ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક વિકાસમાં જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. એક તરફ રાજ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે, તો બીજી તરફ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોને રમતગમત આધારિત અર્થવ્યવસ્થા સાથે જોડવાના પ્રયાસો પણ ઝડપી બન્યા છે. આ દિશામાં મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વિકસાવવામાં આવી રહેલું સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ હબ રાજ્યના વિકાસ મોડલનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.
VGRC મધ્ય ગુજરાતમાં શું થશે વિશેષ?
વડોદરાની GSFC યુનિવર્સિટીમાં 29 અને 30 જૂન, 2026 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબને વિશેષરૂપે રજૂ કરવામાં આવશે. રોકાણકારો સમક્ષ જિલ્લામાં ઉપલબ્ધ બાંબૂ સંસાધન, કુશળ માનવશક્તિ, સંભવિત ક્લસ્ટર વિકાસ અને વૈશ્વિક બજાર સાથે જોડાણની તકો રજૂ કરવામાં આવશે.
આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ઉદ્યોગ સ્થાપવાનો નથી, પરંતુ આદિવાસી કૌશલ્યને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવાનો છે. બાંબૂથી લઈને બ્રાન્ડિંગ સુધીની સમગ્ર મૂલ્યશૃંખલા સ્થાનિક સ્તરે વિકસિત થાય તો છોટાઉદેપુર માત્ર ઉત્પાદન કેન્દ્ર નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્થાનિક રોજગારી અને આત્મનિર્ભર અર્થતંત્રનું સફળ મોડલ બની શકે છે.
શું છે છોટાઉદેપુર મોડલ?
છોટાઉદેપુર જિલ્લો લાંબા સમયથી બાંબૂ હસ્તકલા, લાકડાકામ અને પરંપરાગત કારીગરી માટે ઓળખાય છે. હવે આ જ પરંપરાગત કૌશલ્યને આધુનિક ડિઝાઇન, ટેકનોલોજી અને વૈશ્વિક બજારની જરૂરિયાતો સાથે જોડીને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
વિશ્વમાં પર્યાવરણમિત્ર અને ટકાઉ ઉત્પાદનોની માંગ ઝડપથી વધી રહી છે. ક્રિકેટ બેટ, સ્ટમ્પ્સ, ટ્રેનિંગ સાધનો, આઉટડોર ગેમ્સ એસેસરીઝ અને અન્ય અનેક સ્પોર્ટ્સ ઉત્પાદનોમાં બાંબૂ અને કુદરતી સામગ્રીના ઉપયોગની સંભાવનાઓ વધી રહી છે. છોટાઉદેપુર પાસે ઉપલબ્ધ કુદરતી સંસાધનો અને સ્થાનિક કારીગરોની કુશળતા આ તકને ઉદ્યોગમાં રૂપાંતરિત કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
છોટાઉદેપુર મોડેલની વિશેષતા એ છે કે અહીં “સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ” અને “કલ્ચરલ બ્રાન્ડિંગ” બંનેને એકસાથે આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બાંબૂ આધારિત ઉત્પાદન, હલકાં વજનવાળા મટિરિયલ્સ અને રિસાયક્લેબલ કોમ્પોનેન્ટ્સ જેવી સંકલ્પનાઓ હવે વૈશ્વિક રમતગમત ઉદ્યોગમાં મહત્વ મેળવી રહી છે. અંદાજ મુજબ 2024 માં USD 3.14 બિલિયન હતું અને 2030 સુધીમાં 10.7% ના CAGR પર વૃદ્ધિ પામવાનો અંદાજ છે. સેન્સર આધારિત બોલ, સ્માર્ટ રેકેટ અને વેરેબલ ફિટનેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ ઝડપી વૃદ્ધિ નોંધાઈ રહી છે.
શા માટે મહત્વપૂર્ણ છે આ પહેલ?
વર્ષ 2024માં વૈશ્વિક સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ બજારનું મૂલ્ય અંદાજે USD 407 બિલિયન નોંધાયું હતું. આગામી વર્ષોમાં પણ આ ક્ષેત્રમાં સતત વૃદ્ધિ થવાની ધારણા છે. ભારતમાં આજે 300થી વધુ પ્રકારના રમતગમત સાધનોનું ઉત્પાદન થાય છે. દેશનું સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ બજાર 2023માં અંદાજે USD 24.9 બિલિયન સુધી પહોંચ્યું હતું અને 2030 સુધી તેમાં 13 ટકાથી વધુ વાર્ષિક વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ પરિસ્થિતિમાં નવા ઉત્પાદન કેન્દ્રોની જરૂરિયાત ઊભી થઈ રહી છે. છોટાઉદેપુર તેમાંથી એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.
કોને મળશે લાભ?
આ પહેલનો સૌથી મોટો લાભ સ્થાનિક યુવાનો, મહિલાઓ, કારીગરો અને સૂક્ષ્મ-લઘુ ઉદ્યોગોને મળશે. કાચા માલના સોર્સિંગથી લઈને ઉત્પાદન, ડિઝાઇન, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં સ્થાનિક લોકોની ભાગીદારી વધશે.
આ સાથે સ્પોર્ટ્સ રિસર્ચ સેન્ટર, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, સ્પોર્ટ્સ ટૂરિઝમ ઝોન અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ જેવી સુવિધાઓ વિકસાવવાનો પણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજે 5 લાખથી વધુ લોકો હાલમાં દેશના રમતગમત અને સ્પોર્ટ્સ એપેરલ ક્ષેત્ર સાથે સીધી રીતે જોડાયેલા છે, ત્યારે છોટાઉદેપુર જેવા જિલ્લામાં આ ક્ષેત્ર સ્થાનિક રોજગારી અને ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપી શકે છે.
ગુજરાતનો રમતગમત વિકાસનો વ્યાપક દૃષ્ટિકોણ
રાજ્ય સરકાર રમતગમતને માત્ર સ્પર્ધા કે મનોરંજન તરીકે નહીં, પરંતુ વિકાસના મહત્વપૂર્ણ સાધન તરીકે પણ જોઈ રહી છે. ખેલ મહાકુંભ, ઇન-સ્કૂલ સ્પોર્ટ્સ કાર્યક્રમો અને ખેલાડીઓ માટે આધુનિક તાલીમ સુવિધાઓ દ્વારા ગુજરાતમાં રમતગમત સંસ્કૃતિને મજબૂત બનાવવામાં આવી રહી છે.
ખેલ મહાકુંભમાં વર્ષ 2010ના 16 લાખ સહભાગીઓની સરખામણીએ 2025-26 દરમિયાન ભાગીદારીનો આંકડો લગભગ 71 લાખ સુધી પહોંચ્યો છે. રાજ્યના 230થી વધુ શાળાઓમાં 1.21 લાખથી વધુ બાળકોને રમતગમત તાલીમ આપવામાં આવી રહી છે.
વર્ષ 2026-27ના રાજ્ય બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે રૂ. 1,331 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને વિશ્વ કક્ષાના રમતગમતની માળખાકીય સુવિધા અને આધુનિક પરિવહન સાથે વિકસાવવા માટે ₹1,278 કરોડથી વધુનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, ભાટ ખાતે પ્રસ્તાવિત ઓલિમ્પિક વિલેજ, નારણપુરાનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને કરાઈ ખાતે નિર્માણાધીન એથ્લેટિક્સ સ્ટેડિયમ જેવી સુવિધાઓ ગુજરાતના રમતગમત વિકાસના વ્યાપને દર્શાવે છે.
પરંપરા અને ટેકનોલોજી, કુદરતી સંસાધનો અને વૈશ્વિક બજાર, સ્થાનિક કારીગર અને આધુનિક ઉદ્યોગ - આ તમામને એકસાથે જોડતું છોટાઉદેપુરનું સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ ગુજરાતના વિકાસ પ્રવાસમાં એક નવી અને પ્રેરણાદાયી ગાથા લખવા તરફ આગળ વધી રહ્યું છે.