મુખ્ય સામગ્રી પર જાઓ

30 લાખનું પેકેજ ધરાવતા યુવકે લગ્ન બાદ નોકરી ન કરવા ઈચ્છતી યુવતીનું માગું ઠુકરાવ્યું, સોશિયલ મીડિયા પર છેડાઈ ચર્ચા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લગ્ન પ્રસ્તાવ તૂટવાની ઘટનાએ આજકાલ નવી ચર્ચા જગાવી છે. વાર્ષિક 30 લાખ રૂપિયા કમાતા એક યુવકે લગ્ન બાદ નોકરી છોડવા માંગતી યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી, જેના પર યુવતીએ તેને સંકુચિત માનસિકતા ધરાવતો ગણાવ્યો હતો. આ મામલે હવે ઈન્ટરનેટ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.

લગ્ન બાદ નોકરી અને કરિયરની પસંદગી બાબતે વાતચીત કરતા યુવક અને યુવતીનું પ્રતીકાત્મક ચિત્ર
સોશિયલ મીડિયા પર એક લગ્ન પ્રસ્તાવ તૂટવાની ઘટના વાયરલ થઈ છે, જેમાં 30 લાખ કમાતા યુવકે વર્કિંગ પાર્ટનરની ઈચ્છા વ્યક્ત કરતા વિવાદ સર્જાયો હતો.

30 લાખ કમાતા યુવકે 'વર્કિંગ પાર્ટનર'ની માંગણી મૂકી તો યુવતી ભડકી, લગ્ન તૂટતા સોશિયલ મીડિયા પર છેડાયું મહાભારત

આજના સમયમાં લગ્ન માટે માત્ર કુંડળી કે પરિવાર મળવો પૂરતો નથી, પરંતુ બંને પાત્રોના વિચારો અને કરિયર પ્રત્યેનો અભિગમ મળવો પણ એટલો જ જરૂરી બની ગયો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે આર્થિક સ્વતંત્રતા, જેન્ડર રોલ્સ અને પાર્ટનરની પસંદગીના અધિકાર પર એક મોટી ચર્ચા શરૂ કરી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

આ વિવાદની શરૂઆત શીતલ રિઝવાણી નામની એક X યુઝરની પોસ્ટથી થઈ હતી. શીતલે પોતાના એક મિત્રનો અનુભવ શેર કર્યો હતો, જે વાર્ષિક અંદાજે 30 લાખ રૂપિયા (LPA) કમાય છે. પોસ્ટ મુજબ, આ યુવક માટે લગ્નની વાત ચાલી રહી હતી. વાતચીત દરમિયાન યુવકને જાણવા મળ્યું કે સામેવાળી યુવતી હાલમાં નોકરી તો કરે છે, પરંતુ લગ્ન પછી તે નોકરી કરવા માંગતી નથી. યુવકની સ્પષ્ટ ઈચ્છા હતી કે તેની જીવનસાથી વર્કિંગ (કામકાજી) હોય. વિચારોમાં આ તફાવત જણાતા યુવકે આ સંબંધને આગળ ન વધારવાનો નિર્ણય લીધો હતો.

યુવતીએ યુવકની વિચારસરણીને 'સંકુચિત' ગણાવી

જ્યારે યુવકે પોતાની પસંદગી સ્પષ્ટ કરી, ત્યારે યુવતી આ વાતથી ખૂબ નારાજ થઈ ગઈ હતી. શીતલની પોસ્ટ અનુસાર, યુવતીએ યુવક પર 'એન્ટી-ફેમિનિસ્ટ' (નારીવાદ વિરોધી) અને પછાત માનસિકતા ધરાવવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીનું કહેવું હતું કે યુવક પોતાની ભાવિ પત્નીની પસંદગીઓ પર નિયંત્રણ રાખવા માંગે છે. એટલું જ નહીં, યુવતીએ પોતાના પરિવારને પણ એમ કહ્યું કે છોકરો સંકુચિત વિચારો ધરાવે છે, તેને વાત કરવાની તમીઝ નથી અને મહિલાઓ સાથે કેવી રીતે વાત કરવી તેની સમજ નથી.

બંને પરિવારો વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં પણ તણાવ

આ વિવાદ માત્ર છોકરા અને છોકરી પૂરતો સીમિત ન રહ્યો. યુવતીએ આ વાત પોતાના ઘરમાં કરતા વાત વણસી હતી, જેના કારણે યુવકનો પરિવાર પણ ઘણો દુઃખી થયો હતો. શીતલે જણાવ્યું કે આ બંને પરિવારો વચ્ચે વર્ષોથી વ્યાપારિક સંબંધો પણ હતા, જેના કારણે આખી પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ ગઈ હતી. શીતલે પોસ્ટના અંતે એક વેધક સવાલ ઉઠાવતા લખ્યું કે, "શું પોતાની પસંદગી રાખવી એ વ્યક્તિગત અધિકાર નથી? જો યુવતીને નોકરી ન કરવાની પસંદગી કરવાનો હક છે, તો યુવકને વર્કિંગ પાર્ટનર પસંદ કરવાનો હક કેમ નહીં?"

સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાયા

આ પોસ્ટ વાયરલ થતા જ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. મોટાભાગના યુઝર્સે યુવકના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. લોકોનું માનવું છે કે આજના મોંઘવારીના સમયમાં ડ્યુઅલ-ઈન્કમ (પતિ-પત્ની બંને કમાતા હોય) પરિવારની ઈચ્છા રાખવી એ કોઈ ગુનો નથી, પરંતુ એક વ્યક્તિગત પસંદગી છે.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, "હું દ્રઢપણે માનું છું કે દરેક પુખ્ત વ્યક્તિ, ભલે તે પુરુષ હોય કે સ્ત્રી, અભ્યાસ પૂર્ણ કર્યા પછી આર્થિક રીતે પગભર હોવી જોઈએ. આ સાથે જ તેને રસોઈ અને ઘરની સાફ-સફાઈ પણ આવડવી જોઈએ. આમાં સ્ત્રી કે પુરુષ જેવો કોઈ ભેદ ન હોવો જોઈએ."

જ્યારે અન્ય એક યુઝરે ખૂબ જ સચોટ વાત લખી કે, "જો યુવતી લગ્ન પછી કામ ન કરવાનો નિર્ણય લઈ શકે છે, તો યુવક પણ એવી પાર્ટનર પસંદ કરી શકે છે જે કામ કરવા માંગતી હોય. આમાં ખોટું શું છે?" ત્રીજા એક યુઝરે આર્થિક પાસું રજૂ કરતા કહ્યું કે, "યુવક બિલકુલ સાચો છે. વર્તમાન અર્થવ્યવસ્થામાં જો તમારે સારી લાઈફસ્ટાઈલ જાળવી રાખવી હોય, તો બંનેની કમાણી જરૂરી બની ગઈ છે."

Tags: Marriage Proposal Rejected Working Partner Preference Dual Income Household India Gujarati Viral News Viral X Post Marriage Debate Financial Independence Marriage

સંબંધિત સમાચાર