રાજપીપલા: દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા તારીખ ૨૭મી જાન્યુઆરીથી ૦૨જી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન કુલ ૦૭ દિવસની વાર્ષિક શિબિર યોજાઈ હતી. કોલેજના આચાર્યા ડૉ. અનિલાબેન પટેલની આગેવાનીમાં એન. એસ. એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવા દ્વારા દેડીયાપાડા તાલુકાના ઝરણાવાડી ગામે આ વાર્ષિક શિબિર યોજાઈ હતી. જેમાં કુલ ૫૦ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શિબિરના સાત દિવસ દરમ્યાન એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા ઝરણાવાડી ગામમાં લોક જાગૃતિ માટે રેલી, શેરી નાટક, લોક સંપર્ક, ગામનો સર્વે જેવા વિવિધ માધ્યમો થકી કાર્યક્રમો યોજ્યા હતા. ગામની પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા જાહેર રસ્તાઓની સાફ સફાઈ હાથ ધરી ભારત સરકાર દ્વારા ચાલતા સ્વછતા અભિયાનમાં ભાગીદારી નોંધાવી હતી. આ શિબિર દરમિયાન એન.એસ.એસ.ના સ્વયંસેવકોના વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ બૌદ્ધિક વ્યાખ્યાન, સેમિનાર અને સમૂહ જીવન જીવતા કેળવાય તે માટે સમૂહ કાર્યનું પણ આયોજન કરાયું હતું.


