એક ફોટો જોઈ શારજહાંના શેખ પણ રડી પડ્યા
દેશઃ ઈજિપ્ત
સ્થળઃ કાયરો શહેરનું એરપોર્ટ
એક ભારતીય ઈજિપ્તથી ન્યૂયોર્ક જવા માટે પોતાની ફ્લાઈટની રાહ જોઈ રહ્યો હતો. ચહેરા પર સ્મિત સાથે એરપોર્ટના વેઈટિંગ લોન્ઝમાં બેઠેલી વ્યક્તિ મોબાઈલ ફોનમાં ફોટા જોઈ રહ્યો હતો. એ સમયે ફોનમાં રહેલા ફોટોઝને તે સ્ક્રોલ કરે છે.
ફોનમાં રહેલા અનેક ફોટોમાંથી સ્ક્રોલ કરતાની સાથે જ તેની સામે એક એવો ફોટો આવે છે, જેને જોઈને તેના ચહેરા પરનું સ્મિત ધીરે ધીરે ઓછું થવા લાગ્યું અને તે અચાનક ગમગીન બની જાય છે. થોડી જ ક્ષણોમાં તેને અહેસાસ થયો કે તેના ખભા પર કોઈકે હાથ મૂક્યો છે. અચાનક પોતાના ખભા પર મૂકેલો હાથ જોઈને તે તરત જ પાછળ ફરે છે અને જરા ઉપરની તરફ જોવે છે. ઉપરની તરફ જોતાં જ તેની સામે એક સાડા પાંચ ફૂટ ઊંચો અને અરબી પહેરવેશમાં શેખ દેખાય છે. ગમગીન થઈને નીચે બેઠેલા વ્યક્તિની નજર હવે એ શેખની આંખો પર સ્થિર થાય છે. એ શેખની આંખોમાંથી રીતસરનાં આંસુઓ સરી પડે છે.
આ જોઈને પેલા ભારતીય ભાઈને પણ આશ્ચર્ય થયું. શેખને પોતાની બાજુમાં બેસાડીને પૂછે છે કે અરે...ભાઈ...શું થયું તમે કેમ રડો છો? આટલું સાંભળતા જ પેલા શેખને ડૂમો ભરાઈ જાય છે. દબાયેલા સ્વરે શેખ કહે છે તમારા ફોનમાં તમે જે વ્યક્તિનો ફોટો જોઈ રહ્યાં છો એ વ્યક્તિ સાથેની મારી એક મુલાકાતમાં જ મારું જીવન બદલાઈ ગયું હતું. આ એક ફોટોથી શરૂ થયેલો સંવાદ એક લાંબી અને ફળદાયી ચર્ચામાં પરિણમે છે.
એરપોર્ટ ઉપર બેઠેલા એ ભારતીય એટલે યોગી ત્રિવેદી જેમને શારજહાંના શેખે કહ્યું કે, એકવાર પ્રમુખ સ્વામી મહારાજ અમારે ત્યાં આવ્યા હતા. એ સમયે તેમની સાથે મારી મુલાકાત થઈ હતી, પણ એ સમયે મને એમ થયું કે આ હિન્દુ સાધુને મળીને વળી મારે શું કામ છે? પણ તેમ છતાં મેં તેમની સાથે મુલાકાત કરી.
આ મુલાકાત દરમિયાન મારી નજર જેવી તેમની આંખ ઉપર સ્થિર થાય છે ત્યારે મને અહેસાસ થયો કે તે હિન્દુ નથી, જૈન, શીખ, ખ્રિસ્તી કે યહુદી નથી પણ તેનાથી પણ પર છે. એક એવા ધર્મગુરુ છે જે બધાને કનેક્ટ કરે છે. એ પછી મેં પ્રમુખ સ્વામી મહારાજને મેં મારા લગ્નજીવનના કેટલાક પ્રશ્નો અંગે વાત કરી તેમણે મારી વાત શાંતિથી સાંભળીને પછી તેમણે લગ્નજીવન અંગે માત્ર બે કે ત્રણ જ વાક્યો કહ્યાં ને મારું આખું જીવન સચવાઈ ગયું, મારો આખો પરિવાર પણ સચવાઈ ગયો.
કાયરો શહેરના એરપોર્ટ ઉપર બનેલો આ પ્રસંગ યોગી ત્રિવેદીના દિલમાં એવો તે સ્પર્શી ગયો, કે આ ઘટનાના લગભગ પાંચ વર્ષ પછી તેમણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર એક પુસ્તક લખવાનો વિચાર આવ્યો. એ પુસ્તક એટલે ‘In Love, At Ease, Everyday Spirituality With Pramukh Swami’.