'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સાકાર કરતા ભારત સરકારના 'યુવા સંગમ તબક્કા-૬' કાર્યક્રમ અંતર્ગતના ૫૭ યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પનાને સાકાર કરતા આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ માત્ર ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ઉદ્યોગોથી નથી થતું, પરંતુ તે દેશના વીર નાગરિકો અને યુવા પેઢીના વિચારોથી થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માણસના જીવનમાં વિચારની શક્તિ સૌથી મોટી છે. જ્યારે યુવા પેઢી સંસ્કારયુક્ત વિચારધારા અને કર્તવ્યનિષ્ઠા સાથે જોડાય છે, ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બને છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવા આહવાન કરતા રાજ્યપાલશ્રીએ યુવાનોને સમજાવ્યું કે, આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે જ્યાં આવનારી પેઢી ગર્વ અને સન્માન સાથે જીવી શકે. તેમણે જાપાનના વૈજ્ઞાનિકો અને ત્યાંની યુવા પેઢીના દેશપ્રેમના ઉદાહરણો આપીને સમજાવ્યું કે, જ્યારે નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના હોય, ત્યારે જ દેશ મહાસત્તા બની શકે છે. રાજ્યપાલશ્રીએ યુવાનોને રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં સહભાગી થવા તથા દેશની વિવિધતામાં રહેલી એકતાને આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો.
પોતાના વ્યક્તિગત અનુભવો વર્ણવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, તેઓ રાજ્યમાં પ્રવાસ દરમિયાન એસ.ટી. બસ કે ટ્રેનનો ઉપયોગ કરે છે જેથી સંસાધનોની બચત થાય અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ સાધી શકાય. તેમણે યુવાનોને અપીલ કરી હતી કે તેઓ પણ જીવનમાં સાદગી અપનાવે, વડીલોનો આદર કરે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે. તેમણે પર્યાવરણ જાળવણી માટે 'એક પેડ મા કે નામ' અભિયાનમાં જોડાવા માટે પણ પ્રેરણા આપી હતી.
આઈ.આઈ.એમ. અમદાવાદના મુખ્ય વહીવટી અધિકારી કર્નલ ડૉ.જગદીશ જોશી (નિવૃત્ત)એ 'યુવા સંગમ-૬'ની રૂપરેખા આપતા જણાવ્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત અને ઓડિશાના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીના આદાન-પ્રદાન દ્વારા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. પ્રતિનિધિમંડળના સભ્યોએ ગુજરાતના વિવિધ ઐતિહાસિક અને વિકાસલક્ષી સ્થળોની મુલાકાત લીધી છે અને ગુજરાતની સંસ્કૃતિ તથા પરંપરાઓનો અનુભવ મેળવ્યો છે.