રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે અગ્રેસર રહેશે, અમેરિકા જેવા રસ્તા બનાવીશું : શ્રી ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા રૂ. ૧૦૦૦ કરોડ મંજૂર કર્યા
બે રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કરવા માટે વડોદરા આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ વડોદરામાં નેશનલ હાઈવે પર અન્ય સુધારકાર્ય અને નવી પરિયોજનાઓની જાહેરાત કરી હતી. વડોદરાની હદમાં આવતા નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા માટે અને છાણી જંક્શન પર અંડરપાસના નિર્માણ માટે કેન્દ્રીય મંત્રીશ્રીએ મંજૂરી આપી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લ અને સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં વડોદરા નજીક નેશનલ હાઈવે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજ અને દેણા અંડરપાસ તેમજ સર્વિસ રોડ સહિત રૂ. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે દેશમાં અગ્રેસર રહેશે. ગુજરાત સાથે જ સમગ્ર દેશમાં વર્ષ-૨૦૨૪ ના અંત સુધી અમેરિકા જેવા રસ્તાઓ અને વૈશ્વિક સ્તરની આંતરમાળખાકીય સુવિધા હશે, તેમ ગૌરવસહ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં નેશનલ હાઈવે નિર્માણથી ગુજરાતમાં શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે કહ્યું હતું.
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર છાણી જંક્શન પર અંડરપાસના નિર્માણ માટે મંજૂરી આપતા શ્રી ગડકરીએ કહ્યું હતું કે, ઝડપથી જ કામ શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત વડોદરાથી વાપી સુધીના નેશનલ હાઈવે પર આવતા તમામ પુલને ચાર માર્ગીય બનાવવામાં આવશે. નર્મદા અને તાપી નદી પર વધારે ૧-૧ પુલ બનાવવા માટે રૂ. ૧૦૦૦ કરોડની મંજૂરીની તેમણે જાહેરાત કરી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પવિત્ર યાત્રાધામ અને શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, જે આગામી જન્માષ્ટમી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરીએ ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય ગણાવી રાજ્યમાં આગામી સમયમાં અમલમાં આવનારા અનેક હાઈવે પ્રોજેક્ટની જાણકારી આપી હતી. ગ્રીન ફિલ્ડ હાઈ-વેનો આગ્રહ રાખનારા શ્રી ગડકરીએ ગુજરાતના વિકાસમાં આ રાષ્ટ્રીય રાજમાર્ગો અને આંતરમાળખાકીય સુવિધા યોગદાન આપશે તેમ જણાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારમાં દેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગોની સ્થિતિ અતિસમૃદ્ધ બની હોવાનું જણાવ્યું હતું.
જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું નહીં હોય તો વિકાસ નહીં થાય તેવું ભારપૂર્વક જણાવી શ્રી ગડકરીએ કહ્યું કે, સુરક્ષા એ આ સરકારની પ્રાથમિકતા છે. તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીને ગુજરાતમાં ક્યાંય પણ બ્લેક સ્પોટ હોય તો તાકીદે તેમને જાણ કરવા અનુરોધ કર્યો હતો. શ્રી ગડકરીએ કહ્યું કે, મને ટ્રાફિકનું ભારણ અને બ્લેક સ્પોટવાળી જગ્યાની માહિતી આપો, હું સત્વરે સુધારકાર્ય કરાવીશ.
ગુજરાતમાં નેશનલ હાઈ-વે પરના બ્લેક સ્પોટમાં ૮૮ ટકા અને મૃત્યુના પ્રમાણમાં ૨૨ ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવી તેમણે માર્ગ અકસ્માતો અને તેમાં મૃત્યુથી દેશને ખૂબ મોટું નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુના નિવારણ માટે ગુજરાત સરકારે કરેલી પહેલ ‘અકસ્માત નિવારણ સમિતિ’ની કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.
ગૃહ અને વાહનવ્યહાર રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ કેન્દ્ર સરકાર અને શ્રી ગડકરીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ પરિયોજનાઓથી માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને બહોળો લાભ મળ્યો છે. ગુજરાતમાં નેશનલ હાઈવે પરના સૌથી મોટા બ્લેક સ્પોટ તેમજ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવી દુમાડ-દેણા ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ, દેણા અંડરપાસ અને સર્વિસ રોડના નિર્માણથી અનેક માનવ જિદંગીઓ બચશે. તદઉપરાંત પ્રદૂષણ અને હેરાનગતિથી પણ વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતીયો અને દેશનું નામ ઉજ્જવળ કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસની નૂતન ઉંચાઈઓ સર કરી રહ્યો છે.
પ્રારંભમાં સૌનો આવકાર કરતા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે વડોદરાવાસીઓને આ અમૂલ્ય ભેટ આપવા બદ કેન્દ્રીય મંત્રીશ્રી નીતિન ગડકરીનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર ૨૧ માસના ટૂંકા ગાળામાં રાત-દિવસ મહેનત કરીને આ બંને પ્રકલ્પોનું નિર્માણકાર્ય કરાવવા બદલ વડોદરા સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસના નિર્માણથી વાહનચાલકોનો સમય અને નાણાનો બચાવ થશે, તેમ તેમણે કહ્યું હતું. વર્ષો જૂની અને ખૂબ મોટી ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ બદલ તેમણે વડોદરાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુમાડ ચોકડી પર નિર્મિત ત્રણ કિલોમીટર લંબાઈનો ફ્લાયઓવર બ્રિજ રૂ. ૩૧ કરોડના ખર્ચે અને ૧ કિલોમીટર લંબાઈનો દેણા ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસનું કામ રૂ. ૧૭ કરોડ સહિત કુલ રૂ. ૪૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કેયુરભાઈ રોકડીયા, કેતનભાઈ ઈનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યભાઈ દેસાઈ, અગ્રણી ડો. વિજયભાઈ શાહ, શ્રી સતીષભાઈ નિશાળીયા, તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના સચિવશ્રી સહિત એન. એચ. એ. આઈ.ના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરના તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામકશ્રી એમ.એમ. પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
104 વર્ષ પહેલા 1920માં યુવરાજ માનવેન્દ્રસિંહના પરદાદા મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ બેન્ડ સ્ટેન્ડ કે જ્યાં સંગીત સુરાવલી જામતી હતી એ બેન્ડ સ્ટેન્ડને પુનઃ જીવિત કરવા વર્ષો પછી પ્રથમવાર યું.એસ.એનું સુરભી ઓન સોંબલ ગ્રુપ મ્યુઝિકલ બેન્ડ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ આજે બોલાવશે.
અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી મંદિરનું વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું કરાયું વિમોચન.