ગુજરાતમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ૧૮.૪૪ લાખથી વધુ ખાતા ખોલાયા
મહિલા સમૃદ્ધિનું સોનેરું સોપાન : સુકન્યા સમૃદ્ધિ યોજના, આણંદ જિલ્લામાં પોસ્ટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૫૨ હજારથી વધુ ખાતા ખોલવામાં આવ્યા
આણંદ : મહિલાઓના જન્મદરથી લઇને મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષની સાથે દીકરીઓ ભણે તે માટે સતત પ્રયત્નશીલ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા કલ્યાણની અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આવી જ એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના.
દીકરીના માતા - પિતાની જેમ જ સરકારે પણ દીકરીઓના સમૃદ્ધ જીવનની ચિંતા કરી સુકન્યા સમૃદ્ધિ યોજનાના માધ્યમથી દીકરીઓના મજબૂત ભવિષ્યનો પાયો નાખ્યો છે. દીકરીના ઉચ્ચ અભ્યાસ તેમજ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે દીકરીના માતા - પિતા માસિક બચત કરી શકે તે હેતુથી સરકાર દ્વારા સુકન્યા સમૃધ્ધિ યોજના અમલી બનાવવામાં આવી છે.
આ યોજના અંતર્ગત ભારતીય ડાક વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૨,૬૦૪ દીકરીઓના ખાતાં ખોલવામાં આવ્યા છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં એટલે કે, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન ૫,૬૬૬ ખાતાં અને ૨૦૨૨-૨૩ ના વર્ષ દરમિયાન ૧૭,૦૫૫ નવા ખાતાં ખોલવામાં આવ્યા છે.
સમગ્ર દેશની વાત કરીએ તો કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ હેઠળ કાર્યરત નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટમાં દર્શાવેલ વિગતો મુજબ, સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત જુલાઇ-૨૦૨૩ સુધીમાં પોસ્ટ ઓફિસ અને બેન્ક દ્વારા દેશમાં ૩.૬૧ કરોડ કરતાં વધુ ખાતાં ખોલવામાં આવ્યા છે. જેમાંથી ૧૮.૪૪ લાખ કરતાં વધુ ખાતાં તો માત્ર ગુજરાતમાં ખોલવામાં આવ્યા છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દેશમાં ખોલવામાં આવેલા દીકરીઓના ખાતાઓમાં તેમના વાલીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા ૧.૯૬ લાખ કરોડની રાશિ બચત પેટે જમા કરાવામાં આવી છે. જેમાંની રૂપિયા ૭,૩૦૦ કરોડ કરતાં વધુની રકમ તો માત્ર ગુજરાતમાં ખોલવામાં આવેલાં ખાતાઓમાં બચત રૂપે જમા થઈ છે.
"બેટી બચાવો-બેટી પઢાવો" અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીના નામે ખાતું ખોલાવીને ૧૫ વર્ષ સુધી ખાતામાં રકમ જમા કરાવી શકાય છે. આ યોજના અંતર્ગત માતા-પિતા તેમની ૧૦ વર્ષથી ઓછી ઉંમરની પુત્રી માટે નજીકની બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકે છે. આ યોજનાનું વિશેષ પાસું એ છે કે, કલમ-૮૦ સી અંતર્ગત ઇન્કમટેક્ષમાંથી કર રાહતનો લાભ મેળવી શકાય છે, તેમજ યોજના હેઠળ મેળવેલ વ્યાજની રકમ પણ ઇન્કમટેક્ષની કલમ-૧૦ હેઠળ કરમુક્ત છે. પ્રત્યેક નાણાંકિય વર્ષ દરમિયાન લઘુત્તમ ૨૫૦ અને મહત્તમ ૧.૫૦ લાખ સુધીની રકમ ખાતામાં બચત પેટે જમા કરાવી શકાય છે. આ યોજના હેઠળ ખોલાયેલા ખાતાંને દેશભરમાં કોઇપણ પોસ્ટ ઓફિસ કે અધિકૃત બેંકમાં સ્થળાંતરીત કરી શકાય છે. આ યોજનામાં દીકરીની ૧૮ વર્ષની વય થતાં આંશિક ઉપાડ અને ૨૧ વર્ષની વય થતાં સંપૂર્ણ ઉપાડની સુવિધાનો લાભ મળે છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.