કચ્છ (Kutch) જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ (IAS) દ્વારા પ્રજાહિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશલપરથી હાજીપીર (Hajipir) સુધીના માર્ગ પર ભારે અને અતિભારે વાહનોની અવરજવર પર આગામી ચાર મહિના માટે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
વાહનચાલકો ધ્યાન આપે: દેશલપર-હાજીપીર માર્ગ 20 મે, 2026 સુધી બંધ
કચ્છ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગના સૂચનોને ધ્યાને રાખીને વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે. દેશલપર-હાજીપીર રોડ (કિ.મી. 0/0 થી 32/0 સુધી) પર હવે માત્ર હળવા વાહનો જ અવરજવર કરી શકશે.
મુખ્ય વિગતો:
સમયગાળો: આ પ્રતિબંધ 20 મે, 2026 સુધી અમલી રહેશે.
પ્રતિબંધિત વાહનો: મોટર વ્હીકલ એક્ટ મુજબના તમામ ભારે અને અતિભારે વાહનો.
મુક્તિ: સરકારી વાહનો, સરકારી કામગીરીમાં રોકાયેલા વાહનો અને સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત વાહનોને આમાંથી મુક્તિ મળશે.
મુસાફરો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા
ભારે વાહનોના ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા નીચે મુજબના ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે:
ઝખૌ પોર્ટ (Jakhau Port) તરફ જવા માટે: હાજીપીર - ઝારા - લાખાપર - ઘુડલી - દોલતપર - બંરડા - વાયોર - નલીયા - ઝખૌ પોર્ટ રોડ.
ભુજ (Bhuj) તરફ જવા માટે: હાજીપીર - લુણા - ભીટારા - ધોરડો - લુડીયા - ભીંડીયારા - ભુજ - શેખપીર રોડ.
સણોસરા રેલ્વે સ્ટેશન (Sanosara) તરફ જવા માટે: હાજીપીર - નરા ફાટક - દયાપર - માતાનામઢ - મંગવાણા - સણોસરા રેલ્વે સ્ટેશન રોડ.
કડક કાર્યવાહીની ચેતવણી
આ જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના દરજ્જાના અધિકારીઓને આ અંગે સત્તા સોંપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગને આ માર્ગો પર જરૂરી સાઈન બોર્ડ લગાવવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.