દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ આપવા માટે આગામી તા. ૧લી અને ૨જી મે ૨૦૨૬ના રોજ સુરતની ઑરો યુનિવર્સીટી ખાતે યોજાનાર ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)’ મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રયાસથી ટેક્સટાઈલ સહિતના મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ આકર્ષાશે, વૈશ્વિક ખરીદદારો અને સ્થાનિક ઉત્પાદકો વચ્ચે સીધી જોડાણ ક્ષમતા વધશે તેમજ નવી ટેક્નોલોજી અને ઇનોવેશનના આદાન-પ્રદાનથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે.
જેની માટીમાં વેપાર અને હવામાં સાહસ છે તેવું સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર મુઘલ કાળથી તેની ભૌગોલિક અને ઐતિહાસિક વિશેષતાના કારણે વિશ્વના વ્યાપાર
નકશા પર અંકિત થયું હતું. ૧૬મી સદીમાં એક સમૃદ્ધ બંદર તરીકે જાણીતું સુરત આજે ૨૧મી સદીમાં વિશ્વનું 'સિલ્ક સિટી' બની ગયું છે.
સુરતને 'સિલ્ક સિટી'નું બિરૂદ મળવા પાછળ એક સમૃદ્ધ ઇતિહાસ છે. સદીઓ પહેલા સુરત બંદરથી રેશમી કાપડનો વેપાર આરબ અને યુરોપના દેશોમાં થતો હતો. સુરતે રિયલ સિલ્કની સાથે મેન-મેડ ફાઇબર (MMF) એટલે કે આર્ટ-સિલ્કમાં મહારત હાંસલ કરી છે. ભારતમાં બનતા કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૯૦ ટકા ઉત્પાદન એકલું સુરત કરે છે, સિલ્કમાં સુરતની વ્યાપારી કુશળતા 'સિલ્ક સિટી'થી ખ્યાતનામ બન્યું છે. સુરતની ગલી-કૂંચીઓમાં જરી અને કોટનના લઘુ ઉદ્યોગથી થયેલી શરૂઆત આજે આધુનિક ટેકનોલોજી અને કુશળ
કાપડ ઉદ્યોગકારોના કારણે વૈશ્વિક ફલક પર વિસ્તર્યો છે.
સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગનો પાયો ૧૯મી સદીમાં નંખાયો હતો, જ્યાં ૧૮૬૬ થી ૧૮૮૧ દરમિયાન મિલો અને જિનિંગ ફેક્ટરીઓની શરૂઆત થઈ હતી. ૧૯૨૫માં ટેક્સટાઈલ એસેસરીઝના પ્રથમ કારખાના બાદ આજે આ શહેર ૨૪૦ ભવ્ય માર્કેટ્સ અને ૭૦ હજારથી વધુ વેપારીઓના વિશાળ નેટવર્કમાં પરિવર્તિત થયું છે. જે ઉદ્યોગ એક સમયે નાના પાયે શરૂ થયો હતો, તે આજે વાર્ષિક દોઢ લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને દેશના ખૂણેખૂણેથી ઉદ્યોગપતિઓ માટે રોકાણની પ્રથમ પસંદગી બન્યું છે. હાલમાં આ સેક્ટર અંદાજિત ૧૮થી ૨૦ લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડી રહ્યું છે.
સુરત અને દક્ષિણ ગુજરાતનો ટેક્સટાઈલ ઉદ્યોગ રાજ્યના GDPમાં ૨૫ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. એટલે જ દક્ષિણ ગુજરાતનો ટેક્સટાઈલ ઉદ્યોગ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથનું એન્જિન છે. વિશ્વના કુલ કાપડ ઉત્પાદનમાં ૩૦ ટકા અને મેન-મેડ ફાઈબર ક્ષેત્રે ભારતનો ૬૫ ટકા હિસ્સો એકલા સુરતનો છે. સરળ શબ્દોમાં કહીએ તો દરરોજ પૃથ્વીના બે ચક્કર લગાવી શકાય તેટલું એટલે કે ૬ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. સુરતમાં ધમધમતા ૬૦૦થી વધુ પ્રોસેસ હાઉસ અને લાખો
પાવરલૂમ્સને કારણે સુરત સાડીઓથી લઈને દેશના તિરંગા અને હાઈ-એન્ડ ફેશન ગારમેન્ટ્સનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની વ્યાપકતા તેની મજબૂત સપ્લાય ચેઈન અને આધુનિક ઉત્પાદન ક્ષમતામાં રહેલી છે. અહીંની માર્કેટોમાંથી ૫૦૦થી વધુ ટ્રાન્સપોર્ટરો દ્વારા દરરોજ લાખો પાર્સલ રોડ, રેલવે અને એર કાર્ગો મારફતે વિશ્વભરમાં મોકલવામાં આવે છે.
સ્પિનિંગથી લઈને નીટિંગ સુધીની વેલ્યુ ચેઈનમાં ગુજરાત અને સુરત આજે ૯૦ ટકા MMF (મેન-મેડ ફાઈબર) કાપડનું ઉત્પાદન કરે છે. સુરતનું નીટેડ ફેબ્રિક વૈશ્વિક ફલક પર ચમકી રહ્યું છે. અમેરિકા, ઈઝરાયેલ અને ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશો સુરતના નીટેડ ફેબ્રિક (ટેકનિકલ ટેક્સટાઈલ્સ)ના મુરીદ (ચાકહ) છે. આ ઉપરાંત, સુરતમાં બનેલી સ્પોર્ટ્સ જર્સીની ઓલિમ્પિક અને IPL જેવી વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓમાં પણ ભારે માંગ રહે છે.
બુલેટ ટ્રેન, કોસ્ટલ રોડ અને નવસારીના પીએમ મિત્ર પાર્ક જેવા પ્રોજેક્ટ્સ સહિત ટેકનોલોજી અપગ્રેડેશન માટે મળતી સહાય ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આગામી તા.૧લી અને ૨જી મે ના રોજ સુરત ખાતે યોજાનાર 'રિઝનલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ' થી સુરતના ટેક્સટાઈલ સેક્ટરમાં મોટા પાયે વિદેશી રોકાણ (FDI) આકર્ષાશે, આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધું નેટવર્કિંગ વધશે અને નવીનતમ ટેકનોલોજીના આદાન-પ્રદાનથી સ્થાનિક ઉત્પાદકો વૈશ્વિક સ્પર્ધામાં વધુ મજબૂત બનશે, જે આખરે સુરતને વિશ્વના અગ્રણી ટેક્સટાઈલ હબ તરીકેની છબીને વધુ મજબૂત બનાવશે.
આમ, ઐતિહાસિક વિરાસત અને આધુનિક વિકાસનો સંગમ જ્યાં થયો છે એવા ૧૬મી સદીના અગ્રણી વેપારી મથક અને સમૃદ્ધ બંદર સુરતે હવે 'સિલ્ક સિટી' ના રૂપમાં વૈશ્વિક ઓળખ મેળવી છે.
ટેક્સટાઈલ પોલિસી હેઠળ સુરતના ઉદ્યોગોને સબસિડીનું પ્રોત્સાહન
ગુજરાત ટેક્સટાઈલ પોલિસી- ૨૦૧૯ અંતર્ગત સુરત જિલ્લાના ઉદ્યોગોને અભૂતપૂર્વ વેગ મળ્યો છે, જેમાં અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૩૨૫.૮૭ કરોડની સબસિડી ચૂકવવામાં આવી છે. આ પોલિસી હેઠળ નવા અને વિસ્તરણ પામતા એકમોને ૬ ટકા સુધીની વ્યાજ સહાય, વિવિંગ અને નીટિંગ એકમોને વીજ બિલમાં પ્રતિ યુનિટ રૂ.૨થી ૩ની રાહત તેમજ ટેકનિકલ ટેક્સટાઈલ માટે મૂડી રોકાણ સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, ટેક્સટાઈલ પાર્ક્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ સુરક્ષા માટે CETP પ્લાન્ટ્સ સ્થાપવા મોટી આર્થિક મદદ મળતા સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ વધુ આધુનિક, પ્રદૂષણમુક્ત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બન્યો છે.
ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગને ગ્લોબલી કેપેબલ બનાવવા સરકારનો માસ્ટરપ્લાન
રાજ્યના ટેક્સટાઈલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધા નવી 'ટેક્સટાઈલ પોલિસી- ૨૦૨૪' અમલી બની છે. આ પોલિસી હેઠળ નવા એકમોને ૧૦ થી ૩૫ ટકા સુધીની કેપિટલ સબસિડી તેમજ વેલ્યુ એડિશન ચેઈન દ્વારા છેવાડાના ગામડાઓ સુધી રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે. યુરોપ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અને અમેરિકામાં ટેરિફ ઘટાડાથી સુરતના ગારમેન્ટ એક્સપોર્ટ માટે નવા વૈશ્વિક બજારો ખૂલ્યા છે.


