મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને મંત્રીશ્રીઓએ લાગણીભેર આવકાર્યા
મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ પહોંચ્યા સોમનાથ
ગીર સોમનાથ : અમારા મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને ઝારખંડના રાજ્યપાલ શ્રી સીપી રાધાકિષ્ણન, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય માહિતીપ્રસારણ, મતસ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી એલ.મુરૂગન તથા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓએ હરખભેર આવકાર્યા હતાં.
કુમકુમ તિલક કરી ૩૦૦થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન મહેમાનોનું લાલ જાજમ પર ઉમળકાભેર ગુલાબ આપી મંત્રીશ્રીઓ સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે 'ભારત માતા કી જય અને જય સોમનાથના જયઘોષથી વાતાવરણ ઉર્જાસભર બન્યું હતું.
ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આ તકે સૌરાષ્ટ્રીયન તમિલોએ વતન સાથે ફરી જોડાવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખુબ આભાર માન્યો હતો. વતનની મુલાકાતે આવેલા બંધુઓ હરખભેર આવકાર પામી ભાવવિભોર થયા હતાં. દસ દિવસીય કાર્યક્રમના ભાગરૂપે છેલ્લા દિવસે તમિલ મહેમાનોને આવકારવા માટે પૂર્વ મંત્રીશ્રી જસાભાઈ બારડ, બીજ નિગમના પૂર્વ ચેરમેનશ્રી
રાજશીભાઈ જોટવા સહિતના અગ્રણીશ્રીઓ વિવિધ કોલેજો અને શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સૌરાષ્ટ્રના દરેક સમુદાયના લોકો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
એકતાલ, નંદિતાલ, ગણેશતાલ, રૂદ્રતાલ, બ્રહ્મતાલ જેવા વિલુપ્ત થતા નવતાલના ચિત્રોનું પ્રદર્શન બન્યુ આકર્ષણનું કેન્દ્ર
रूप भेदः प्रमाणनि भावलावण्य योजनाम् । सादृश्यं वर्णिकाभंग इति चित्रं षडंगकम्।। આ શ્લોકમાં રૂપભેદ, પ્રમાણ, ભાવ, લાવણ્યયોજના, સાદ્રશ્ય અને વર્ણિકાભંગ એમ ચિત્રકળાના છ અંગ વર્ણવવામાં આવ્યા છે. ચિત્રકળાની પરંપરા ખૂબ જ પ્રાચીનકાળથી અસ્તિત્વમાં આવી છે. ગુજરાતી અને તમિલ સાહિત્યમાં પણ કલાતત્વોનો અનેકરૂપે ઉલ્લેખ છે. ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી અને સાઉથઝોન કલ્ચર સેન્ટર તંજાવુર દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સોમનાથના ટૂરિસ્ટ ફેસિલીટી સેન્ટર ખાતે યોજાયેલ એક્ઝીબિશનમાં ગુજરાતી-તમિલ ચિત્રકારોની કલાની પૂરક જુગલબંધી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
તમિલનાડુના કલાકાર એ.કુમારસૈન તંજાવુર કલાના નિષ્ણાંત છે તેઓ પોતાની કલાના માધ્યમથી રાધાકૃષ્ણ,સરસ્વતી, ગણેશ ભગવાન તેમજ શિવના વિવિધ રૂપ લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે અહીં તેમના ૩૦ કરતા વધુ તંજાવુર શૈલીના ચિત્રો પ્રદર્શિત થઈ રહ્યા છે. જ્યારે ગુજરાતી કલાકાર નવીન સોનીના ખંડિતા, સ્વાધીનભૃતુકા, અભિસારીકા, પોષિત ભૃતિકા(જેનો પતિ પરદેશ હોય એવી નાયીકા) વિપ્રલબ્ધ, વાસકસજ્જા, અષ્ટનાયિકા જેવા પૌરાણિક પાત્રોને ધ્યાનમાં લઈ ભાવને દર્શાવતા ચિત્રો અને જીગર સોનીના જપ્તતાલ, એકતાલ, નંદિતાલ, ગણેશતાલ, રૂદ્રતાલ, બ્રહ્મતાલ જેવા વિલુપ્ત થતા નવતાલના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં પોતાની કલા યોજવાની તક મળવા બદલ નવીનભાઈ સોનીએ જણાવ્યું હતું કે ગુજરાતી અને તમિલ ચિત્રકળાના હાર્દમાં લોક અને શ્લોકનો મેળાપ એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ. આ કળાના માધ્યમથી એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે પૂરક ભાવ પ્રગટ થશે અને વધુમાં વધુ લોકો આ કળા તેમજ એકબીજાની સંસ્કૃતિ વિશે જાણશે. જ્યારે તમિલનાડુના કલાકાર એ.કુમારસૈને પોતાનો પ્રતિભાવ આપતા તમિલનાડુથી શિવની ભૂમિ સોમનાથ પર સૌરાષ્ટ્રના લોકો સમક્ષ પોતાની કળા બતાવવાની તક મળી એ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ તમિલ પરિવારો સાથે બેસી લાઈટ શો નિહાળ્યો
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે સોમનાથ ખાતે પધારેલા ઝારખંડના રાજ્યપાલશ્રી સી.પી.રાધાક્રિષ્નનએ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શિવ શરણમાં વંદન કર્યા હતા તથા સંધ્યા આરતી દર્શન કર્યા હતા. મંદિરમાં રાજ્યપાલશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મહાદેવના શરણે પૂજા અર્ચના સાથે સતત ઓમકારના જાપ સાથે રાજ્યપાલશ્રી શિવમય બન્યા હતા. મંદિર ખાતે રાજ્યપાલશ્રીનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
મંદિરના પટાંગણમાં તમિલ પરિવારો સાથે બેસી રાજ્યપાલશ્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના ઇતિહાસ અને શિવ ભક્તિને દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી બાટી, સોમનાથ મંદિરના સેક્રેટરીશ્રી યોગેન્દ્ર દેસાઈ,
અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.