ઉદ્યોગ સાહસિકોએ સફળ થવા માટે વિશેષ લાક્ષણિકતા વિકસાવવી જરૂરી
- ઉદ્યોગજગતમાં પરિવર્તન આવ્યું એની સીધી અસર મેનેજમેન્ટ પર થઈ. મેનેજમેન્ટ બદલાયું એટલે ઉદ્યોગ સાહસિકોમાં પણ અમુક ગુણો જરૂરી બની ગયા
૧૮ મી, ૧૯મી અને ૨૦મી સદીમાં જગતમાં ઐતિહાસિક શોધો થઈ. દરેક ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકાયો. સંદેશાવ્યવહારથી મનોરંજન અને ઉદ્યોગથી સમાજજીવન સુધીમાં આમૂલ પરિવર્તન આવ્યું. સતત નવી નવી શોધોએ લોકોનું જીવનધોરણ બદલી નાખ્યું. ખાવા-પીવાની, રહેવા-હરવા-ફરવાની, પહેરવા-ઓઢવાની પદ્ધતિ સમૂળગી બદલાઈ ગઈ. તેની સીધી અસર ઉદ્યોગજગત પર પડી. કેમેરા બનાવતી કંપનીઓ સ્માર્ટફોન બનાવતી થઈ ગઈ. કમ્પ્યુટર્સ બનાવતી કંપનીઓ લેપટોપ બનાવતી થઈ ગઈ.
અનેક નાની નાની કંપનીઓ કે એકલદોકલ વ્યક્તિઓએ પણ ઘણી શોધો કરી હતી. નવી શોધો નવા બજારો ઊભા કરે છે. અર્થકારણને ધક્કો મારનાર નવી શોધો છે. રૂટીન ઉત્પાદન પણ અગત્યનું છે અને નવી શોધો પણ અગત્યની છે. નવી શોધો જૂની પ્રોડક્ટસનો નાશ કરે છે. શુમ્પીટર નામના અર્થશાસ્ત્રી તેને 'ક્રીએટીવ ડીસ્ટ્રકશન' નામનો વિરોધાભાસી શબ્દ આપે છે. શુમ્પીટર અર્થકારણના ડાયનેમીઝમ માટે ક્રીએટીવ ડીસ્ટ્રકશન અનિવાર્ય માને છે. દરેક મોટી કે મધ્યમ કંપનીમાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ખાતાઓ જરૂરી છે. માત્ર મેન્યુફેકચરીંગમાં જ નવી શોધો કરવી અનિવાર્ય નથી. નવી નવી સેવાઓ (જેમકે ઈકોમર્સ, નવા પ્રવાસન સ્થળો વિકસાવવા વગેરે)નું પણ ઈનોવેશન કરી શકાય છે. સમાજ ધબકતો હશે તો નવી નવી શોધો થયા જ કરશે. કદાચ ભવિષ્યના સો વર્ષમાં ચંદ્રમા પણ ટુરીસ્ટો માટેનું મનગમતું સ્થાન બની શકે છે. ડીઝાઇનર બાળકો જેના ઊંચાઇ, વજન, બુધ્ધિ, આંખનો અને વાળનો રંગ, સારો સ્વભાવ, રોગ-મુક્તતા વગેરે તેના માબાપ નક્કી કરી શકે તે પણ નવી શોધોની સૂચિમાં છે. ઉદ્યોગજગતમાં પરિવર્તન આવ્યું એની સીધી અસર મેનેજમેન્ટ પર થઈ. મેનેજમેન્ટ બદલાયું એટલે ઉદ્યોગ સાહસિકોમાં પણ અમુક ગુણો જરૂરી બની ગયા.
ઉદ્યોગસાહસિકતા
એક વાત નિશ્ચિત છે કે માનવસમાજને નવા ઉદ્યોગ સાહસિકો અને નવા શોધકોની હંમેશા જરૂર પડવાની છે. ઉદ્યોગ સાહસિકો કે વ્યાપાર સાહસિકોએ નવી પ્રોડકટ્સ ખોળવાની જરૂર નથી. બહુ જ ઓછા ઉદ્યોગ સાહસિકો (જેમ કે સ્ટીવ જોબ્ઝ કે થોમસ આલ્વા એડીસન કે જેમણે જનરલ ઈલેક્ટ્રીક કંપનીની સ્થાપના કરી કે એપલના સ્થાપક પોતે મૂળ સંશોધકો હોય છે. મોટાભાગના ઉદ્યોગ સાહસિકો જે પ્રોડક્ટ કે સેવાના ક્ષેત્રમાં ઉત્પાદન કરે છે તેના શોધકો હોતા નથી તેઓ ઉત્પાદન દ્વારા લોકો માટે નવી રોજગારી ઊભી કરે છે. અત્યારના જગતમાં નવી રોજગારી મોટેભાગે સર્વિસ સેકટરમાં ઊભી થઇ રહી છે.
ભારતમાં મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેકટર બન્નેના નવા સાહસો માટે પુષ્કળ અવકાશ છે તેના પાંચ કારણો છે. ૧) સરકાર નવા સાહસો માટે પ્રેરણા અને અમુક અંશે નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડે છે. સ્કીલ ઈન્ડીઆ અને મેઈક ઈન ઈન્ડીઆ બન્નેનો અભિગમ ઉદ્યોગ સાહસિકો માટે અનુકૂળ છે. ૨) ભારત અત્યારે જગતમાં સૌથી વધુ ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. જેથી ભારતીયોની ખરીદશક્તિ વધતી જાય છે. ૩) ભારતમાં મધ્યમવર્ગ વધતો જાય છે અને શહેરીકરણ વધતું જાય છે. ઉભરતા મધ્યમવર્ગને નવા નવા ઉપકરણો અને સેવાઓની ખરીદી માટેની તાલાવેલી વધી છે ૪) ચીન ભવિષ્યમાં જગતનું 'મેન્યુફેકચરીંગ હબ' નહીં રહે. ભારતને તેથી ઘણી તકો મળશે. ૫) ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ ઉદ્યોગ સાહસિકતાને વિકસાવવા અગણિત લાંબા અને ટૂંકાગાળાના અભ્યાસક્રમો યુવાન વિદ્યાર્થીઓ માટે પણ ઘડયા છે. ખાસ ડીગ્રી પ્રોગ્રામ્સ, ડીપ્લોમા પ્રોગ્રામ્સ અને સર્ટીફીકેટ પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે.
ઉદ્યોગસાહસિકતાના લક્ષણો
ઉદ્યોગસાહસિકતા માટેના નીચેના પાંચ લક્ષણો ના હોય તો ધંધો શરૂ કરવાને બદલે નોકરીમાં જોડાવું લાભદાયક છે.
૧. સ્વયંસિધ્ધિ માટેની જરૂરિયાત: તમે જીવનમાં ધંધા ઉદ્યોગ ક્ષેત્રે કશું સિધ્ધ કરવા માંગો છો કે નહીં. મેકલીલેન્ડ નામના આ ક્ષેત્રના નિષ્ણાત આને 'નીડ ફોર એચીવમેન્ટ' એટલે કે સિધ્ધ કરવાની તાલાવેલી કહે છે. તમને તમારી નોકરીમાંથી સંતોષ હોય કે ચાલુ આવક તમને પૂરતી જણાય તો ઉદ્યોગ કે વ્યાપાર સાહસિકતામાં ઝંપલાવતા નહીં.
૨. તમારી જીંદગી પરનો અંકુશ: અંગ્રેજીમાં આને લોક્સ ઓફ કન્ટ્રોલ કહે છે. તમને લાગતું હોય કે મારી જીંદગી પર મારો જ અંકુશ છે, મારી જીંદગી મારી જાતે જ નિર્માણ કરવાની છે અને તેના પર મારા ગ્રહોનો, માબાપનો, પત્નીનો કે પતિનો અંકુશ નથી. હું જ મારા ભવિષ્ય માટે જવાબદાર છું તેમ લાગતું હોય તો જ ઉદ્યોગસાહસિકતામાં ઝંપલાવજો.
૩. જોખમ ખેડવાની તાકાત: આ બહુ અગત્યનું છે. જો તમો સહેજ પણ જોખમ ખેડવા ના માગતા હોય કે નાના નાના જોખમો પણ તમારામાં સખત ચિંતા ઊભી કરે છે તો તમે ઉદ્યોગસાહસિકતામાં ના પડતા.
૪. સહનશક્તિનો અભાવ: તમારે જીંદગીમાં બધું જ સ્પષ્ટ, નિસંદેહ, ચોક્કસ જોઇતું હોય તો તમારે માટે વ્યાપાર કે ઉદ્યોગો નથી. ધંધામાં વેચાણ, ઉત્પાદન, માંગ, કાચા માલનો પૂરવઠો, કેશ ફ્લો વગેરે તમામ અનિશ્ચિત હોય છે. કોઇકવાર વેચાણ સફળ થાય અને કોઇકવાર વેચાણ બહુ નીચુ થાય, કેટલીક પ્રોડક્ટસ સફળ થાય અને કેટલીક પ્રોડક્ટસ બજારમાં માર ખાઇ જાય અને બેંકમાં ધીરાણનો હપ્તો ભરવાના પણ ફાંફા પડે. આ બધાનો તમારે સ્વીકાર કરવો પડશે.
૫. ટાઇપ-એ વર્તણુક: ટાઇપ એ વર્તણુક કે પર્સનાલીટી એટલે સતત કામ કરવા માટેની ધગશ, કામની આળસ નહીં. ઓછા સમયમાં વધુ કામ કરવાની અધીરાઇ. ટાઇપ બી વર્તણુક એટલે આળસ, આજનું કામ આવતી કાલે મુલતવી રાખવાની આદત, થોડું કામ કર્યા પછી આરામ કરવાનું મન થાય. ટાઇપ બી પર્સનાલીટીવાળાએ ધંધામાં પડવું નહીં.
ઉદ્યોગમાં સફળ થવા માટે આ પાંચ લાક્ષણિકતા જરૂરી છે. કોઈ પણ ઉદ્યોગ સાહસિકે આ લાક્ષણિકતા કેળવવી પડે છે. અથવા તો તેનામાં આ લક્ષણો જન્મજાત હોય છે. સફળ થયેલા ઉદ્યોગ સાહસિકોના જીવનનો અભ્યાસ કરીશું તો એમાંથી પણ આ બાબતો જણાઈ આવશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.