અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટનામાં અમદાવાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નરોડા પાટિયા નજીક વાનને રોકી, પોલીસકર્મીઓને ધમકાવનારા બે માથાભારે શખ્સોને આખરે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ એક્સપ્રેસ દ્વારા સતત ફોલોઅપ કરવામાં આવ્યું હતું અને હવે આરોપીઓ પોલીસ ગ્રીફ્ટમાં હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટના 9 જૂનની રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ વાન સાથે બની હતી, જેને લઈને શહેરમાં ભારે ચકચાર મચી હતી.
અમદાવાદ એક્સપ્રેસને મળેલી વિગતો અનુસાર, વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે એક યુવક ચાલુ વાનની આગળ આવી તેને રોકવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં, ડ્રાઈવરની બારી પાસે જઈને તે પોલીસકર્મીઓને ધમકાવતો જોવા મળ્યો હતો. ડ્રાઈવર જ્યારે ગાડી આગળ વધારે છે ત્યારે પણ તે યુવક સાથે-સાથે ચાલીને દાદાગીરી કરવાનું ચાલુ રાખે છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગુનેગારોને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી હતી. અમદાવાદ એક્સપ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી બંને લુખ્ખા તત્વોની ઓળખ કરી તેમને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા છે.
શરૂઆતમાં, નરોડા પાટિયા પાસે કૃષ્ણનગર, નરોડા અને સરદારનગર એમ ત્રણ પોલીસ મથકોની હદ લાગતી હોવાથી આ વાન કયા મથકની છે તે અંગે થોડી ગૂંચવણ હતી. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ વાહન સૈજપુર-બોઘાના સ્ટેટ રિઝર્વ પોલીસ ગ્રુપનું હતું. નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી. વી. નાયકે અમદાવાદ એક્સપ્રેસને જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોમાં દેખાતી વાન નરોડા પોલીસ મથકની નહોતી, પરંતુ પોલીસકર્મીઓ સાથે થયેલી આ દાદાગીરીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઘટના દર્શાવે છે કે અમદાવાદ પોલીસ કોઈપણ ગુનેગારને બક્ષશે નહીં અને કાયદો-વ્યવસ્થા જાળવવા કટિબદ્ધ છે.