વડોદરામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને રૂ. ૪૨ લાખની કિંમતની સહાયક સાધન સામગ્રીનું વિતરણ
IOCLના CSR પહેલ અંતર્ગત આજે શહેરના નિઝામપુરા રોડ સ્થિત સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના CSR પહેલ અંતર્ગત આજે શહેરના નિઝામપુરા રોડ સ્થિત સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના હસ્તે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ ૨૮૬ લાભાર્થીઓને રૂ. ૪૨ લાખની કિંમતની સહાયક સાધન સામગ્રી આપવામાં આવી હતી.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે જરૂરી સહાયક સાધન સામગ્રીથી તમામ લાભાર્થીઓનું જીવન વધારે સરળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રી દિવ્યાંગજન શબ્દ આપીને દિવ્યાંગોને સન્માન આપવાની સાથે સાથે તેમના જીવનની તમામ નાની નાની જરૂરિયાતોને પણ પૂર્ણ કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.
શ્રીમતી ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, ત્યારથી દિવ્યાંગજનોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે તેમજ સમાજની મુખ્ય ધારામાં તેઓનો સમાવેશ કરવા માટે રાત-દિવસ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. સાંસદશ્રીએ વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને યથોચિત યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના એક્ઝ્યુકેટિવ ડાયરેક્ટરશ્રી રાહુલ પ્રશાંતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો પ્રત્યે પોતાની અલગ અલગ પહેલની વિગતો આપી સંસ્થાની પ્રતિબદ્ધતા જણાવી હતી. જરૂરિયાતમંદોના જીવનને વધુ સુગમ બનાવી રાષ્ટ્રપ્રથમના ભાવને તેમણે વ્યક્ત કર્યો હતો.
સમાજ સુરક્ષા અધિકારીશ્રી મંયક ત્રિવેદીએ કાર્યક્રમના પ્રારંભે સમારોહની રૂપરેખા આપી હતી. તો એલિમ્કોના ડેપ્યુટી મેનેજર બંશીલાલ સાકેતે આભારવિધિ કરી હતી.
આ સમારોહમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના સ્થાનિક અધિકારીઓ, સમાજ સુરક્ષા સંકુલનો સ્ટાફ, દીપક ફાઉન્ડેશનના પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.