વિશ્વની સૌથી વિશાળ અને દુર્લભ પ્રજાતિની માછલી અને રાજ્યના દરિયાઈ પ્રાણીના ગૌરવ સમાન વ્હેલ શાર્ક માછલીના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્યના વનવિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસો તેમજ ટાટા કેમિકલ્સના સહયોગ તેમજ સાગરખેડૂ સમાજના સાથ- સહકારના માધ્યમથી પ્રયાસ થઈ રહ્યાં છે.
જે ઉપક્રમે વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એવા હેતુસર રામેશ્વર મંદિર ભીડિયા ખાતે ૧૭માં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય વન સંરક્ષણ અધિકારી શ્રી મનીશ્વર રાજાએ જણાવ્યું હતું કે, નાગરિકો દ્વારા પણ વ્હેલશાર્કને બચાવવામાં સહભાગીદારી નોંધાઈ છે અને સરકાર દ્વારા પણ પ્રાથમિકતા આપી વ્હેલશાર્ક બચાવ અભિયાનની જાગૃતિ વેગવંતી બનાવવામાં આવી છે. જેના થકી આ પ્રોજેક્ટની ફળશ્રુતિ મળી રહી છે.
વર્ષ ૨૦૦૪થી લઈને અત્યાર સુધી આ માછલીને બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં છે. સાગરખેડૂઓ દ્વારા વ્હેલશાર્કને બચાવવામાં આવે છે. જેનું પૂરતું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. સૌના સહિયારા પ્રયાસથી વ્હેલશાર્કને વ્હાલી દીકરી સમજી અને આ પ્રજાતિને બચાવવી એ આપણી નૈતિક ફરજ છે આમ જણાવી તેમણે ભવિષ્યમાં વ્હેલશાર્ક બચાવવા અંગે શિબિરોના આયોજન સહિતની માહિતી આપી હતી.


