આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરાની મુલાકાત દરમિયાન બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધન કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. 19 જાન્યુઆરી, 2026 ના રોજ યોજાયેલા આ સંમેલનમાં કેજરીવાલે સ્પષ્ટ કર્યું હતું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપના 30 વર્ષના અહંકારને તોડીને પરિવર્તન લાવશે.
આ સંમેલનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, અને ગોપાલ ઇટાલિયા સહિતના દિગ્ગજ નેતાઓ અને હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ, આરોગ્ય અને રોજગાર પર પ્રહારો
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, "ભાજપે જાણીજોઈને સરકારી શાળાઓ અને હોસ્પિટલો તોડી નાખી છે જેથી તેમના નેતાઓની પ્રાઈવેટ સંસ્થાઓ ચાલી શકે. યુવાનો નોકરી માંગે છે ત્યારે તેમના હાથમાં દારૂ અને ડ્રગ્સ પકડાવી દેવામાં આવે છે." તેમણે હરણી તળાવ દુર્ઘટનાનો ઉલ્લેખ કરી પીડિત પરિવારોને ન્યાય અપાવવાને બદલે તેમને ડરાવવા બદલ પોલીસ અને તંત્રની ટીકા કરી હતી.
આદિવાસી કલ્યાણ ફંડના દુરુપયોગનો આક્ષેપ
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આવતા કરોડો રૂપિયાના ફંડના દુરુપયોગ અંગે સવાલો ઉઠાવ્યા હતા. કેજરીવાલે ઉમેર્યું કે આદિવાસીઓના કલ્યાણ માટેના 50 કરોડ રૂપિયા સમોસા, ટેન્ટ અને બસો પાછળ ખર્ચી નાખવામાં આવ્યા, જેમાંથી ઘણી શાળાઓ બની શકી હોત.
'ડોર-ટુ-ડોર' કેમ્પેઈન અને સંગઠનનો હુંકાર
ગુજરાત પ્રભારી ગોપાલ રાય એ કાર્યકરોને હવે 'ડોર-ટુ-ડોર' અભિયાન તેજ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપને તેના સંગઠન પર જે ઘમંડ છે, તેને આમ આદમી પાર્ટીનું બૂથ સ્તરનું મજબૂત માળખું તોડી નાખશે. ઇસુદાન ગઢવીએ પણ કાર્યકરોને જેલ અને ખોટા કેસોથી ન ડરવા અને જનતાના હકની લડાઈ ચાલુ રાખવા આહવાન કર્યું હતું.