મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગર લોકભવનમાં શ્રીરામકથાનો ચોથો દિવસ: આચાર્ય કુલદીપજી મહારાજે પરિવારિક મૂલ્યો સમજાવ્યા

ગાંધીનગર લોકભવનમાં આચાર્ય કુલદીપજી મહારાજની શ્રીરામકથાનો ચોથો દિવસ. પરિવારિક સંબંધો અને સંસ્કારો પર સવિસ્તાર પ્રવચન.

ગાંધીનગર લોકભવનમાં શ્રીરામકથાનો ચોથો દિવસ: આચાર્ય કુલદીપજી મહારાજે પરિવારિક મૂલ્યો સમજાવ્યા

ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના ચોથા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ-જાનકી વિવાહ બાદ અયોધ્યા વાપસી, રાજ્યાભિષેકની તૈયારીઓ અને પરિવારિક મૂલ્યો પર સવિસ્તાર પ્રવચન આપ્યું હતું.

 

આચાર્યશ્રીએ રાજા દશરથ અને ત્રણેય રાણીઓના સંવાદનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું હતું કે, જ્યારે પુત્રવધૂઓનું અયોધ્યા આગમન થયું ત્યારે રાજા દશરથે રાણીઓને ઉપદેશ આપ્યો કે, પુત્રવધૂઓ સાથે માત્ર દીકરી જેવો નહીં, પરંતુ આંખ અને પાંપણ વચ્ચે જેવો સંબંધ છે તેવો વ્યવહાર રાખવો. જેવી રીતે પાંપણ આંખને અત્યંત કોમળ સ્પર્શ કરે છે અને રક્ષણ આપે છે, તેવી જ કોમળતાથી પરિવારના સભ્યોએ એકબીજા સાથે વ્યવહાર કરવો જોઈએ. આચાર્યશ્રીએ અપીલ કરી હતી કે, માત્ર પુત્રવધૂ પર જ ઘરની જવાબદારી ન નાખવી, સાસુ-સસરા અને પતિએ પણ સંબંધોને નિભાવવા માટે સમાન પ્રયાસ કરવા જોઈએ, જેનાથી પરિવારમાં ભંગાણ ન પડે.

 

કથા દરમિયાન તેમણે સમજાવ્યું કે, સ્વર્ગ કોઈ આકાશમાં નથી, પરંતુ જે ઘરમાં લોકો એકબીજાનો આદર કરે છે અને પ્રેમથી રહે છે, તે ઘર જ સ્વર્ગ સમાન છે. તેમણે કહ્યું કે, જ્યાં એકબીજા સાથે દેવતુલ્ય વ્યવહાર કરવામાં આવતો હોય છે, ત્યાં સ્વર્ગનું નિર્માણ થાય છે.

 

મહારાજા દશરથ દ્વારા રાજસભામાં શ્રીરામના રાજ્યાભિષેકનો પ્રસ્તાવ લાવવામાં આવતા અયોધ્યાવાસીઓમાં આનંદની લહેર દોડી ગઈ હતી. આ પ્રસંગે આચાર્યશ્રીએ સમયના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, શુભ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ. જે કામ આજે કરવાનું છે તે અત્યારે જ કરી લેવું જોઈએ, કારણ કે કાલ આવશે ત્યારે સમય હાથમાંથી નીકળી ગયો હશે. તેમણે સત્સંગ અને કુસંગનો તફાવત સમજાવતા મંથરાને કુસંગનું પ્રતીક ગણાવી તેનાથી પોતાના પરિવારને હંમેશા સુરક્ષિત રાખવો જોઈએ તેમ ઉમેર્યું હતું.

 

ભજન અને રામચરિત માનસની ચોપાઈઓના ગાન દ્વારા આચાર્યશ્રીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર લોકભવનનું વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું.

 

આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ તથા ધર્મનંદન ડાયમંડના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલે દીપ પ્રાગટય તથા આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું.

 

લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર ડૉ. જગદીશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને નગરજનોએ ઉપસ્થિત રહી શ્રીરામકથાનું રસપાન કર્યું હતું.

Tags: રામચરિત માનસ પ્રવચન આચાર્ય દેવવ્રત રામકથા શ્રીરામકથા શ્રીરામકથા ગાંધીનગર સંસ્કાર અને સંબંધોનું મહત્વ ગુજરાતી ધાર્મિક સમાચાર લોકભવન ગાંધીનગર આચાર્ય કુલદીપજી મહારાજ આદર્શ પરિવારના પાઠ

સંબંધિત સમાચાર