનો નાશ થશે. શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના તેમજ આજુ-બાજુના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી., ૨૫-૩૦ મી.લી., પ્રતિ ૧૦ લીટર પાણીમાં મીશ્રણ કરી છંટકાવ કરવાથી ઝાડ ઉપર એકઠાં થયેલ ઢાલિયાનો નાશ થશે.
આ ઉપરાંત, જમીનમાં પડી રહેલ સુષુપ્ત ઢાલિયા સંધ્યા સમયે જમીનમાંથી બહાર નીકળીને ખેતરના શેઢા-પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો. દીવેલીનો ખોળ ૫૦૦ કિ.ગા./હેક્ટર પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ધૈણ ઉપરાંત મગફળીના પાકમાં ડોડવાને નુકસાન કરતી જીવાતો સામે રક્ષણ આપી શકાય છે.
મગફળીના બીજને વાવતા પહેલા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૫ મિલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 3 મિલિ અથવા ક્લોથીયાનિડીન ૫૦ ડબલ્યુડીજી બે ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૬.૫ મિલિ પ્રતિ કિગ્રા બીજ પ્રમાણે બીજને પટ આપી, બે-ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો. બ્યુવેરિયા બેસિયાના અને મેટારિઝિયમ એનિસપ્લિયા નામની ફુગનો પાઉડર ૨૫ ગ્રામ એક કિગ્રા બીજને માવજત આપી વાવેતર કરવું.
જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે જૈવીક જંતુનાશકો જેવી કે મેટારીઝીયમ એનીસોપ્લી અથવા બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ વે.પા. (ન્યુનતમ ૨×૧૦૬ સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા અથવા ઉગવાના ૩૦ દિવસ પછી ૧ કિગ્રા ૩૦૦ કિગ્રા દિવેલી ખોળ સાથે ભેળવી છોડની હરોળમાં આપવી. આ બંન્ને જૈવીક જંતુનાશકો જમીનમા આપતા સમયે જમીનમાં ભેજ હોવો આવશ્યક છે. ધૈણનો ઉપદ્રવ વધારે રહેતો હોય તો મગફળીના ચાસમાં બજારમાં મળતી રાસાયણીક જંતુનાશકો કલોરપાયરીફોસ ૧૦જી હેકટરે ૧૦ થી ૧૫ કિ.ગ્રા. ચાસમાં વાવેતર પહેલા આપવું.
જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૫ થી ૩૦ મી.લી. દવા પ્રતિ ૧૦ લીટર પાણીમાં મીશ્રણ કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે. ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. અથવા કવીનાલફોસ ૨૫ ઈ.સી. હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે. ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનું હોય ત્યારે આ જીવાતના નિયંત્રણ કરવા માટે કલોરપાયરીફોસ ૪ લીટર દવા ૫ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો જીણી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુખવી, ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું જોઇએ.
આ ઉપરાંત મીથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે જે આ જીવાતના એગ્રીગેશન એટલેકે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ x ૫ સેં.મી.ના વાદળી (સ્પોંજ)ના ટૂકડા કરવા, જેને ૪૫-૫૦ સેં.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટૂકડા પર ટપકણીયામાંથી ૩ મિલિ જેટલું મીથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું.
આ અંગે વધુ જાણકારી જે તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે., ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.), નાયબ ખેતી નિયામક (તાલીમ)અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફી નંબર–૧૮૦૦ ૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા ખેતી નિયામકશ્રીની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે, જેને રૂ. 3,350 કરોડથી વધુના ખર્ચે સિક્સ-લેન રોડ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યો છે, તેની ટોલ વસૂલાત પ્રણાલીમાં મોટો ફેરફાર થવાનો છે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,