અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ લોડિંગના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચતાં 09 સપ્ટેમ્બર 2026 ના રોજ એક જ દિવસમાં રેકૉર્ડ 91 રેક (3,847 વેગન) લોડ કર્યા. આ અમદાવાદ મંડળના પરિચાલન ઇતિહાસમાં એક દિવસમાં કરવામાં આવેલ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ છે. આ અગાઉ 05 સપ્ટેમ્બર 2026 ના રોજ મંડળે 85 રેક (3,580 વેગન) લોડ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. ફક્ત ચાર દિવસમાં પોતાના જ રેકૉર્ડને પાછળ છોડતાં અમદાવાદ મંડળે માલ લોડિંગના ક્ષેત્રમાં પોતાની કાર્યકુશળતા અને પ્રદર્શનમાં ઉલ્લેખનીય સુધારો નોંધાવ્યો છે.
મંડળ રેલવે પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં પ્રાપ્ત કરવામાં આવેલ આ સિદ્ધિ મંડળની સમગ્ર ટીમના શ્રેષ્ઠ સંકલન, કાર્યકુશળતા, સતર્કતા અને સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિની સાથે અમદાવાદ મંડળે માલ લોડિંગની વિવિધ શ્રેણીઓમાં પણ ઉલ્લેખનીય પ્રદર્શન નોંધાવ્યું છે.
09 સપ્ટેમ્બર 2026 ના રોજ નોંધાયેલ મુખ્ય સિદ્ધિઓ :
91 રેક/3,847 વેગન: એક જ દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ લોડિંગ નોંધાવતા નવો ઑલ-ટાઇમ રેકૉર્ડ઼ બનાવવામાં આવ્યો.
28 જમ્બો રેક: એક જ દિવસમાં સૌથી વધુ 28 જમ્બો રેક લોડ કરવામાં આવ્યા, જે મંડળના લોડિંગ પ્રદર્શનમાં એક નવું ઉચ્ચતર સ્તર છે.
47 કન્ટેનર રેક: કુલ 47 કન્ટેનર રેક લોડ કરવામાં આવ્યા, જેમાં 23 ડબલ-સ્ટેક કન્ટેનર રેક સામેલ છે. આ સિદ્ધિ માલ લોડિંગ ક્ષમતાના સૌથી વધુ અને કુશળ ઉપયોગને દર્શાવે છે.
19 ફર્ટિલાઈઝર રેક: ખેતી ક્ષેત્ર માટે ફર્ટિલાઈઝર્સની સમયસર આપૂર્તિ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી 19 ફર્ટિલાઈઝર રેકનું સફળતાપૂર્વક લોડિંગ કરવામાં આવ્યું.
8 મીઠા રેક: કુલ 8 મીઠાના રેક લોડ કરીને રવાના કરવામાં આવ્યા, જેનાથી સંબંધિત વિસ્તારોની માંગને પૂર્ણ કરવામાં સહાયતા મળી.
અમદાવાદ મંડળ દ્વારા નવા લોડિંગ રેકૉર્ડ સ્થાપિત કરવા એ મંડળની પરિચાલન ક્ષમતા, સંસાધનોનો અસરકારક ઉપયોગ તથા માલ પરિવહન સેવાઓને વધુ કુશળ બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ સિદ્ધિ ફક્ત મંડળ માટે ગૌરવનો જ વિષય નથી, પરંતુ માલ લોડિંગ ક્ષેત્રમાં પશ્ચિમ રેલવેના પ્રદર્શનને પણ વધુ સુદ્રઢતા આપે છે.
મંડળ રેલવે પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ આ ઉલ્લેખનીય સિદ્ધિ માટે અમદાવાદ મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વધામણી આપતાં કહ્યું કે આ સફળતા ટીમના સામૂહિક પ્રયત્નો, ઉત્તમ સંકલન અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનનું પરિણામ છે. મંડળ ભવિષ્યમાં પણ આ જ કાર્યકુશળતા અને સમર્પણની સાથે માલ લોડિંગના ક્ષેત્રમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.