ઇસબગુલના પ્રોસેસિંગમાં ગુજરાત ભારતમાં મોખરાના સ્થાન પર, દેશના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં
ભારત સમગ્ર વિશ્વમાં ઔષધીય પાક ઇસબગુલનો સૌથી મોટો ઉત્પાદક દેશ, ગુજરાતમાં પણ ઇસબગુલનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષોમાં બમણું થયું, ભારતમાં ઇસબગુલના કુલ ઉત્પાદનના 93%ની નિકાસ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, અમેરિકા સૌથી મોટો ખરીદદાર દેશ.
સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાન પર છે. ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. તેના પ્રોસેસિંગના એકમો સિદ્ધપુર અને ઊંઝા ખાતે કાર્યરત છે. ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 25 જેટલા ઇસબગુલ પ્રોસેસિંગ
યુનિટ્સ વિકસિત કરવામાં આવ્યા છે.
ઇસબગુલ એ સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો ઔષધીય પાક છે અને ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનના 93% ઉત્પાદનની નિકાસ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, જેમાં અમેરિકા ભારત પાસેથી સૌથી વધુ માત્રામાં ઇસબગુલ ખરીદે છે. ત્યારબાદ ભારત પાસેથી સૌથી વધુ ઇસબગુલ ખરીદનારા દેશોમાં જર્મની, ઇટલી, યુકે અને કોરિયાનો સમાવેશ થાય છે. જોકે, વિશ્વના અનેક દેશોમાં ભારતમાંથી ઇસબગુલની નિકાસ કરવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારની બાગાયત અને ઔષધીય પાકો માટેની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાતમાં બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, ગુજરાત સરકારની પ્રોત્સાહક ઉદ્યોગનીતિ તેમજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની નીતિઓના કારણે કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગમાં અને તેમની નિકાસમાં પણ વધારો થઈ રહ્યો છે.
આ ઇસબગુલના ઉત્પાદનમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. વર્ષ 2018-19માં રાજ્યમાં ઇસબગુલનો કુલ વાવેતર વિસ્તાર 6754 હેક્ટર અને કુલ ઉત્પાદન 6817 મેટ્રિક ટન હતું, તેની સામે વર્ષ 2022-23માં કુલ વાવેતર વિસ્તાર 13,303 હેક્ટર અને કુલ ઉત્પાદન 12,952 મેટ્રિક ટન થયું છે. આમ, છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં ઇસબગુલનો વાવેતર વિસ્તાર અને તેનું ઉત્પાદન લગભગ બમણું થયું છે.
ગુજરાતમાં બનાસકાંઠામાં ઇસબગુલનું સૌથી વધુ એટલે કે 47% ઉત્પાદન થાય છે, ત્યારબાદ કચ્છમાં 34%, મહેસાણામાં 10% અને જૂનાગઢમાં 5% ઇસબગુલનું ઉત્પાદન થાય છે. આ સાથે ગુજરાતમાં ઇસબગુલના કુલ ઉત્પાદનના 96% ઉત્પાદન આ ચાર જિલ્લાઓમાં થાય છે.
ઊંઝાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે છેલ્લા પાંચ વર્ષોમાં ઇસબગુલની આવકમાં પણ વધારો થયો છે. વર્ષ 2018-19માં ઊંઝાની એપીએમસી ખાતે 65, 413 મેટ્રિક ટન ઇસબગુલની આવક હતી, જે વર્ષ 2022-23માં વધીને 87,050 મેટ્રિક ટન થઈ છે. ઉલ્લેખનીય છે કે ઊંઝાનું ગંજ બજાર એશિયાનું સૌથી મોટું ગંજ બજાર છે, જે ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના પાક માટે પ્રખ્યાત છે.
ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત ઇસબગુલ-1, ગુજરાત ઇસબગુલ-2, ગુજરાત ઇસબગુલ -3 અને ગુજરાત ઇસબગુલ-4 એમ ઇસબગુલની ચાર જાતો બહાર પાડેલી અથવા સુધારેલી જાતો છે. આ જાતોનું હેક્ટરદીઠ અનુક્રમે 800 થી 900 કિગ્રા અને 1000 કિગ્રા જેટલું ઉત્પાદન થાય છે.
ઇસબગુલના બીજ શીતળતાના ગુણધર્મો ધરાવે છે અને તેનો ઉપયોગ આયુર્વેદિક, યુનાની અને એલોપથી ચિકિત્સાઓમાં કરવામાં આવે છે. તેના બીજ તથા તેની ભૂકીનો ઉપયોગ પાચનતંત્ર અને મૂત્રજનનતંત્રના શ્લેષ્મ આવરણોના સોજા દૂર કરવામાં તથા આંતરડાના ચાંદા, મસા અને ગોનોરીયાની સારવાર કરવા ઉપરાંત કોલેસ્ટેરોલ ઘટાડવા માટે કરી શકાય છે. ગર્ભપાત વખતે ગર્ભાશય તેમજ યોનિમાર્ગના વિસ્તરણ માટે પણ તેનો ઉપયોગ કરવા અંગે તાજેતરમાં સંશોધન થયું છે. ઔષધીય ઉપયોગો ઉપરાંત તેનો ઉપયોગ રંગકામ, કાપડનું છાપકામ, આઈસ્ક્રીમ ઉદ્યોગ, મીઠાઈ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં પણ કરી શકાય તેમ છે. આ ઉપરાંત, ઇસબગુલના ભૂસીમુક્ત બીજમાં 17થી 19% પ્રોટીન હોય છે અને તેથી તેનો ઉપયોગ પશુ આહારમાં કરવામાં આવે છે.
ભારતમાંથી ઇસબગુલનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે, જે ભારતમાંથી થતી કુલ નિકાસનો લગભગ 75% હિસ્સો ધરાવે છે. વર્ષ 2022-23માં ભારતમાંથી અમેરિકામાં 19,666 મેટ્રિક ટન ઇસબગુલની નિકાસ કરવામાં આવી હતી, જેનું મૂલ્ય રૂ.1023.29 કરોડ છે. વર્ષ 2023-24 માટે પણ એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ક્વાર્ટરમાં રૂ.343.20 કરોડના મૂલ્યના 4931.70 મેટ્રિક ટન ઇસબગુલની અમેરિકામાં નિકાસ કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે ભારતીય ઔષધીય પાક ઇસબગુલ અમેરિકામાં હાલ ભારે માંગમાં છે.
માર્કેટ રિસર્ચ કંપની મિન્ટેલના ડેટા અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇસબગુલના વિવિધ ઉત્પાદનોની અત્યારે ધરખમ માંગ છે. વર્ષ 2018થી વર્ષ 2022 સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇસબગુલના 249 નવા ઉત્પાદનો બહાર પાડવામાં આવ્યા હતા. વિભિન્ન કેટેગરીમાં વેચાણના આંકડા મળવા મુશ્કેલ છે, પરંતુ માસ-માર્કેટ પ્રોડક્ટ મેટામુસિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇસબગુલના ઉત્પાદનોનું વેચાણ બે આંકડાની ટકાવારીમાં વધ્યું છે. ઇસબગુલની ઘણીબધી નવી પ્રોડક્ટ્સનો ઉપયોગ હવે અમેરિકાના રસોડાઓમાં પણ થવા લાગ્યો છે. ઓછા
કાર્બોહાઇડ્રેટ્સવાળો ખોરાક ખાતા લોકો તેનો બાઇન્ડિંગ તરીકે ઉપયોગ કરે છે, રસોઇ દરમિયાન પાતળા સોસને થોડોક વધુ ઘટ્ટ બનાવવા માટે ઇસબગુલનો ઉપયોગ થાય છે, તો ગ્લુટન ફ્રી બેકર્સ બ્રેડ અને કેકના બેકિંગમાં તેનો ઉપયોગ કરે છે. અમેરિકામાં પાચનને સરળ બનાવવા અને ભૂખને કાબૂમાં રાખવા માટે પણ ઇસબગુલનો ઉપયોગ કરવામાં આવે છે.
એલજીએ 'કેરટેકર સીએમ' ટર્મ પર ભાવનાત્મક તકલીફનો દાવો કર્યો; આતિષીએ તેમના પર રાજકીય લાભ માટે વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે.
સ્પાડેક્સ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા માટે ISROએ ભારતને ચોથા દેશ તરીકે સ્થાન આપીને કેવી રીતે ઈતિહાસ રચ્યો તે શોધો.
પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર રાજનીતિ કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી હતી. સરકારે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર દરમિયાન સ્મારક યોજનાઓની ખાતરી આપી હતી.