રતનમહાલના દુર્ગમ જંગલમાં પહોંચ્યું મિશન ઇન્દ્રધનુષઃ આદિવાસી બાળકોનું રસીકરણ
દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો બાળકો અને સગર્ભા મહિલાઓનું કરી રહી છે રસીકરણ, રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામો પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રાના કુલ ૩૩ બાળકોને રસી આપીને સુરક્ષિત કરાયા.
ભારતનું ભવિષ્ય એવા બાળકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવામાં માટે શરૂ કરવામાં આવેલું મિશન ઇન્દ્રધનુષ રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચ્યું છે. ખાસ કરીને જ્યાં મહામહેનતે પહોંચી શકાય એવા જંગલોમાં વસતા આદિવાસી પરિવારોના ઘરે જઇને આરોગ્ય વિભાગની ટીમો બાળકોને વિવિધ પ્રકારની રસી આપી રહ્યા છે. આવો જ એક વિસ્તાર છે રતનમહાલનું જંગલ. રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામોના કુલ ૩૩ બાળકોને રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
રીંછ અભયારણ્ય માટે પ્રખ્યાત રતનમહાલના જંગલો વચ્ચે આવેલા પર્વત ઉપર ત્રણ ગામોમાં આદિવાસી પરિવારો વસવાટ કરે છે. પર્વત ઉપરના પીપરગોટા, અલિન્દ્રા અને ભૂવેરો ગામ પછી મધ્યપ્રદેશની સરહદ આવી જાય છે. આ ત્રણેય ગામો સુધી પહોંચવા માટે રતનમહાલના ડુંગરનું કપરૂ ચઢાણ સર કરવું પડે છે. અહીં વન્યપ્રાણીઓનો પણ વસવાટ હોવાથી ખૂબ તકેદારી રાખવી પડે છે. આવા દુર્ગમ વિસ્તારોમાં વસતા આદિવાસી પરિવારોની પણ રાજ્ય સરકાર દ્વારા ખેવના લેવામાં આવી છે.
મિશન ઇન્દ્રધનુષનો પાંચમો તબક્કો શરૂ થયાના ત્રીજા દિવસે દાહોદ જિલ્લાના કંજેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. સંજય બારિયા, સિસ્ટર ઉષાબેન બારિયા, હેલ્થ વર્કર પુષ્પાબેન રાઠવા, લાલાભાઇ પરમાર, પ્રિતેશભાઇ પરમાર અને સુમિત્રાબેન વાંખલ પીપર ગોટા પહોંચી ગયા. અહીં પગપાળા ચાલીને ગામમાં છૂટાછવાયા રહેતા પરિવારોના બાળકોને આંગણવાડી કેન્દ્ર ઉપર બોલાવવામાં આવ્યા. બાળકોનો વજન ઇત્યાદી કરી બાળકોને રસી આપવામાં આવી.
આ દુર્ગમ વિસ્તારમાં આવેલા ગામોમાં પીપરગોટાના ૬, ભૂવેરોના ૧૩ અને અલિન્દ્રાના ૧૧ બાળકોનું મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણ કરવામાં આવ્યું છે. વળી, મધ્યપ્રદેશની સરહદથી ગુજરાતનું પહેલું ગામ એવું અલિન્દ્રા તો રતનમહાલની ટોચ ઉપર ઢળાવમાં આવેલું છે. અહીં જતા રસ્તા એકદમ નિર્જન હોય છે. પણ, આ ગામો પ્રકૃતિના ખોળે વસેલા છે. આદિવાસી પરિવારો પ્રકૃતિના પાડોશી છે. રતનમહાલનું જંગલ રમણીય તો છે જ, સાથે આદિવાસી પરિવારોનું ઘર પણ છે. આવા આદિવાસી પરિવારોના આરોગ્યની દરકાર રાજ્ય સરકાર લઇ રહી છે.
આ તો થઇ દુર્ગમ વિસ્તારોની વાત ! સમગ્ર દાહોદ જિલ્લામાં મિશન ઇન્દ્રધનુષના આંકડા જોઇએ તો દાહોદ જિલ્લામાં કુલ ૧૮૫૨ બાળકોની સામે કુલ ૧૫૯૬ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સગર્ભા બહેનો કુલ ૬૯૫ સંખ્યાની સામે ૫૭૦ બહેનોનું રસીકરણ કરવામાં આવ્યું છે. બાકી રહેતા બાળકો અને સગર્ભા મહિલાઓનું તબક્કાવાર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે જણાવ્યું કે, દાહોદના અનેક પરિવારો રોજગાર અર્થે બહાર જતાં હોય છે અને હોળીના તહેવારોમાં મોટા ભાગના પરિવારો પરત આવી જતા હોય છે. આ બાબતને ધ્યાને રાખીને અમે ગત્ત હોળીના તહેવારોમાં રસીકરણની ખાસ ઝૂંબેશ આદરી હતી. તહેવારોમાં પણ આ આરોગ્યકર્મીઓએ કામગીરી કરી ૪૩૧૨૧ બાળકો અને ૨૨૯૨ સગર્ભા મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
અહીં યાદ અપાવવું જોઇએ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૪માં મિશન ઇન્દ્રધનુષ લોંચ કર્યું ત્યારથી ગુજરાતમાં અત્યાર સુધીના ચાર તબક્કામાં ૨,૦૩,૦૧૩ સેશન્સ યોજીને કુલ ૯,૧૬,૯૩૭ નિયત વયજુથના બાળકો તથા ૨,૧૪,૦૨૬ સગર્ભા મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા આ મિશનનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
"વડોદરાના સાંઢાસાલ ગામે યુવકની હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાની ચોંકાવનારી ઘટના! પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી. વધુ વિગતો જાણો."
"ગુજરાત પોલીસે 4500 અસામાજિક તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી કરી, 2000ને તડીપાર કર્યા. સાયબર ક્રાઇમ, ગેરકાયદેસર બાંધકામ અને ગુનાખોરી સામે કડક પગલાં. તાજા સમાચાર જાણો."
"અમદાવાદના અમરાઈવાડીમાં વ્યાજખોરોએ યુવાન મહેન્દ્ર શર્માને પટ્ટાથી મારી દાંત તોડ્યા. વાયરલ વીડિયો બાદ પોલીસે વિકાસ અગ્રવાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને પોલીસ તપાસની સ્થિતિ."