આણંદ : આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારત સરકારના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય (MOFPI) અંતર્ગત કાર્યરત ‘પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ’ (PMFME) યોજના હેઠળ જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આણંદ જિલ્લાના ૯ વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી એ આ સમગ્ર બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી યોજી હતી, જેમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉદ્યોગ સાહસિકો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો.
આ વર્ચ્યુઅલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, નાયબ બાગાયત નિયામક ડો. સ્મિતા પિલઈ તેમજ જિલ્લા કક્ષાની સમિતિના સભ્યો જોડાયા હતા. આ ઉપરાંત સંબંધિત ફાઈલના ડી.આર.પી. અને લાભાર્થીઓ પણ ઓનલાઇન માધ્યમથી સહભાગી થયા હતા.
કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આ બેઠક દરમિયાન પ્રોજેક્ટની વિગતોની સમીક્ષા કરી હતી અને જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં કાર્યરત અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગતા સાહસિકોને આ સરકારી યોજનાનો મહત્તમ લાભ લેવા માટે પ્રેરિત કર્યા હતા.
આ મંજૂર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં વિવિધ શ્રેણીના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે ફળ-શાકભાજી, મસાલા અને ડેરી આધારિત પ્રોડક્ટ્સ, ચોખા આધારિત ઉત્પાદનો જેવા કે પાપડ, મઠિયા, ચોળાફળી તેમજ રેડી-ટુ-ઈટ સ્નેક્સ, બેકરી પ્રોડક્ટ્સ અને ફ્રોઝન ફૂડ જેવા એકમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ યોજનાનો વ્યાપ અત્યંત વિસ્તૃત છે, જેમાં અનાજ પ્રોસેસિંગ હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, જુવાર, મકાઈ તેમજ પશુદાણ, મરઘા દાણ અને લઘુ વન પેદાશ જેવા તમામ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને આવરી લેવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫ ટકા અથવા વધુમાં વધુ ૧૦ લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે.
જે સાહસિકો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અથવા વધુ જાણકારી મેળવવા ઈચ્છતા હોય તેમણે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર ૪૨૭-૪૨૯, ચોથો માળ, જુના જિલ્લા સેવા સદન, આણંદનો રૂબરૂ સંપર્ક કરવા અથવા ફોન નંબર ૦૨૬૯૨-૨૬૨૦૨૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.