મુખ્ય સામગ્રી પર જાઓ

2 દિવસના વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી: ડો. કરન બારોટ, પ્રદેશ સંગઠન મંત્રી AAP

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે અમદાવાદમાં રોડ-રસ્તાની ખરાબ ગુણવત્તા અને પીવાના પાણીમાં ગટરના પાણીના મિશ્રણ અંગે તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે 'સ્માર્ટ સિટી'નો દાવો ફક્ત કાગળ પર જ સીમિત છે.

2 દિવસના વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી: ડો. કરન બારોટ, પ્રદેશ સંગઠન મંત્રી AAP

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, આજે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે અને અમદાવાદના વિકાસ મોડલને સમગ્ર ગુજરાત સામે રજૂ કરવામાં આવે છે પરંતુ વિકાસ ફક્ત કાગળ પર છે. અમદાવાદમાં બે દિવસનો વરસાદ પડ્યો અને એમાં રોડ ધસી પડ્યા, મોટા મોટા ભુવા પડ્યા, કરોડોના ખર્ચે બનાવેલા રોડ તૂટી ગયા અને એના કારણે કોર્પોરેશનની પોલ ખુલી ગઈ. કોર્પોરેશન દ્વારા ડઝનો મીટીંગ કરવામાં આવી પરંતુ આયોજન અને અમલીકરણમાં ખૂબ જ અંતર જોવા મળ્યું, જાહેરાતો અને મિટિંગ થઈ પરંતુ જવાબદારી અને ગુણવત્તા સુનિશ્ચિત ન થઈ.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડો.કરન બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે, ગોતામાં લોકો આજ કારણથી હોસ્પિટલમાં એડમિટ થયા. એ સમસ્યા આજે પણ છે અને નિકોલ, ઓઢવ સહિત ઘણી બધી જગ્યાએ પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે. વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ લોકોએ આજે પોતાના પૈસે પાણી ખરીદીને પીવું પડે છે, તો મોટી મોટી વિકાસની વાતોનો અર્થ શું? આજે લોકોની ગાડીઓના મેમો પર મેમો આવે છે, કોઈ કોમ્પ્લેક્સની બહારના વિસ્તારમાં પટ્ટાની અંદર જો ગાડી ઉભી હોય તો પણ મેમો આવે છે, ત્યાં આજુબાજુમાં પાર્કિંગની સુવિધા ન હોય તો પછી લોકો પોતાની ગાડીઓ મૂકશે ક્યાં? કોર્પોરેશન સમક્ષ અમારી માંગણી છે કે રોડ રસ્તાની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે અને પીવાના પાણીની પાઇપલાઇનની નિયમિત ચકાસણી કરવામાં આવે. જ્યાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે ત્યાં ટેસ્ટીંગ કરીને સમસ્યાનું સમાધાન લાવવામાં આવે. અમદાવાદમાં આટલી બધી સમસ્યાઓ માટે જે જવાબદાર અધિકારીઓ છે એમના પર કાર્યવાહી કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના લોકોની મૂળભૂત સુવિધાઓ આપીને વિકાસની શરૂઆત કરે અને ખરેખર અમદાવાદમાં વિકાસ થયો છે એવું દેખાડીને બતાવે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત કોર્પોરેશન કરન બારોટ સ્માર્ટ સિટી

સંબંધિત સમાચાર