અમદાવાદ/ગુજરાત ; ખેડૂતોની માંગણીઓને મુદ્દે આવતીકાલે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા જશે. આ અંગે મીડિયા સાથે વાત કરતા AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂતો સાથે સતત અન્યાય કરી રહી છે. જેના વિરોધમાં અમે આંદોલન છેડ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કર્યા બાદ રાજ્ય સરકારે કડદા પ્રથા ઓફિશિયલી બંધ કરી. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં 9 કિસાન મહાપંચાયત કરી. સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 8000થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત પણ કરી. ખેડૂતોને લઇને અમારા 10 મુદ્દાઓને લઇને જે માંગણીઓ છે તે માટે ખેડૂતોનું હસ્તાક્ષર કેમ્પિંગ ચલાવવામાં આવ્યું હતું. ગામડે-ગામડે અને તાલુકે-તાલુકે જઇને અમારી ટીમે ખેડૂતોના હસ્તાક્ષર લીધા હતા. લગભગ 80 હજારથી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને 10 મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી જે 10 માંગ છે, પ્રથમ માંગ છે કે તમામ મંડીઓમાંથી “કડદા પ્રથા” તાત્કાલિક બંધ કરવી. કડદા કરનારાઓને જેલ ભેગા કરવામાં આવે. 2. ખેડૂતોના પાકને APMC માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. 3. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત / ભાગીયાઓને પંજાબ સરકારની જેમ, પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર આપવું અને એક મહિનામાં જ ચુકવવાની જોગવાઈ કરવામાં આવે. 4. ડેરીમાં પશુપાલકોને તમામ સંઘોમાં ભાવફેરનો હિસાબ સીધો તેમના ખાતામાં અને સમયસર આપવામાં આવે. 5. ખેડૂતોને દિવસમાં 12 કલાક મફત વીજળી આપવામાં આવે. 6. હડદડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. 7. તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા MSP (ન્યુનત્તમ આધારભાવ) પર કરવામાં આવે. 8. ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરાવવામાં આવે. 9. શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે. 10. CCI દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરને બદલે 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવે. આ માંગણીઓને લઈને મુખ્યમંત્રી પાસે અમે મળવાનો સમય માંગ્યો છે. આવતીકાલે બપોરે 12:00 વાગ્યે મારા સહિત ધારાસભ્ય અને અમારું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળવા જશે. મુખ્યમંત્રીને આ 10 માંગણી અંગે રજૂઆત કરીશું. ભાજપ જો આ માંગણી પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી આંદોલન છેડશે.


