શબ્દ જ સાચી સંપત્તિ .
- આપણી માતૃભાષાને, તેના મૂળ શબ્દાર્થને, તેની પાછળના સંદર્ભો કે પરિપ્રેક્ષ્યોને વિસારે પાડીને આપણી ભાષાના અસલ રૂપને ફેંકી દઈએ છીએ અથવા તેને નિસ્તેજ કરી મુકીએ છીએ
ભા ષાનાં ગુણગાન તો રાત દિવસ કરીએ છીએ, પણ 'ભાષા' સુધી પહોંચવાની મથામણ ભાગ્યે જ થતી જોવાય છે. મારી માતૃભાષા ગુજરાતી છે. હું તેમાં બોલું છું, વિચારું છું અને લખું પણ છું. તમારે કદાચ બીજી કોઈ માતૃભાષા હોઈ શકે. તમે તેમાં વિચારો છો, વાતચીત કરો છો. પણ આ 'ભાષા' મારી કે પછી તમારી, અત્યંત કંપનશીલ છે, લવચીક પણ. તે વાતાવરણમાંથી ઘણું બધું શોષતી હોય છે. મૂળરૂપે રહીને પણ તેમાં તે સમયે સમયે નવા અર્થો આમે જ કરતી હોય છે. ક્યારેક તો આપણી જાણ બહાર ! ક્યારેક એક જ શબ્દનો અર્થ બોલનાર માટે જુદો હોય છે. તો સાંભળનાર માટે વળી તેનો અર્થ સાવ ભિન્ન હોય છે. આવી ભાષાને પ્રભાવિત કરી રહેલા આપણી ચારે તરફ ઠીક ઠીક ષડયંત્રો જુદા જુદા નિમિત્તે રચાતાં રહે છે. કેટલાક એવી ભાષાના તંબૂડે તરી જતા હોય છે, ધાર્યું કાર્ય કઢાવી લેતા હોય છે. પ્રજા કે લોક એવી ભાષાને સમજે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે, ભાષા એવી યુક્તિ-પ્રયુક્તિઓ સાથે પણ જોડાતી આવી છે, અથવા એમ કહો કે તેનો એ રીતે દુરુપયોગ થતો આવ્યો છે. ઝાક દેરિદાએ ચેતવણીનો સૂર કાઢતાં કહ્યું છે જ - 'જોજો, ભાષામાં કેદ કરીને તમારી સાથે ખિલવાડ ના થાય, ચેતજો !' કહો કે ભાષાનો 'ઢાંચો' બદલ્યા વિના, શબ્દો પણ એજ રાખીને ઘણા જાદુગરો ભાષા ચાલાકીના ખેલ ખેલતા હોય છે. તેઓ પોતાના હિત કે લક્ષ્યને સિદ્ધ કરવા એકને એક જૂઠને સત્યના વાઘા પહેરાવી લોક સામે સો વાર રજુ કરે એટલે પેલી ભાષા અને એનો ભાષક બંને કંઈક - 'વાતમાં સત્ય તો છે' તેમ કહી તેનો સ્વીકાર કરતો થઈ જાય છે. કહો કે આવું મોટા પાયે, વારંવાર, ચોક્કસ હેતુપુર:સર કરવામાં આવે તો પેલી કથામાં આવે છે તેમ, વાછરું પણ લવારું બકરીનું બચ્ચું થઈ જતું હોય છે. આવી ભાષાના પ્રયોગ વડે ક્યારેક સ્થાપિત સત્યોમાં પણ બદલાવ આવી જતો હોય છે.
અમુક સંદર્ભોને તરડી-મરડીને વ્યક્તિ કે કોઈ વસ્તુ વડે નવા વિચારનું સ્થાપન થઈ જતું હોય છે. સાંભળનારું લોક તેમાંથી દસ ટકા પણ એવી ભાષા કે તેમાં પ્રકટ વિચારની સત્યાસત્યતા સુધી પહોંચવા ભાગ્યે જ પ્રયત્ન કરે છે. કહો કે તેવી ભાષા જ સાંભળવા પછી તેના કાન તો ટેવાઈ જાય છે, પણ મન સુદ્ધાં એ રીતે વિચારતું થઈ જાય છે. પરિસ્થિતિ છેવટે એ આવે કે એવી ભાષા અથવા શબ્દોનો વારંવાર ઉપયોગ થયા કરતો હોવાથી મિલાન કુન્દેરાના શબ્દો યાદ કરીને સહેજ જુદી રીતે કરું તો આપણે આપણી માતૃભાષાને, તેના મૂળ શબ્દાર્થને, તેની પાછળના સંદર્ભો કે પરિપ્રેક્ષ્યોને વિસારે પાડીને આપણી ભાષાના અસલ રૂપને ફેંકી દઈએ છીએ અથવા તેને નિસ્તેજ કરી મુકીએ છીએ. પરિણામે 'બાબા વાક્યમ્ પ્રમાણમ્' જેવી સ્થિતિ સર્જાય છે. ઈતિહાસ આવી મનોરંજક, કૃતક, અસત્યથી ભરેલી ભાષાનો સમયે સમયે સાક્ષી રહ્યો છે. આપણી સામે તેવા બોલકા, વાણીશૂરા સરમુખત્યારોનાં દૃષ્ટાંતો પણ એણે પુરા પાડયા છે. પછી તો સત્યનારાયણની કથાની આરતી જેવો ઘાટ થઈ રહે છે.
ગાય છે એક અને આખું ટોળું એને ઝીલી રહે છે. આવાં દૃષ્ટાંતો દૂર ખોળવા પડે તેમ નથી. આપણા ધાર્મિક-સાંસ્કૃતિક નૈતિક સંદર્ભો કે ઘટનાઓ તપાસો. 'અહિંસા' શબ્દ આજે કંઈક અસ્વીકૃત બનતો જાય છે. અરે, મહાવીર, બૌદ્ધ કે ગાંધીના તેની સાથેના અનુસંધાનને પણ વેરવિખેર થતું જોઈ શકાય. સામે 'હિંસા' શબ્દની સ્વીકૃતિ અગાઉ કરતાં કંઈક વધતી જાય છે. તેના દૃષ્ટાંતો પણ સામાન્ય માણસને ગળે ઊતરી જાય એ રીતે અપાય છે. સંતો પણ ક્યારેક તો ભાત ભાતનાં કારણો આગળ ધરી તેની તરફદારી કરતા જોવાય છે. અહિંસા પાછળનું વ્યાપક સત્ય, એ નિમિત્તે પ્રજાની શાંતિ, તેનું ઉન્નયન બધું ઝંખવાતું જાય છે. કહો કે ક્યારેક શબ્દ એ જ રહીને તેનું નૂર ગુમાવે છે તો ક્યારેક જે શબ્દ હાંસિયામાં રાખવા યોગ્ય હતો તેને કેન્દ્રમાં લાવી દેવામાં આવે છે. આવું ભાષા વડે સતત થયા કરે તો ઈતિહાસગત, સાંસ્કૃતિગત, ધર્મગત, સમાજગત સત્યોની પણ અવળસવળ થઈ રહે. રાજકીય આટાપાટા વધે સાથે પ્રજામાં પણ અનાયાસે તડાં પડવા શરૂ થયા. આ કે આવાં કારણોસર જ 'ભાષા'ને ઓળખી લેતાં શીખવું પડે. ઈન્ગાર્ડ કહે છે તેવી ભાષાને, મૂળ સુધી ઓળખવી પડે. ભાષાશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને ચિંતક-વિચારક-કળાકારોએ પણ આગળ આવીને એવી તદબીરોવાળી ભાષાના આચ્છાદનને ઉઘાડું કરી આપવું ઘટે.
નહિતર સાર્યા અને કામૂ જેવા એ તેમના સમયમાં ચેતવણી આપતાં કહ્યું હતું જ કે - 'તમે દુનિયાને નહીં બદલી શકો તો કાંઈ નહીં, પણ દુનિયા તમને ન બદલી જાય તેનો ખ્યાલ રાખજો.'
બાકી ગાંધીજીએ પૂર્વકાળમાં કોઈકને તમાચો માર્યો હતો, ગાંધીજીએ વાછરુંને મારી નાખવા જણાવ્યું હતું અથવા તેમની સાથે બધી વેળા સંમત થવાતું નથી. આવા અમુક ચોક્કસ સંદર્ભોમાંથી વાતને ઊંચકીને જુદી રીતે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરનાર માણસો આપણી વચ્ચે છે. બાપડો ગાંધી તો કહેતો હતો કે મારો કોઈ અનુયાયી નથી અને હું કહું છું તેને જ તમે સ્વીકારી લો તેવું કદાપિ કહેતો નથી ! 'સહિષ્ણુતા'અને 'અસહિષ્ણુતા' શબ્દની સ્થિતિમાં પણ આજે ખાસ્સો ફરક લાગવાનો. કહો કે આ સઘળું આપણી પ્રાચીન સંસ્કૃતિના મૂળમાં ઘા કરવા જેવું છે, ભાષાના મૂળ સૌંદર્યને વિક્ષત કરવા જેવુ છે. પ્રશ્ન એ રીતે દરેકની માતૃભાષાના જુદી રીતે થઈ રહેલા ધોવાણનો છે, ને તેને કારણે પરિવર્તન પામી રહેલી સામાજિક સંસ્થિતિઓ અને માનવીય ચેતનાનો છે, હજારો વર્ષની સમૃદ્ધ સંસ્કૃતિની ગરિમાનો છે.
ભાષાશાસ્ત્રીઓ આજની આવી પરિવર્તન પામતી, લોક પર અમુક પ્રકારની અસર જન્માવતી, ભાષાનો અભ્યાસ કરી તેનાં તારણો આપવા જોઈએ. સમાજશાસ્ત્રીઓએ તે પાછળના સત્યને અનાવૃત કરી આપવું જોઈએ. ખાણીપીણી, પહેરવેશ, વર્તણુંક અને બીજી અનેક બાબતો પર તેનો પ્રભાવ પડતો હોય છે. આપણી ખરી સંપત્તિ જ આ 'શબ્દ' છે, વિશુદ્ધ શબ્દ. તેને નષ્ટ થતો કોઈ ભાષક કેવી રીતે જોઈ શકે ? આ તબક્કે કોઈકને સોલ્ઝેનિત્સિન યાદ આવી શકે, કોઈકને પિકાસો, કોઈકને એવો જ ચિત્રકાર બેકમાન કે કવિ ઈવાન એલેકસેવિચ બુનિન સ્મરણમાં આવે - ક્યારેય બદલી ન શકાય તેવી પ્રતિભાઓનાં એ સમર્થ દૃષ્ટાંતો છે - સત્ય ભાષા તેમની કળાનો પર્યાય છે.
એક મહત્વપૂર્ણ ચુકાદામાં, ભોપાલની સીબીઆઈ કોર્ટે વ્યાપમ કૌભાંડ કેસમાં 11 વ્યક્તિઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે,
સમગ્ર વિશ્વમાં 3જી ઓગસ્ટના રોજ બનેલી નોંધપાત્ર ઘટનાઓની સંક્ષિપ્ત ઝાંખીનો અભ્યાસ કરો. આ સંકલન આ તારીખના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતા વિવિધ ક્ષેત્રોમાં મુખ્ય ઘટનાઓને પ્રકાશિત કરે છે. 3જી ઓગસ્ટના રોજ આપણા વિશ્વને આકાર આપવામાં ફાળો આપનાર પ્રભાવશાળી ક્ષણોનું અન્વેષણ કરો.
ઈતિહાસ 22 ફેબ્રુઆરીઃ આ દિવસે 2005માં ઈરાનમાં જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો, જેમાં 400થી વધુ લોકોના મોત થયા હતા. આવી જ રીતે 2011માં ન્યૂઝીલેન્ડમાં આવેલા ભૂકંપમાં 180થી વધુ લોકો માર્યા ગયા હતા. એ જ દિવસે ભારતમાં હવાલા કૌભાંડના ખુલાસાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જાણો 22 ફેબ્રુઆરીનો ઈતિહાસ...