ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા નદીઓ બની ગાંડીતુર
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો, રસ્તાઓ બંધ
(સુશીલ પવાર)ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા માર્ગમાં કાળમીંઢ શીલાઓ ધસી પડી.. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં લાંબા સમયનાં વિરામ બાદ વરસાદનું પુનરાગમન થયુ છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બુધવારે રાત્રીનાં અરસાથી શુક્રવારે દિવસ દરમ્યાન ધોધમાર સ્વરૂપેનો વરસાદ નોંધાવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ,બોરખલ,આહવા,વઘઇ,સાકરપાતળ, સુબિર,સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બુધવારે રાત્રીનાં અરસાથી વરસાદી જોર વધતા ડાંગી ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રવર્તવા પામી છે.સાથે વરસાદી માહોલનાં પગલે ખેડૂતોનાં પાકોને જીવતદાન મળ્યુ હતુ.ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા ધોધમાર સ્વરૂપેનાં વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, ખાપરી,પૂર્ણા અને ગીરા ગાંડીતુર બની વહેતી થઈ છે.શુક્રવારે ભારે વરસાદનાં પગલે ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં ભવાનદગડ પાસે તથા આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઘાટમાર્ગમાં વૃક્ષો ધરાશયી થઈ પડી જતા થોડાક સમય માટે આ બન્ને માર્ગો અવરોધાયા હતા.જોકે માર્ગ મકાન વિભાગ તથા વન વિભાગની ટીમે તુરંત જ સ્થળ પર ધસી જઈ વૃક્ષો સહીત માટીનો મલબો હટાવી દેતા ફરી વાહનવ્યવહાર પૂર્વરત થયો હતો.ગુરૂવારે જન્માષ્ટમી પર્વની રજા હોય જેથી ગિરિમથક સાપુતારા સહીત અન્ય પ્રવાસન સ્થળોએ ચિક્કાર પ્રવાસીઓની ભીડ જામી હતી.
ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ધૂમમ્સિયા વાતાવરણનાં પગલે જોવાલાયક સ્થળોનાં દ્રશ્યો આહલાદક બની જવા પામ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા બે દિવસથી ગાઢ ધૂમમ્સીયુ વાતાવરણ છવાઈ રહેતા પ્રવાસી વાહનચાલકોને સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ડાંગ જિલ્લાનાં વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરા ધોધ ભારે વરસાદી માહોલનાં કારણે ખીલી ઉઠયા હતા.ડાંગ જિલ્લામાં વરસી રહેલા એકધારા વરસાદને પગલે આજે મોડી સાંજે શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ઉપર કાળમીંઢ શીલા તથા માટીનો મલબો ધસી પડ્યો હતો.જોકે સ્થાનિક વહીવટી તંત્રે યાતાયાત પ્રભાવિત થાય તે પહેલાં તરત જ આ મલબો હટાવવાની કવાયત હાથ ધરી છે.જ્યારે ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર, તા.08/09/2023નાં રોજ બપોરના 3 વાગ્યાની સ્થિતિએ જિલ્લાના જે માર્ગો વરસાદી પાણીને કારણે અવરોધાયા છે તેમાં વઘઇ તાલુકાના (1) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સહિત (2) ખાતાળ ફાટકથી ઘોડી રોડ, અને આહવા તાલુકાના (1) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, અને (2) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડનો સમાવેશ થાય છે. જેના કારણે સાત ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે. રાહદારીઓ, પશુપાલકો, અને વાહન ચાલકોને આ માર્ગનો ઉપયોગ ન કરતા, વહીવટી તંત્રે સૂચવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન આહવા પંથકમાં 102 મિમી અર્થાત 4.08 ઈંચ,સુબિર પંથકમાં 108 મિમી અર્થાત 4.32 ઈંચ,વઘઇ પંથકમાં 131મિમી અર્થાત 5.24 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 133 મિમી અર્થાત 5.32 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.