આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે એક નવી સ્કીમ બહાર પાડી હોય એવું અમને જાણવા મળ્યું છે, જેનું નામ છે “પોલીસ બુટલેગર ટાઇઅપ સ્કીમ”. તો આ પાછળ ઘટના એવી છે કે અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પીસીબી દ્વારા એક દારૂનો ટ્રક પકડવામાં આવ્યો, એ દારૂ ભરેલા ટ્રકમાંથી અડધો દારૂ બુટલેગરોને આપવામાં આવ્યો અને અમુક દારૂ ગોડાઉનમાં મૂકીને, એ દારૂ પીસીબી દ્વારા પકડવામાં આવ્યો. મતલબ કે અત્યાર સુધી જ્યારે પોલીસ દ્વારા દારૂ પકડવામાં આવતો હતો ત્યારે ગુજરાતની જનતા એવું વિચારી રહી હતી કે તમામ દારૂ પોલીસના કબજે આવ્યો પરંતુ આના અંદર પણ આવા સેટિંગ થાય છે એ આજે પહેલી વાર જાણવા મળ્યું છે. જો આવું થઈ રહ્યું છે તો આ ભાજપના ગાલ પર મોટો તમાચો છે અને આના પર મોટી તપાસ કરવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે આની આજુબાજુના લગતા તમામ સીસીટીવી કેમેરા પણ ચેક કરીને જોવું જોઈએ કે આવી ઘટના અમદાવાદમાં બની છે કે નહીં અને આની પાછળ કોણ કોણ લોકો જવાબદાર છે.
વધુમાં AAP યુવા નેતા ડો. કરન બારોટે જણાવ્યું હતું કે, સરકારની નિયતમાં ખોટ છે, એ તો સાફ રીતે દેખાઈ રહ્યું છે. આજથી બે દિવસ પહેલા સાણંદ ખાતે એક આઇસર ઉંધી પડે છે અને એની અંદર દારૂ પડેલો હોય છે. એ દારૂ રાજસ્થાનથી સાણંદ સુધી આવી જાય છે તેમ છતાં પણ પોલીસને ખબર નથી હોતી. જેવી રીતે ઈન્ડિગો ફ્લાઈટની ક્રાઈસીસ થઈ હતી, એવી રીતે ગુજરાતમાં દારૂની ક્રાઈસીસ ચાલી રહી છે. 3,000ની બોટલ 5000, 7000 અને 10,000માં વેચાઈ રહી છે, બુટલેગરો બેફામ દારૂ વેચી રહ્યા છે, ડ્રગ્સ વેચી રહ્યા છે અને સરકારને આની ખબર ન હોય એવું બની જ ન શકે. આજે અન્ય રાજ્યો સાથે ગુજરાતને જોડતી બોર્ડર પર ઠેકાઓ કરોડોમાં વેચાય છે, ગુજરાતમાં દારૂની હેરાફેરી થાય છે અને 30 વર્ષથી ભાજપના રાજમાં આ કાળો કારોબાર ચાલે છે. આ બધામાં મોટા નેતાઓ અને મોટા આકાઓનો સપોર્ટ ન હોય તેવું બની જ ન શકે પરંતુ હવે ગુજરાતની જનતા જાણી ગઈ છે. ભાજપ સરકારની ઈચ્છા શક્તિ અને ભાજપની નિયત જનતા સામે આવી ગઈ છે કે ગુજરાતમાં ભાજપ યુવા ધનને બરબાદ કરવા માંગે છે પરંતુ હવે ગુજરાતની જનતા જાગશે અને સમય આવે ભાજપને જવાબ પણ આવશે.


