નર્મદા આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય માટે સાયકલના ઉપયોગને જીવનશૈલીનો ભાગ બનાવવાનો આપ્યો જાગૃતિ સંદેશ
સવાર-સાંજની રસ્તા પર સાયકલ સવારી સ્વાસ્થ્યની સાયકલ સવારી સાબિત થાય છે. સાયકલિંગના કારણે પોતાના સ્વાસ્થ્ય સાથે પર્યાવરણની તો જાળવણી થાય જ છે. સાથે પેટ્રોલ-ડીઝલની પણ બચત થાય છે. સ્વાસ્થ્યની જાળવણીમાં માનવી પોતાની ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરીને અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે.
આજે માનવી માટે “હેલ્થ ઇઝ વેલ્થ” મહત્વનું બની રહ્યું છે, જો શરીર તંદુરસ્ત હશે તો જ જીવન જીવવાની મજા આવશે. માટે સાયકલિંગ નાના-મોટા સૌ માટે એક મહત્વપૂર્ણ મનગમતી પ્રવૃતિ સાબિત થઈ શકે છે. તો ચાલો થઈ જાવ તૈયાર, જુની-નવી સાયકલ વસાવીને સવાર-સાંજની સફરે ટહેલવા નિકળીએ અને વિનામુલ્યે કરીએ સ્વાસ્થ્યને તરોતાજા...
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા “આરોગ્ય માટે સાયકલ” ની થીમ સાથે સાયકલ રેલીનું આયોજન કરીને રાજપીપલાના નગરજનોને સ્વાસ્થ્ય જીવનશૈલી, શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા તથા વિનમ્ર પ્રયાસ કરીને પર્યાવરણના રક્ષણ માટે લોક જાગૃત કર્યા હતા. જેમાં વહિવટી તંત્રના અધિકારીશ્રી, તબીબો, બાળકો, વડીલોએ પણ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી સાયક્લિંગને આદત બનાવવા અંગે અપીલ કરી સમૂહ પ્રયાસ કર્યો હતો.
તંદુરસ્ત શરીર માટે સાયકલ ચલાવવી ખુબ જરૂરી છે. સાયકલિંગ એ સર્વશ્રેષ્ઠ કસરત છે. શરીરની ચરબી ઘટાડવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા, માંસપેશીઓ મજબૂત કરવા તથા શરીરમાં તાજગી લાવવા માટે દૈનિક ધોરણે રોજની 30 મિનિટ સાયકલિંગ કરવી એ પણ શરીર માટે શ્રેષ્ઠ કારગત-હાથવગો ઉપાય છે.
સામાન્ય રીતે આજે લોકો નજીકના કામો માટે પણ દ્વિ-ચક્રી-ફોર વ્હીલ વાહનોનો ઉપયોગ કરે છે, પરંતુ સાયકલિંગની નાનકડી ટેવને રોજીંદા જીવનની કાર્યશૈલીમાં ઉપયોગ કરીને સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. પર્યાવરણની જાળવણીમાં આપનો આ પ્રયાસ મોટો બદલાવ લાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાયકલનો ઉપયોગ ઇંધણનો ખર્ચ અને પ્રદુષણને અટકાવવા માટે કારગત સાબિત થઈ શકે છે.
આપના નાનકડા પ્રયાસોથી પરિવર્તન શક્ય છે. પ્રત્યેક માનવી સંકલ્પબદ્ધ થઈને સાયકલના ઉપયોગને મહત્વ આપી આત્મસાત કરે તો અન્ય લોકો માટે પણ આ એક પ્રેરણા બની રહેશે. ટેક્નોલોજીના વિકાસ સાથે રાષ્ટ્રનો વિકાસ સંભવ છે, જેના પરિણામ સ્વરૂપ આજે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. પર્યાવરણના સંરક્ષણ માટે ઇલેક્ટ્રિક વાહનો એક ઉમદા ખોજ કહી શકાય છે. રાજ્ય-કેન્દ્ર સરકાર આ બાબતોને પ્રોત્સાહન આપી સબસીટી, વેરા વગેરેમાં રાહત આપે છે.
રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક વિભાગમાં શાળાએ આવવા-જવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ આદિજાતિ દીકરીઓને સાયકલ ભેટમાં આપે છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ ૨૪૬૯ આદિજાતિ દિકરીઓને સાયકલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તાજેતરમાં જ રાજ્ય સરકારની કેવડીયા ચિંતન શિબિરમાં પણ આ બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેમાં સનદી અધિકારીઓએ એકતાનગર ખાતે સાયકલિંગ થકી ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો.
કેવડીયા ખાતે અગાઉ પણ બે રાજ્યો વચ્ચેની સંસ્કૃતિઓ કલા અને પરંપરાગત વારસાના આદાન-પ્રદાનના ઉમદા આશય માટે યોજાયેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ દરમિયાન ટેન્ટસીટી-૨ ખાતે તમિલ મહેમાનો એ પણ સાયકલિંગ કરીને મઝા માણી “ફિટ ઇન્ડિયા” નું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો હેઠળ નગરમાં જાગૃતિ સંદેશો પ્રસરાવવા અવાર-નવાર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
ટૂંકમાં કહીએ તો સાયકલને અપનાવીને પોતાના સ્વાસ્થ્યની સાથે પૃથ્વીના પર્યાવરણના સ્વાસ્થ્યની ચિંતા કરીને પોતાની એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરીને લોકો માટે પ્રેરણારૂપ બની નાનકડો પ્રયાસ કરી શકાય છે. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ૩ જૂન, ૨૦૧૮ ના રોજ લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સાયકલનું મહત્વ અને ફાયદા વિશે જાગૃત કરવાના ઉમદા આશય સાથે વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો સત્તાવાર રીતે પ્રારંભ કરીને લોકોને સાયકલિંગ તરફ વળવા માટે પ્રેરિત કર્યા હતા.
આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલની અછતની પૂર્તિ કરવા માટે સાયકલ એક કારગત અને હાથવગો એકમાત્ર ઉપાય હશે. તો આ તરફ વિચારીને આગળ વધવા સંકલ્પબદ્ધ બનીએ અને અન્યને સંકલ્પ લેવા પ્રેરિત કરીએ.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.