અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઇએ જણાવ્યું હતું કે ભારતમાં ફરીથી NEETનું પેપર લીક થયું અને તેના કારણે આજે તે પરીક્ષા રદ કરવામાં આવી છે. જેના કારણે પરીક્ષાની તૈયારી કરેલા 23 લાખથી વધુ વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. તેમના પરિવારે વિદ્યાર્થીઓ પાછળ પોતાનો સમય, પૈસા અને મહેનત બધું જ રોકાણ કર્યું હતું, પરંતુ આજે એ બધું શૂન્ય થઈ ગયું છે. ઘણા ગરીબ પરિવારો વ્યાજે પૈસા લઈને, લોન લઈને અને પોતાની મૂડી વેચીને બાળકોની ફી ભરે છે, પરંતુ આજે તેમના તમામ સપનાઓ તૂટી ગયા છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે, પરંતુ આજે તે વિદ્યાર્થીઓને જવાબ આપવાની સ્થિતિમાં નથી. આ પહેલી વખત NEETનું પેપર લીક થયું નથી. વર્ષ 2017, 2021 અને 2024માં પણ NEETનું પેપર લીક થયું હતું. ત્યારે પ્રશ્ન એ છે કે આ પેપર લીકના આરોપીઓમાંથી કેટલાને પકડવામાં આવ્યા અને કેટલાને સજા આપવામાં આવી? જો તે સમયે કડક કાર્યવાહી અને દાખલો બેસાડવામાં આવ્યો હોત તો આજે વિદ્યાર્થીઓને આ હાલાકી ભોગવવાનો વારો ન આવ્યો હોત. ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા દસ વર્ષમાં અંદાજિત 34 જેટલા પેપરો ફૂટ્યા છે. એટલે ગુજરાતની જનતાને તો આ પરિસ્થિતિ માટે ટેવાઈ જવા મજબૂર કરવામાં આવી છે. હવે આ મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી રહ્યું છે.
’આપ’ નેતા ગૌરી દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે સૌથી મોટી વાત એ છે કે આ NEET પેપર લીક કાંડમાં જે વ્યક્તિનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે તે ભારતીય જનતા પાર્ટીનો રાજસ્થાનનો પદાધિકારી હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી તેમજ અન્ય મોટા અધિકારીઓએ પણ આ બાબત જાહેર કરી છે. એટલે જ્યાં જ્યાં આવા કૌભાંડો સામે આવે છે ત્યાં આરોપીઓ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા જ જોવા મળે છે. ભાજપ કહે છે કે કોઈને છોડવામાં નહીં આવે, પરંતુ પછી સજા કેમ નથી થતી? કારણ કે આવા કૃત્યોમાં સંડોવાયેલા લોકો ભાજપના હોદેદારો કે ભાજપ સાથે જોડાયેલા લોકો જ હોય છે. તેમણે માંગણી કરી હતી કે 23 લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના જે સપનાઓ તૂટી ગયા છે, તેના જવાબદાર આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. માત્ર કાગળ પરની કાર્યવાહી કે ભાષણોથી નહીં, પરંતુ ખરા અર્થમાં દાખલો બેસાડવામાં આવે તેવી કાર્યવાહી થવી જોઈએ. આવા આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવે અને એવી સજા કરવામાં આવે કે આવનારા સમયમાં કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતા પહેલાં દસ વખત વિચાર કરે. વર્ષોથી તૈયારી કરનારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સપનાઓ સાથે થયેલો ખેલ નાની બાબત નથી. તેથી આ કેસમાં એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં આ છેલ્લું પેપર લીક કાંડ સાબિત થાય.