નોરતાંના ગરબા : ગુજરાતની ઓળખ .
નવરાત્રિ એટલે ? શક્તિની આરાધના. 'શક્તિ' શબ્દ 'શક' ધાતુનો બન્યો છે - ઉત્તમ કાર્ય સિધ્ધ કરવા જે ક્ષમતા આપે તે દેવીશક્તિ. ગુજરાતમાં ગામેગામ આ પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી થાય છે - લગભગ ઘરમાં નૈવેધ થાય છે. એ નૈવેધને નવરાત્રિ સાથેનો સંબંધ શો હશે? નૈવેેેધ દ્વારા શક્તિપૂજા થાય, કુળદેવીને યાદ કરાય. વર્ષભર થયેલી ભૂલચૂક માફ થાય. ચોખા-ઘી-ગોળનો પ્રસાદ એટલે ધરાવે છે - વ્હેંચે છે. ક્યાંક કોઈ કુટુમ્બના ભેગા મળીને ખાય છે. ક્યાંક બધાને વ્હેંચાય છે. ક્યાંક ભોંયમાં ભંડારાય છે. ક્યાંક માતાને ચઢાવી તે છોકરાંને જમાડાય છે. નોખાનોખા નિયમો છે. ત્યારે નવરાત્રિ શબ્દ પણ ન્હોતો આવડતો. 'નોરતાં' કહેતા.. આસો મહિનાની એકમથી નોરતાં બેસે.. વરસાદે ખમૈયા કર્યા હોય, બાજરી પાકીને કોઠારમાં આવી ગઈ હોય. શરદ બેસી ગઈ હોય અને નોરતાં આવે.. શ્રાધ્ધને વિદાય કર્યા પછી નોરતાંનું આગમન થાય. સોળ સરાધ પુરાં થાય એટલે શક્તિ ઉપાસનાનું પર્વ પ્રારંભાય. ધર્મ વિધિવિધાન સાથે જોડાયેલું સ્વરૂપ નોરતાં છે. ઘરે ઘરે શક્તિ પૂજા થાય છે. ઉપવાસ રાખી પૂજા થાય છે.
ગુજરાતમાં ખાસ મહોલ્લે મહોલ્લે, ઘરે ઘરે, નોરતાંનો નોખોનોખો મહિમા. બંધ ઘર હોય તો ઘર ખોલીને નૈવેધ તો કરવું જ પડે. દેશાવરથી ઘરે આવવું જ પડે - એવી માન્યતા. શ્રદ્ધા પણ ખરી. ગરબા ગાવાનું અને રમઝટ બોલાવવાનું તો પાછળથી આવ્યું બાકી નોરતાંની ઓળખ માતાજીને નૈવેધ ધરાવવા પુરતી અકબંધ હતી. શ્રધ્ધાથી ભર્યો ભર્યો તહેવાર. દીવો ક્યાંક અખંડ દીવો પણ થાય.
શક્તિપૂજા સાથે સંકળાયેલો ગરબો આ સમયગાળામાં ચોરે-ચૌટે-પાર્ટીપ્લોટમાં પોળોમાં ગવાતો થયો છે. માતાજી-શક્તિપર્વને નામે એમાં નવીનીકરણ અને આધુનિકીકરણ ઉમેરાયું છે. શક્તિમાં શ્રધ્ધા ધરાવનારા ભક્તો નવે નવ દિવસ ઘરમાં માતાજીનું સ્થાપન કરે છે, પૂજા આરાધના કરે છે. દેશ અને દુનિયામાં ગુજરાતનાં નોરતાં જાણીતા છે. સંસ્કૃતિની ઓળખ છે. પ્રાચીન નોરતાં, પ્રાચીન ગરબો છેક સિંધુ સંસ્કૃતિ કાળથી અસ્તિત્વ ધરાવે છે. એ કાળે શક્તિપૂજાનો મહિમા હતો, તે સમયે શિવપૂજાનું પણ અસ્તિત્વ તો હતું શિવ-શક્તિ બંને અનાર્યોના દેવ હતા બંને વચ્ચે ધર્મનો સમન્વય સધાતાં શિવ-શક્તિને આર્યો પણ પૂજે છે. શક્તિ ઉપાસનાની વાતો આપણા પુરાણોમાં પણ છે. મહિષાસુરે દેવો સાથે લડાઈ કરી દેવોને હરાવ્યા. ત્યારે બ્રહ્મા-વિષ્ણુ-યમ, ગણેશ વગેરેએ ભેગા થઈ સ્ત્રી શક્તિ ઉત્પન્ન કરી તેણે મહિષાસૂરને માર્યો. પછી પૃથ્વી ઉપર શાંતિ થઈ એવી લોકવાયકા છે, શક્તિપૂજા પરંપરાથી ચાલી આવે છે. રામ ભગવાને પણ નવરાત્રિનું વ્રત કરેલું તેથી લંકાવિજય કર્યો હતો.
નવરાત્રિ ગરબો એટલે કાણાં પાડેલ માટીના ઘડામાં પ્રગટતો દીવો. છીદ્રોમાંથી ચળાઈને અજવાળું બહાર દેખાય. એની ગોળ ગોળ શક્તિનો મહિમા ગવાતો એમાંથી નોરતાં ગવાયાં એવો પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો છે. ગરબો સ્ત્રીઓ ગાય જ્યારે પુરુષો ગરબી ગાય છે. સૌરાષ્ટ્રમાં આવા ગરબી ગાનારા પુરુષોની સંખ્યા વધારે જોવા મળે છે. પછી તો ગરબા-ગરબીનું મિશ્રણ પણ આપણે સ્વીકાર્યું છે.
ગરબો ધાર્મિક વિધિવિધાનનું રૂપ હતો. પછીથી એ આનંદ-મનોરંજનનું સાધન બને છે. બાણાસુરની પુત્રી ઉષા અસૂરપુત્રી હતી તે નૃત્યના અસૂરપ્રકારો જાણતી હતી. તેણે ગોપીઓને શીખવ્યું. સૌરાષ્ટ્રમાં આજે પણ એ પ્રથા પ્રચલિત છે. ગુજરાતના ગરબાના પ્રચલન સાથે પાયાનું નામ વલ્લભમેવાડાનું જોડાયેલું છે. ભાણદાસમાં પણ ગરબાનો ઉલ્લેખ છે. ગરબા એ ગુજરાતની ઓળખ છે. કોઈ કોઈ જગ્યાએ ઝવેરા ઉગાડવાનો મહિમા પણ જોવા મળે છે.
પરિવર્તનો તમામ ક્ષેત્રે આવ્યાં છે. આધુનિકતાનો હુમલો, પશ્ચિમની સંસ્કૃતિની અસરો ગરબા ઉપર પડવા પામી છે. ગરબાની અસલિયત ભાગ્યે જ સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક બચી છે. બાકી સમગ્ર ગુજરાતમાં ગરબો આધુનિક થઈ ગયો છે. તેમાં દર્શનનું પ્રયોજન ગૌણ થઈ પ્રદર્શનનો ઝાઝો મહિમા થતો જાય છે. ગરબો હવે તો ગોળ પણ રહ્યો નથી, એનો આકાર પણ બદલાઈ ગયો છે. હજારોની સંખ્યામાં યુવક-યુવતી એક સાથે ગરબે રમે છે ત્યારે એનાં મૂલ્યોનો હ્રાસ થવા લાગ્યો છે. વેશભૂષા, અલંકારો, આધુનિક સાધનોએ તેની અસલિયતને અભડાવી દીધી છે. ત્રણ તાલીના ગરબામાંથી કેટકેટલી પધ્ધતિઓ સુધી, કેટકેટલા તાલ સુધી ગરબો ચાલ્યો ગયો છે! એ પરિવર્તનમાંથી પણ હજુ આપણા અસલ ગરબાની સુવાસ સાવ લુપ્ત થઈ નથી એટલું આશ્વાસન લઈ શકાય. ગુજરાતનો ગરબો દેશ-વિદેશ સુધી પહોંચ્યો છે. ગુજરાતને ગૌરવ પણ અપાવે છે. શિસ્તબધ્ધ ભક્તિભાવભર્યા ગરબાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ પ્રાપ્ત થઈ છે. એમ શક્તિપૂજાનું ગૌરવ કરતો ગરબો ગુજરાતની ઓળખ પામ્યો છે.
Rang Panchmi 2025: રંગ પંચમીનો તહેવાર 19 માર્ચે ઉજવવામાં આવશે. ચાલો જાણીએ કે આ દિવસે કયા ઉપાયો કરવાથી તમને જીવનમાં ફાયદો થઈ શકે છે.
Holi colors by zodiac : હોળી રંગોનો તહેવાર છે અને દરેક રંગનું પોતાનું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે રંગોનો ઉપયોગ કરે છે, તો તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને ખુશીઓ વધે છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ આ હોળીમાં કયા રંગોથી હોળી રમવી જોઈએ.
Grahan 2025: માર્ચ મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિને ચંદ્ર અને સૂર્યગ્રહણને કારણે ઘણી રાશિઓના જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.