અહંકારીને આ જગતમાં પોતાના સિવાય કોઈને ય માટે સહેજે આદર હોતો નથી !
રંગમંડપની જાહેર સ્પર્ધા અને શસ્ત્ર કૌશલોની પરીક્ષા બાદ કૌરવો અને પાંડવો વચ્ચે વેર અને કુસંપના ઊંડા બી વવાયાં, જેનું પરિણામ છે કુરુક્ષેત્રનો આ મહાસંહાર.
કુ રુક્ષેત્રની સમરભૂમિ પર કૌરવસેનાના સેનાપતિ ગુરુ દ્રોણ પાંડવોને પરાજિત કરવા માટે મહાસંગ્રામ ખેલી રહ્યા છે, કિંતુ એથીયે વિશેષ ભીષણ યુદ્ધ ગુરુ દ્રોણના અંતરમાં ચાલી રહ્યું હતું. બાહ્ય યુદ્ધ કરતાં ભીતરમાં ચાલતું યુદ્ધ વધુ સત્યસમીપ, હૃદયવિદારક હોય છે. બહાર યુદ્ધ ખેલતી વખતે સામે શત્રુ, શસ્ત્ર, વેર, પૂર્વ અનુભવો, બદલો, હત્યા, પ્રહાર જાત તપાસ કરનારું આ બધું નજર સામે હોય છે અને એના પ્રત્યાઘાત ભીતરમાં પડતા હોય છે, જ્યારે ભીતરને ઘમરોળતા યુદ્ધમાં તો માનવી સ્વયં પોતાની જાત સાથે એકલો પ્રચંડ યુદ્ધ ખેલી રહ્યો હોય છે. એ સ્વયં જાત પર પ્રહાર રકે છે ને સ્વયં એનો પ્રતિકાર કરે છે ! અને તેથી કુરુક્ષેત્રના સમરાંગણમાં ગુરુ દ્રોણના ચિત્તમાં મનોમંથનનો ઉલ્કાપાત જાગે છે.
ગુરુ દ્રોણ વિચારે છે કે લાલચ કેવી બૂરી ચીજ છે ! લાલચુ માનવી કમને પણ અનિષ્ટ કે અનાચારને આદર ને પ્રોત્સાહન આપતો હોય છે. કૌરવરાજ દુર્યોધનને સૌથી વધુ લાલચ તો ગુરુ દ્રોણ પાસે રહેલા ધાર્યુ નિશાન સાધનાર બ્રહ્માસ્ત્ર વગેરે દિવ્યાસ્ત્રોની હતી. એ શક્તિ વિશેષ રૂપે ગુરુ દ્રોણમાં પ્રતિષ્ઠિત હતી. એની લાલચે દુર્યોધન ગુરુ દ્રોણ પર વારંવાર વાક્પ્રહાર કરે છે. ક્યારેક એમના પર પ્રિય શિષ્ય અર્જુનને કારણે પાંડવો પ્રત્યે ઘોર પક્ષપાત કરવાનો આરોપ મૂકીને યુદ્ધભૂમિ પર પાંડવો પ્રત્યેની એમની શત્રુતાને વધુ ધાર આપવા પ્રયાસ કરે છે, તો ક્યારેક ગુરુનાં દિવ્ય શસ્ત્રોની પ્રશંસા કરીને એમને પાંડવસંહાર માટે પ્રેરિત કરે છે.
ગુરુ-શિષ્યનો આ સંબંધ પણ કેવો વિલક્ષણ, કે જેમાં બંને પ્રલોભનના બંધનથી ચૂસ્ત બંધાયેલા છે. શિષ્ય કૌરવ શ્રેષ્ઠ દુર્યોધનને ગુરુ દ્રોણ માટે સહેજે આદર નથી. આમેય અહંકારીને પોતાના સિવાય કોઈને માટે આદર હોતો નથી. આવો આ અહંકારી દુર્યોધન ગુરુ દ્રોણ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ ધરાવે છે. એના કાન વૃદ્ધજનોના ઉપદેશને સાંભળવા ટેવાયેલા નથી અને તેથી જ્યારે ભૂલથી પણ ગુરુ દ્રોણ પોતાનું મંતવ્ય પ્રગટ કરે છે, ત્યારે એનું પરિણામ તો દુર્યોધનના કટુ, તિરસ્કારયુક્ત અપમાનમાં જ આવે છે.
આમ એક તરફ ગુરુ પ્રત્યે પારાવાર ધિક્કાર છે અને બીજી બાજુ માત્ર ગુરુ દ્રોણ પાસે રહેલાં પ્રતિષ્ઠિત બ્રહ્માસ્ત્ર એવા દિવ્યાસ્ત્રોની લાલચ છે. આથી જાણે ગુરુ દ્રોણને પ્રેરતો હોય તે રીતે એ વારંવાર કહે છે કે 'તમારી બરાબરી કોઈ પાંડવ અથવા અમે કે પછી જગતનો અન્ય કોઈ ધનુર્ધર કરી શકે તેમ નથી' અને એ પછી જ ગુરુ દ્રોણને ઉત્સાહ જગાવવા માટે એ કહે છે.
'દ્વિજશ્રેષ્ઠ ! આપ શસ્ત્રોના સંપૂર્ણ જ્ઞાાતા છો, આથી તમે ઇચ્છો તો તમારાં દિવ્યાસ્ત્રો દ્વારા દેવતા, અસુર અને ગંધર્વો સહિત તમામ લોકોનો વિનાશ કરી શકો છો, એમાં કોઈ સંશય નથી.'
(મહાભારત, દ્રોણપર્વ, અધ્યાય-૧૮૫, શ્લોક-૭)
ગુરુ દ્રોણ વિચારમાં પડે છે કે મારા આ સત્તાલાલચુ અહંકારી શિષ્યને તો માત્ર મારા દિવ્યાસ્ત્રો જ સાથે સંબંધ છે અને હજી આ વિચાર સહેજ આગળ ચાલે તે પહેલાં દુર્યોધન ગુરુ દ્રોણને કહે છે કે,' આવાં દિવ્ય શસ્ત્રો હોવા છતાં તમે સતત પાંડવોને ક્ષમા કરતા રહ્યા છો. શા માટે ? અરે ! આ પાંડવો તો આપનાથી અત્યંત ભયભીત છે, તેથી જ એ આપના શિષ્ય છે. એવી વાતને સતત દોહરાવે છે. વળી પરાજયનું હું દુર્ભાગ્ય પામું તેવો વિચાર કરીને તમે પાંડવો સાથે યુદ્ધ ખેલતી વખતે તમારી શક્તિની ઉપેક્ષા સેવો છો.'
દુર્ભાગ્ય એ છે કે પ્રલોભનથી તેજહીન બનેલા ગુરુ દ્રોણાચાર્યને દુર્યોધનની વાણીથી અપમાનનો અનુભવ થતો નથી, બલ્કે એના શબ્દો ગુરુ દ્રોણના ક્રોધને વધુ ઉત્તેજીત કરે છે, પણ એ ક્રોધ ગુસ્સા રૂપે કે ઠપકા રૂપે દુર્યોધન તરફ વળવાને બદલે પાંડવો તરફ વધુ પ્રગટે છે. પરિણામે ક્રોધાયમાન થઈને તેઓ દુર્યોધનને કહે છે,
'દુર્યોધન ભલે હું વૃદ્ધ થઈ ગયો હોઉં, તો પણ યુદ્ધસ્થળમાં મારી પૂરી શક્તિ બતાવીને તારા વિજય માટે હું પ્રયત્નશીલ છું. મને એમ લાગે છે કે તારી જીતની ઇચ્છાને કારણે મારે ક્ષુદ્ર કાર્ય કરવું પડશે.'
આમ કહીને ગુરુ દ્રોણ દિવ્યાસ્ત્રોની વાત કરતાં દુર્યોધનને કહે છે કે, 'સહુ કોઈ મારાં દિવ્યાસ્ત્રો વિશે જાણતા નથી, પણ મને ખ્યાલ છે કે હું એના દ્વારા સર્વનાશ વેરી શકું તેમ છું.'
આમ, ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધનને ભરોસો આપે છે, પરંતુ સાથોસાથ એમના ભીતરમાંથી અવાજ ઉઠે છે કે આવાં દિવ્ય શસ્ત્રોનો અહંકારી દુર્યોધનની ઇચ્છાને વશ થઈને પાંડવો પર એનો પ્રયોગ કરવો કેટલો યોગ્ય ? ભાગ્યે જ કોઈ રાજવી, સેનાપતિ કે સૈનિકને મારી પાસેનાં દિવ્યાસ્ત્રોનાં રહસ્યની જાણ છે અને દુર્બુદ્ધિ દુર્યોધન અને દુષ્ટ યોજના માટે આ દિવ્યાસ્ત્રોનો પ્રયોગ કરવા માગે છે. આ મારે માટે કેટલું યોગ્ય ? અને ગુરુ દ્રોણના અંતઃકરણમાંથી એક નવો સવાલ જાગે છે કે ' દિવ્યને ક્ષુદ્રને માટે ફેંકી દઈ શકાય ખરું ?'
આ દિવ્યાસ્ત્રો તો પ્રબળ યોગસાધનાને પરિણામે પ્રાપ્ત થયા છે. અનુપમ ઇશ્વરકૃપાની આ પ્રસાદી છે. એનો હેતુ તો અસુરો અને આતતાયીઓના નાશ માટે છે અને એને બદલે શું હું પાંડવ પક્ષના સર્વનાશ માટે પ્રયોજું ? મારા પુત્ર સમા આદર્શ શિષ્ય ગાંડીવધારી અર્જુન સામે એનો પ્રહાર કરું ? બાણાવલી અર્જુનએ કૌરવોના માટે અને વિશેષ તો કુરુક્ષેત્રની રણભૂમિ પર સૌનું કેન્દ્ર હતો, કારણકે એ બાણાવલીની શક્તિ પર જ પાંડવોના વિજયનો મદાર હતો અને બીજી બાજુ જો અર્જુન હણાય તો પાંડવોનો પરાજય નિશ્ચિત હતો. જ્યાં એક વીર પર વિજય અને પરાજયનું પલ્લું આધારિત હોય, ત્યાં એ વીરનું મૃત્યુ જય-વિજયનું નિર્ણાયક હોય છે.
પાંડવોના પરાજયને માટે અતિ આતુર દુર્યોધન વારંવાર ગુરુ દ્રોણને દિવ્યાસ્ત્રોની વાત કરે છે, ત્યારે ગુરુ દ્રોણ વિચારે છે, 'મારા જે શિષ્યોને મેં બળવાન શત્રુઓ સામે શસ્ત્રોથી પ્રાણહારક પ્રહાર કરવામાં નિપુણ બનાવ્યાં, લડતા શીખવ્યું, એમને જ મારે મારા દિવ્યાસ્ત્રોથી હણવાના ?'
ગુરુના આસને બેસીને હસ્તિનાપુરમાં મેં એમને વીરના ધર્મનાં પાઠો શીખવ્યાં અને આજે એમના શૌર્યને મારા દિવ્યશસ્ત્રોથી નષ્ટ કરવા હું ઉત્સુક બન્યો છું અને આ એવાં શસ્ત્રો છે કે જેનો પ્રતિકાર કરવાનો કોઈ ઉપાય નથી. એની પ્રચંડ શક્તિને ઓગાળી શકે એવી પ્રતિકારક કોઈ શસ્ત્રશક્તિ નથી. પણ ઓહ ! આજ સુધી શાસ્ત્રોની દુહાઈ આપીને કહેતો હતો કે શસ્ત્રધારી સબળ વીરનું ધ્યેય. નિર્બળના રક્ષણનું અને આજે હવે હું જ બ્રહ્મસ્ત્ર આદિ દિવ્યશસ્ત્રો ધારણ કરનાર આચાર્ય દ્રોણ એવો શસ્ત્ર પ્રહાર કરશે કે જેનો સામનો કરવાની કોઈ ક્ષમતા સામા પક્ષે ન હોય અને એવા પાંડવો સામે આ દિવ્યાસ્ત્રો ફેંક્શે કે જે પાંડવો તેમના આજ્ઞાાંકિત, વિનયશીલ શિષ્યો છે.
ગુરુ દ્રોણના દેહમાં એક વિચારે ધ્રુજારી ફરી વળે છે. એમનું હૃદય એકાએક પોકાર કરી ઊઠે છે કે કુરુક્ષેત્રના યુદ્ધમાં અહંકારી દુર્યોધનના વેરની આગ ઠારવવા માટે આ દિવ્યાસ્ત્રોનો ઉપયોગ કરું છું, એમ કરવા જતાં મારી કોઈ ભૂલ તો થતી નથી ને ? શિષ્યો વચ્ચેના વૈમનસ્યનો અગ્નિ તો ગુરુએ શાંત પાડવાનો હોય, એને બદલે આજે ગુરુ સ્વયં કૌરવ-પાંડવના વૈમનસ્યનો ભોગ બન્યાં. એવું જ ને ?
અને ગુરુ દ્રોણના ચિત્તમાં એ ભૂતકાળનાં દૃશ્યોનું સ્મરણ થાય છે કે જ્યારે પોતાના શિષ્યોની શસ્ત્રપરીક્ષા માટે હસ્તિનાપુરમાં ભવ્ય આયોજન કર્યું હતું અને એ સમયે આ મહાબુદ્ધિવાન, ભરદ્વાજનંદન ગુરુ દ્રોણાચાર્યે એ શસ્ત્રપરીક્ષા માટે સમતલ ભૂમિ પસંદ કરી હતી અને શ્વેત વસ્ત્ર અને શ્વેત યજ્ઞાોપવિત ધારણ કરીને એમણે રંગભૂમિમાં પાંડવો અને કૌરવોનાં વિવિધ પ્રકારનાં શસ્ત્ર કૌશલોની પરીક્ષા કરી હતી અને એ પરીક્ષાનું પરિણામ શું આવ્યું ? આવી પ્રજાજનો વચ્ચે યોજાયેલી જાહેર પરીક્ષા એ ગુરુ તરીકે અટકાવી શક્યા હોત, પરંતુ એ પરીક્ષાની અંતે સૂતપુત્ર કહેવાતો કર્ણ દુર્યોધનને મિત્ર રૂપે મળ્યો અને એથીયે વિશેષ તો રંગમંડપની જાહેર સ્પર્ધા અને પરીક્ષા બાદ કૌરવો અને પાંડવો વચ્ચે વેર અને કુસંપના ઊંડા બી વવાયાં, જેનું પરિણામ છે કુરુક્ષેત્રનો આ મહાસંહાર. હસ્તિનાપુરના રંગમંડપમાં થયેલી એ શસ્ત્રપરીક્ષાથી આરંભીને કુરુક્ષેત્રની સમરભૂમિમાં આ દિવ્યશાસ્ત્રોના પ્રયોગની ભૂમિકાએ ગુરુ દ્રોણને એક નવા વિચારની ગડમથલમાં ડૂબાડી દીધા.
ગોપાષ્ટમીના દિવસે માતા ગાયની પૂજા અને સેવા કરવામાં આવે છે. દર વર્ષે કારતક શુક્લ પક્ષની અષ્ટમીના રોજ ગોપાષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા ગાયની પૂજા કરવાથી અને વ્રત કથાનો પાઠ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ચાલો જાણીએ કે દિવાળી પર તમારે કઈ દિશામાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ અને દીવા પ્રગટાવવાથી તમને શું ફાયદો થાય છે.
ધનતેરસ એ દિવાળીના તહેવારોની શરૂઆત છે, જે આ વર્ષે 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે