ગુજરાત સરકારનો SWAGAT ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યુએન એવોર્ડથી સન્માનિત
જાહેર સેવામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ અસરકારક વહીવટ માટે સ્વાગત કાર્યક્રમને બે દસકમાં વિવિધ એવોર્ડ્સ પ્રાપ્ત થયા
ગુજરાતમાં ‘ઇઝ ઓફ લિવિંગ’ ને પ્રમોટ કરવા તેમજ સામાન્ય જનતા અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવા માટે ટેક્નોલોજીમાં રહેલી ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં એટલે કે 24 એપ્રિલ, 2003ના રોજ SWAGAT (સ્વાગત - સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી.
રાજ્ય સરકારના સ્વાગત કાર્યક્રમને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે અને છેલ્લા 2 દાયકામાં આ કાર્યક્રમ દ્વારા ગુજરાતના લાખો નાગરિકોની વિવિધ સમસ્યાઓનું સફળતાપૂર્વક નિરાકરણ થયું છે. ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસનનું સ્તર કેમ સુધારી શકાય તેનું આ SWAGAT કાર્યક્રમ એક ઉત્તમ ઉદાહરણ છે, તેના માટે આ કાર્યક્રમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે.
જાહેર સેવામાં પારદર્શિતા, જવાબદેહી અને ઉત્તરદાયિત્વ અંગે અસરકારકતા, કાર્યદક્ષતા અને ગુણવત્તા માટે સ્વાગત કાર્યક્રમને યુએન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ 2010 એનાયત કરવામાં આવ્યો છે.વૈશ્વિક સ્તરે જાહેર સંસ્થાઓની સર્જનાત્મક સિદ્ધિઓ અને કામગીરીથી સામાન્ય જનતાને અસરકારક જાહેર અને જે શ્રેષ્ઠત્તમ વહીવટી સેવાઓ પ્રાપ્ત થાય છે, તેના માટે આ યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે અને વર્ષ 2010માં આ એવોર્ડ સ્વાગત કાર્યક્રમને એનાયત થયો છે.
એટલું જ નહિ, રાજ્યના નાગરિકોને અસરકારક સેવાઓ પૂરી પાડવા માટે સ્વાગત કાર્યક્રમને ભારત સરકાર દ્વારા ર૦૧૦-૧૧માં ‘નેશનલ એવોર્ડ ફોર ઇ-ગવર્નન્સ, 2010-11’ થી પણ પુરસ્કૃત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જાહેર સેવાઓમાં સુધારો કરવા માટે ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IT)ના કાર્યક્ષમ ઉપયોગ બદલ ગવર્મેન્ટ પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશનની કેટેગરી હેઠળ સ્વાગત કાર્યક્રમને ‘CXO એવોર્ડ 2011’ પણ પ્રાપ્ત થયેલ છે.
સ્વાગત શરૂ થયો ત્યારથી એટલે કે ર૦૦૩ થી અત્યાર સુધી 20 વર્ષોમાં સ્વાગત કાર્યક્રમ મારફતે સાડા પાંચ લાખથી પણ વધુ લોકોની ફરિયાદોનો ગુજરાત સરકાર દ્વારા સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દર્શાવેલા સુશાસનના આ પથ પરથી પ્રેરણા લઇને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વાગત કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.
એપ્રિલ 2023માં સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એપ્રિલ મહિનાનું અંતિમ સપ્તાહ સ્વાગત સપ્તાહ તરીકે ઉજવાઇ રહ્યું છે. પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રાસરૂટ લેવલના પદાધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપી ‘સ્વાગત’ કાર્યક્રમને વધુ સુદ્રઢ અને વ્યાપક બનાવવાનો અભિગમ મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે અપનાવ્યો છે. આ માટે સ્વાગત સપ્તાહની ઉજવણી દરમિયાન રાજ્યની તમામ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ અને વીસીઇને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય અને પંચાયત વિભાગના ઉપક્રમે બાયસેગના માધ્યમથી ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી.
આ ઓનલાઇન તાલીમમાં ગ્રામ્ય વિસ્તારના પદાધિકારીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓને સ્વાગત કાર્યક્રમનો વધુને વધુ પ્રચાર કરી તેનો વ્યાપ વધારવા અને નાગરિકોની સમસ્યાના ત્વરિત નિરાકરણ માટેની કાર્યપદ્ધતિ સમજાવવામાં આવી હતી. રાજ્યની 14,515 ગ્રામ પંચાયતોના 10,095 સરપંચશ્રીઓ, 53,941 ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ તથા 18,907 તલાટીઓ અને વી.સી.ઇ મળીને કુલ 82,943 પદાધિકારી/કર્મચારીઓએ ‘સ્વાગત’ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ મેળવી હતી. આ તાલીમ દરમિયાન અધિકારીશ્રીઓને તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો પરત્વે સંવેદનશીલ રહીને કાર્ય કરવા તેમજ અરજદારોની સમસ્યાઓ માટે તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે સંકલનમાં રહેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજ્યના 400 જેટલા નવનિયુક્ત તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને પણ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સ્વાગતની કાર્યપદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી હતી. બે દિવસની આ તાલીમમાં અધિકારીઓને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ‘સ્વાગત’ના સુચારૂ સંચાલન અને સંકલન તેમજ પ્રજાના પ્રશ્નોના ગુણાત્મક નિરાકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 181 તાલુકા મામલતદારશ્રી અને 214 તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અને તેમાં તેઓની સક્રિય ભૂમિકા વિષે તાલીમ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્વાગત કાર્યક્રમ ચાર તબક્કાઓ હેઠળ અમલી કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમોનો સમાવેશ થાય છે.ગ્રામીણ વિસ્તારોમાં લોકોની સમસ્યાઓનો ઘરઆંગણે ઉકેલ પૂરો પાડવા માટે ગ્રામ સ્વાગત કાર્યક્રમ આયોજિત થાય છે, જેમાં નાગરિકોએ દરેક મહિનાની 1થી 10 તારીખ દરમિયાન પોતાની અરજી તલાટી / મંત્રીને આપવાની રહે છે. આ
અરજીઓને ત્યારબાદ તાલુકા સ્વાગતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને પછી તેમનો નિકાલ કરવામાં આવે છે. નાગરિકોને જિલ્લા અથવા રાજ્યની કચેરીઓની મુલાકાત ન લેવી પડે એ અને તાલુકા સ્તરે તેમના પ્રશ્નોનું સમાધાન મળે તે માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં તમામ તાલુકા કક્ષાના અધિકારીઓ લોકોને પડતી સમસ્યાઓ સાંભળવા અને જરૂરી નિરાકરણ આપવા હાજર રહે છે. તાલુકા કક્ષાએ ઉકેલાતા ન હોય અથવા જિલ્લા કક્ષાના અધિકારીઓના કાર્યક્ષેત્રમાં આવતા હોય તેવા તમામ પ્રશ્નો માટે દર મહિનાના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી નિરાકરણ લાવે છે.
નાગરિકોની જે ફરિયાદોનું નિરાકરણ તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ થતું નથી અથવા રાજ્ય કક્ષાના અધિકારીઓના કાર્યક્ષેત્રમાં આવતા પ્રશ્નોના નિરાકરણ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી અરજદારો સાથે રૂબરૂ અથવા વિડિયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ કરે છે. અરજદારો સાથે વાતચીત કર્યા પછી, મુખ્યમંત્રી ફરિયાદોના ઝડપી અને સમયસર નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પ્રદાન કરે છે. આ ઉપરાંત, લોક ફરિયાદ કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે, જેમાં નાગરિકો સ્વાગત યુનિટમાં પોતાની ફરિયાદની અરજીઓ ઓનલાઇન નોંધાવે છે અને ત્યારબાદ આ અરજીઓ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવે છે.
સ્વાગત કાર્યક્રમની લાક્ષણિકતાઓ એ છે કે તેમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. તમામ અરજીઓની કાર્યવાહી ઓનલાઇન ઉપલબ્ધ છે અને દરેક અરજદારને તેની રજુઆત સંદર્ભે લેવાયેલા નિર્ણયની જાણ કરવામાં આવે છે. રાજ્યના નાગરિકોની સમસ્યાઓને દૂર કરીને તેમને ઇઝ ઓફ લિવિંગ આપવા માટે ગુજરાત સરકાર હંમેશાં પ્રતિબદ્ધ છે તે દિશામાં ‘સ્વાગત’ એક મહત્વપૂર્ણ કદમ બન્યો છે.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.