જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણો જણાવ્યા છે. રાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં તેમણે લખ્યું છે કે, હું બંધારણની કલમ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું, જેથી આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપી શકાય અને તબીબી સલાહનું પાલન કરી શકાય.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલેલા પત્રમાં તેમણે આગળ લખ્યું છે કે, હું દેશના રાષ્ટ્રપતિનો તેમના અતૂટ સમર્થન અને મારા કાર્યકાળ દરમિયાન બનાવેલા સુખદ અને અદ્ભુત કાર્યકારી સંબંધો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદનો ઊંડો આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રીનો ટેકો અમૂલ્ય રહ્યો છે. મારા કાર્યકાળ દરમિયાન મેં ઘણું શીખ્યું છે.
સાંસદોનો વિશ્વાસ અને સ્નેહ હંમેશા મારી યાદોમાં રહેશે
જગદીપ ધનખરે પત્રમાં લખ્યું છે કે, સંસદના તમામ સભ્યો તરફથી મને મળેલી હૂંફ, વિશ્વાસ અને સ્નેહ હંમેશા મારી યાદોમાં રહેશે. દેશના મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મને મળેલા અમૂલ્ય અનુભવો અને આંતરદૃષ્ટિ માટે હું ખૂબ આભારી છું. આ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન દેશની આર્થિક પ્રગતિ અને અભૂતપૂર્વ વિકાસને જોવો અને તેમાં ભાગ લેવો મારા માટે સૌભાગ્ય અને સંતોષની વાત રહી છે.
પોતાના પદ પરથી રાજીનામું આપતી વખતે, તેમણે કહ્યું કે દેશના ઇતિહાસના આ પરિવર્તનશીલ યુગમાં સેવા આપવી એ મારા માટે ખરેખર સન્માનની વાત રહી છે. આ પ્રતિષ્ઠિત પદ છોડતી વખતે, હું ભારતના વૈશ્વિક ઉદય અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પર ગર્વ અનુભવું છું. મને તેના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ છે. હૃદયપૂર્વક આદર અને કૃતજ્ઞતા...
જગદીપ ધનખડ સંબંધિત ખાસ વાતો
૧૮ મે ૧૯૫૧ ના રોજ જન્મેલા, જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. તેઓ ૧૯૯૦ થી ૧૯૯૧ સુધી ચંદ્રશેખર સરકારમાં સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી હતા. આ પહેલા તેઓ ૧૯૮૯ થી ૧૯૯૧ સુધી લોકસભાના સભ્ય હતા. તેઓ ૧૯૯૩ થી ૧૯૯૮ સુધી રાજસ્થાન વિધાનસભાના સભ્ય હતા.


