દેહમાંથી નીકળેલા આત્માને પુનર્જન્મ લેતાં કેટલો સમય લાગે છે?
વર્તમાન સમયના સંત પૂજ્ય શ્રીમોટાના સંદર્ભે એવું બન્યું કે એમની વિશિષ્ટ, માર્મિક અને જીવનલક્ષી વિચારધારા જેઓને સ્પર્શી ગઇ, તેઓ પામી ગયા, પરંતુ જેઓ એની ગહેરાઈમાં ઊતર્યા નહીં, તેઓએ આ વિચારધારાની વિલક્ષણતાઓથી અજ્ઞાાત રહ્યા. આજે પણ પૂજ્ય શ્રીમોટાના સૂરત અને નડિયાદના આશ્રમો એમની જ્ઞાાનજ્યોત અને સેવા જ્યોતને અખંડ સમર્પણથી જાળવી રહ્યા છે. ચુનીલાલ ભગતમાંથી એક એવું પરિવર્તન સર્જાયું કે જેથી ગુજરાતને પૂજ્ય શ્રીમોટા જેવા વિરલ આધ્યાત્મિક સંત મળ્યા.
ભારતના પ્રત્યેક સંતોએ પોતાની અનુભવવાણી વહેવડાવી છે માત્ર સંતો જ શા માટે? પણ શ્રીકૃષ્ણ, તીર્થંકર મહાવીર અને ભગવાન બુદ્ધ જેવાએ પણ ઉપદેશ આપ્યા છે અને એ ઉપદેશમાં એમણે એમનું જીવનદર્શન પ્રગટ કર્યું છે. એમાં એમનો બાહ્યજગતનો અનુભવ, એમની આંતરિક ગુણસમૃદ્ધિ અને એમની આધ્યાત્મિક વિચારધારાનો ત્રિવેણીસંગમ સધાયો છે.
કોઇ કુશળ મનોચિકિત્સકની રીતે પૂ. શ્રીમોટા સાધકના હૃદયનું પૃથક્કરણ કરે છે. સાધકનું હૃદય સાધનાના માર્ગે જવાને બદલે ક્યારેક અવળે માર્ગે ગતિ કરે છે. એનું કામ તો આત્મલક્ષી અને અંતર્મુખી થવાનું છે, પરંતુ એને બદલે એના મનમાં અનેક પ્રકારના તરંગો, વિચારો અને તુક્કાઓ જાગે છે, એને પોષવા અને પૂર્ણ કરવા માટે એ કેટલીય તરકીબો રચે છે અને પછી એમાં એ સફળ થાય એટલે એને ગુરુકૃપાપ્રસાદ માને છે અને આમ પોતાને આવો ગુરુકૃપાપ્રસાદ મળ્યો છે એમ માનીને એનામાં અહંકાર પ્રગટે છે. આને પરિણામે એણે મેળવેલું સઘળું નાશ થાય છે. પૂજ્ય શ્રીમોટા કહે છે કે, ''આમ એનું થોડું ઘણું પણ જે થયું હોય છે તે બધું ભાંગીને ભૂકો થઇ જાય છે. આ હકીકત ખાસ ધ્યાનમાં રાખશો.''
કેટલાક લોકો એમ કહેતા હોય છે કે સ્વપ્નમાં એમને સદ્ગુરુના કે ઇશ્વરના દર્શન થયા. કોઇ મૂર્તિ કે ચૈતન્યનો અનુભવ થયો અને એને આધારે એમનું જીવન પલટાઈ ગયું, જ્યારે પૂજ્ય શ્રીમોટા આ સ્વપ્નના સંદર્ભમાં કહે છે કે
''સ્વપ્નમાં જે જે કાંઇ થાય, વિચાર આવે કે કોઇનું દર્શન થાય તો તેના પર ઝાઝો મદાર બાંધવાનો નથી કે ફુલાઈ પણ જવાનું નથી. તે હકીકતને ઘણું વધારે પડતું મહત્વ પણ અપનારા કેટલાક જીવ હોય છે, પણ તે ભ્રમણામાં પડેલા હોય છે એમ જાણવું.''
''સાચી રીતે જે આપણે કરવાનું હોય તે જો કર્યા કરીશું અને તેમાં જો આપણું દિલ પ્રગટવાનું ખરું સામર્થ્ય આપણામાં આવી શક્યું હોય તો આખરે તો એક એવી સ્થિતિ થવાની છે કે તેમાં સ્વપ્નને સ્થાન જ નથી. એવી સ્થિતિમાં સ્વપ્નાં પ્રગટી શકતા નથી. સ્વપ્નમાં આમ બન્યુંને તેમ બન્યું ને અમુક અમુક દર્શન થયાં એ રીતે કંઇક રાજી થતા કેટલાક જીવને જોયા છે ને જાણ્યા છે. સ્વપ્નમાં સદ્ગુરુની સાથે કંઇક કંઇક રીતે વર્તાયું ને તેમના પર પ્રેમ ઊભરાયો એવું પણ કહેનારા સાંભળ્યા છે.''
''પણ અલ્યા ! જાગ્રતમાં તો તેની સાથે જ્ઞાાનભક્તિપૂર્વકનો જીવન વિકાસનો હેતુ દ્રઢાવીને તેની મદદ લેવાનો દિલનો ઉમળકો તો તને પૂરો પ્રગટતો નથી અને તું સ્વપ્નની તે શીદને વાત કરે છે? સ્વપ્નાંમાં થયું તેથી તારો દહાડો શું વળ્યો? એ તો આપણે સાચેસાચી રીતે જાગ્રત અવસ્થામાં જ ખરેખરું જો કર્યાં કરીશું તો તેવા જીવતાજાગતા પ્રયત્નને આધારે આપણામાં ખરેખરી ભૂમિકા પાકવાની છે તે જાણશો.''
હવે જરા નજર કરીએ પરમ વિદ્વાન અને સમર્થ શાસ્ત્રજ્ઞા એવા પ્રા. એ. જી. ભટ્ટ સાહેબે પૂજ્ય શ્રીમોટા સમક્ષ રજૂ કરેલી જિજ્ઞાાસા અને પૂજ્ય શ્રીમોટાએ આપેલા ઉત્તર. આમાનો એક પ્રશ્ન એવો હતો કે જો ઇશ્વરની કૃપાથી જ બધું થતું હોય, તો શું માણસે પુરુષાર્થ કરવો નિરર્થક છે. જો કર્મ કરવાનું સ્વાતંત્ર્ય વ્યક્તિ પાસે ન હોય તો 'શ્રીમદ્ ભગવદ્ગીતા' જેવા મહાન ગ્રંથમાં કર્મયોગનો આટલો બધો મહિમા કેમ દર્શાવ્યો છે? અને જો બધું જ ઇશ્વરકૃપાથી થતું હોય તો શુભ-અશુભ, કર્મ-અકર્મ, નીતિ કે અનીતિ કરવાની બુદ્ધિ માણસને શા માટે આપી છે? આથી કેટલાક પુરુષાર્થ જરૂરી છે એના વિના આધ્યાત્મિક પ્રગતિ શક્ય નથી એવું પ્રતિપાદન કરે છે. તો સવાલ જાગે છે કે જો જીવનમાં ઇશ્વરકૃપા જ સઘળું હોય તો પછી પુરુષાર્થનો છેદ ઊડી જાય છે. પુરુષાર્થ કરવાની જરૂર ખરી?
આ સંદર્ભમાં પૂજ્ય શ્રીમોટાએ કહ્યું કે, પુરુષાર્થ અને ઇશ્વરકૃપાના ઝઘડા કે ચર્ચા નકામાં છે. પુરુષાર્થ પણ છે અને કૃપા પણ છે. કૃપાના આધાર પર જે જીવન પુરુષાર્થ કરે છે, તેને અભિમાન જાગવાનો કશો ડર નથી હોઈ શકતો, પુરુષાર્થ અને કૃપા એકબીજામાં સંકળાયેલા જ છે. કૃપામાં પુરુષાર્થ છે. પુરુષાર્થમાં કૃપા છે. શરૂઆતમાં સાધક માટે પ્રચંડ પુરુષાર્થની જરૂર રહે છે. પુરુષાર્થ કરતો રહે ને કૃપાની પ્રાર્થના પણ કરતો રહે, કૃપાની મદદ યાચ્યા કરે તે મહત્ત્વનું છે, પોતાના ખંત અને ધગશના પુરુષાર્થ સાથે સદ્ગુરુના આશીર્વાદ અને કૃપા જરૂરનાં છે તેની ના નથી, પરંતુ પોતે પણ કાંઇ કર્યા-કરાવ્યા વિના એની કૃપા પર જ આધાર રાખવાનું કરશે તો તેને કૃપા મળવી શક્ય નથી.'
એક બીજી જિજ્ઞાાસા જોઇએ. આપણે ત્યાં એક સવાલ એવો પૂછાય છે કે આખી જિંદગી માનવીએ દુષ્કૃત્ય કર્યા હોય, નિંદા કરી હોય કે અન્ય સાથે છેતરપીંડી કરી હોય, પરંતુ અંતે જો એ રામનું સ્મરણ કરે અથવા તો પોતાના ઇષ્ટ દેવનું સ્મરણ કરે તો એની સારી ગતિ જ થાય છે અને તે વહેલો જન્મતો નથી. આથી સવાલ એ છે કે ખોટે માર્ગે જીવન વીતાવનાર માત્ર છેલ્લી ઘડીએ પ્રભુનું નામસ્મરણ કરે, તો તેનો ઉદ્ધાર થઇ જાય છે, એ વાત સાચી છે? એની ગતિ સારી થાય છે ખરી?
આ પ્રશ્નના ઉત્તરમાં પૂજ્ય શ્રીમોટાએ કહ્યું કે, જીવનની અંત ઘડીએ માણસ ઇશ્વરને યાદ કરે, તો એની ગતિ જરૂર સારી થાય છે, પરંતુ જેણે આખી જિંદગી ઇશ્વર સ્મરણ કર્યું ન હોય, એને અંતે પણ ઇશ્વર સ્મરણ યાદ આવતું નથી. કદાચ અંત વેલા હોવાથી અણધાર્યો ઇશ્વર વિશે કોઇ વિચાર આવી જાય તો પણ એને કોઇ લાભ થતો નથી. હકીકતમાં જેવું જીવન પસાર કર્યું હોય એવા જ વિચાર અંત સમયે આવે છે અને એ મુજબ જ માણસની ગતિ અને પુનર્જન્મ થાય છે. આમ કહીને પૂજ્ય શ્રીમોટા કહે છે ે પહેલેથી (જુવાનીથી) જ ઇશ્વર સ્મરણની ટેવ પાડવી જોઇએ.
એક બીજો માર્મિક પ્રશ્ન એ છે કે 'વ્યક્તિ મૃત્યુ પામે અને પછી એનો આત્મા બહાર નીકળે ત્યારબાદ એને પુનર્જન્મ લેતા કેટલો સમય લાગે છે?'
આવા ગહન પ્રશ્નનો ઉત્તર આપતા પૂજ્ય શ્રીમોટાએ કહ્યું, 'એને ફરીથી જન્મ લેતાં ઘણો કાળ વહી જાય છે - સામાન્ય સંસારી જીવો (મુક્તો, ભક્તો, સાધુસંતોની વાત જુદી છે) સમીકરણના ગાળા દરમિયાન (Period of assimilation) પોતાનાં અનેક જન્મોના વાતાવરણને વાગોળે છે. અને તેમાંથી એ આપમેળે બીજા જીવનનો અનુભવ લેવાનું નક્કી કરે છે. જેવા સંસ્કાર, જેવાં રાગ-મોહાદિ વલણો, જેવું ઉચ્ચ સાત્વિક પ્રકારનું વલણ હોય - જેમ કે કોઇ સાધક હોય, આવાં અનેક પ્રકારનાં વલણવાળો જીવ જુદા જુદા કાળે જન્મ લે છે. જે પ્રકારના જીવનના અનુભવ લેવાનો નિર્ણય આપમેળે નક્કી થઇ જાય તેવા પ્રકારનો અનુભવ લેવા માટે તે જન્મ લે. તે કોઇ વખત શ્રીમંત, કોઇ વખત ગરીબ, કોઇ વખત ખેડૂત, કોઈ વાર મજૂર એમ અનેક પ્રકારના અનુભવ લેવાનું જીવ કર્યા કર્તો હોય છે. એ અનુભવ લેવા માટે જે જે એવા નિમિત્ત પ્રકારના જીવોનો સંયોગ ત્યાં થવો ઘટે, એવા સંયોગ જ્યાં સાનુકૂળ બની શકે, એવા કાળના તબક્કાની શક્યતા સંભવે તેવા કાળે જ તે જીવ તેવા સંજોગોમાં નક્કી થયેલા અનુભવ લેવા જન્મ લે અને ત્યારે તેની સાથે એ વાગોળવાના સમય દરમિયાન નક્કી થયેલા હોય એવા અનુભવ લેવાને જે જે બીજા જીવોની જરૂરિયાત હોય તેવા જીવો પણ તે તબક્કામાં જન્મે છે.
Holi colors by zodiac : હોળી રંગોનો તહેવાર છે અને દરેક રંગનું પોતાનું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે રંગોનો ઉપયોગ કરે છે, તો તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને ખુશીઓ વધે છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ આ હોળીમાં કયા રંગોથી હોળી રમવી જોઈએ.
Grahan 2025: માર્ચ મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિને ચંદ્ર અને સૂર્યગ્રહણને કારણે ઘણી રાશિઓના જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે આ દિવસે હોલિકાએ ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભગવાનની કૃપાથી તે બચી ગયો હતો. આ પછી જ હોલિકા દહન કરવામાં આવે છે.