દુબઈ: વર્ષ 2025ના એશિયા કપ ફાઇનલનો મહામુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર છે, ત્યારે ક્રિકેટ જગતમાં ભારે ઉત્સુકતાનો માહોલ છે. આ ટાઇટલ મેચ પહેલાં, ભારતના પૂર્વ ક્રિકેટર અતુલ વાસનએ એક મોટું નિવેદન આપીને સનસનાટી મચાવી દીધી છે. વાસનનું સ્પષ્ટ માનવું છે કે જો પાકિસ્તાની ટીમ ફાઇનલમાં તેમની ક્ષમતા મુજબનું પ્રદર્શન નહીં કરી શકે, તો તેનું મુખ્ય કારણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન મોહસિન નકવીની દખલગીરી હશે. ભારતીય ટીમ સંપૂર્ણ ફોકસ સાથે મેદાનમાં ઉતરશે જ્યારે નકવીની વધુ પડતી સક્રિયતા પાકિસ્તાની ખેલાડીઓ પર બિનજરૂરી દબાણ વધારી રહી છે.
PCB ચેરમેન નકવીની દખલગીરીથી દબાણ કેમ વધ્યું?
પૂર્વ ક્રિકેટર અતુલ વાસનએ મીડિયા સમક્ષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની ટીમનું એશિયા કપ ફાઇનલમાં પહોંચવું સારી વાત છે, પરંતુ ભારતીય ખેલાડીઓ કરતાં પાકિસ્તાન પર ઘણું વધારે દબાણ છે. તેમણે કહ્યું કે, "ભારત તો તેના 11 ખેલાડીઓ સાથે જ રમી રહ્યું છે, પણ પાકિસ્તાનની ટીમના 12મા ખેલાડી ખુદ મોહસિન નકવી છે." વાસનના મતે, નકવી ટીમની બાબતોમાં સતત દખલ દઈ રહ્યા છે, જેના કારણે પાકિસ્તાની ખેલાડીઓ પર માનસિક પ્રેશર વધી ગયું છે. જ્યારે ટીમ પર આટલું વધારે દબાણ હોય છે, ત્યારે ખેલાડીઓ મુક્તપણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી.
મોહસિન નકવીની 'સક્રિયતા' ટીમ માટે બોજ બની?
રિપોર્ટ્સ અને વાસનના નિવેદન મુજબ, PCB ચેરમેન મોહસિન નકવીની ટીમની આસપાસની સક્રિયતા ઘણી વધી ગઈ છે. તેઓ ટીમના પ્રેક્ટિસ સેશનમાં હાજરી આપે છે અને તેમણે ખેલાડીઓને ભારત સામે તેમની 'પોતાની રીતે' રમવાની છૂટ આપી હોવાનું પણ કહેવાય છે.
હરીસ રઉફના મામલે પણ નકવીનું દખલ
અતુલ વાસનએ એવું પણ જણાવ્યું કે નકવીની હાજરી ખેલાડીઓને માનસિક રીતે અસર કરી રહી છે. કેટલાક ખેલાડીઓ મેચમાં પોતાના પ્રદર્શન પર ધ્યાન આપવાને બદલે દેખાવ અને પ્રદર્શનમાં વધુ વ્યસ્ત હતા. તાજેતરમાં, પાકિસ્તાની બોલર હારીસ રઉફ પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મેચ ફીનો 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહસિન નકવી આ દંડની રકમ પોતાની ખિસ્સામાંથી ચૂકવવા માટે તૈયાર હતા. વાસને આ વાતને રાજકીય ગણાવીને કહ્યું કે, "આખું ધ્યાન માત્ર રમત પર હોવું જોઈએ, પરંતુ નકવી તેને રાજકીય બનાવી રહ્યા છે. તેઓ સતત ટીમની આસપાસ ફરે છે, જે વધારાનું પ્રેશર પેદા કરે છે."
ભારતનું ફોકસ અને પાકિસ્તાન માટે સલાહ
વાસને સ્પષ્ટ કર્યું કે આ ફાઇનલમાં ભારતીય ખેલાડીઓ પર એટલું દબાણ નથી, જેટલું પાકિસ્તાન પર છે. ભારતીય ટીમ તેમની તૈયારીઓ પર સંપૂર્ણ રીતે કેન્દ્રિત છે અને ટીમમાં કોઈ બાહ્ય હસ્તક્ષેપ નથી. તેમનો આગ્રહ છે કે, જો પાકિસ્તાની ખેલાડીઓ માત્ર રમત પર ધ્યાન કેન્દ્રિત કરે અને આ વધારાના દબાણને દૂર કરે, તો જ તેઓ સારું પ્રદર્શન કરી શકશે. ભારત પાકિસ્તાન ફાઇનલમાં ટક્કર આપવા માટે પાકિસ્તાની ટીમે તમામ રાજકીય અને બિનજરૂરી દખલગીરીને બાજુએ મૂકીને પોતાના મૂળભૂત ખેલ પર ફોકસ કરવું જરૂરી છે.


