ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ
ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ, પોરબંદરથી અંદાજે ૧,૦૬૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમે બિપરજોય વાવાઝોડું કેન્દ્રિત : હવામાન નિયામક મનોરમા મોહંતી
ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે,તેમ SEOC, ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડે જણાવ્યું હતું. રાહત કમિશનર શ્રી પાંડેએ કહ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા ૧૫ વર્ષોમાં સૌથી વધુ છે.
રાજયમાં જ્ળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં નોર્મલ વાવેતર વિસ્તારની સામે ૦.૯૯% વાવેતર થયું છે. જૂન- જુલાઈમાં ગુજરાતમાં સામાન્ય રીતે વધુ વરસાદ પડે છે. આ દરમિયાન વાવાઝોડું અને પૂરની સ્થિતિ પણ ઉદભવતી હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો-એજન્સી સાથે યોગ્ય-તાત્કાલિક સંકલન કરીને રાહત કામગીરી વધુ પ્રભાવી રીતે કરી શકાય તે વધુ આવશ્યક છે.
ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં રાહત કામગીરી માટે NDRFની 15 અને SDRFની 11 ટીમો સ્ટેન્ડ બાય છે, તેમ વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું. હવામાન વિભાગના નિયામકશ્રી મનોરમા મોહંતીએ વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પોરબંદરમાં અંદાજે 1,060 કિલોમીટરે દક્ષિણ- પશ્ચિમે બિપરજોય વાવાઝોડું કેન્દ્રિત છે. તેના પરિણામે આગામી સમયમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં અંદાજે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ગુજરાતના માછીમારોને તા.14 જૂન સુધી દરિયો ન ખેડવા, માછીમારી ન કરવા તાકીદ કરવામાં આવી છે. દરિયામાં દૂર સુધી માછીમારી કરી રહેલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. તા.૦૯ થી તા.૧૧ જૂન-૨૦૨૩ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શકયતા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાહત કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઇસરો, ભારતીય વાયુદળ, કોસ્ટગાર્ડ, NDRF,SDRF, પોલીસ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, વન, પાણી પુરવઠા, મેરીટાઇમ બોર્ડ, કૃષિ, પશુપાલન, ઊર્જા, મસ્ત્યોદ્યોગ,શહેરી વિકાસ, ICDS, ફૂડ અને GSRTC સહિત વિભાગોએ ચોમાસાની સિઝનની પૂર્વ તૈયારી અંગે પોતાના આયોજન રજૂ કર્યા હતા.
આ પ્રસંગે રાહત નિયામક શ્રી સી.સી.પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.