વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2026ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો માટે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોગથી સશક્ત પોલીસ દળ, સુરક્ષિત સમાજ અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે.રાષ્ટ્રની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ જનસેવામાં દિવસ-રાત કાર્યરત પોલીસ દળ આપણા સમાજની મજબૂત આધારશિલા છે. પોલીસ કર્મચારીઓ સતત પડકારજનક પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા હોવાથી તેમના શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન, તણાવ નિયંત્રણ અને કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર આ વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “Yoga for Healthy Ageing” ને અનુરૂપ યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગમય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસ દ્વારા યોગના વૈજ્ઞાનિક અને વ્યવહારુ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ અકાદમી, કરાઈના પ્રાચાર્યશ્રી ડૉ. લીના પાટીલે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસ પોલીસ દળને શારીરિક રીતે વધુ સશક્ત, માનસિક રીતે વધુ સતર્ક અને ભાવનાત્મક રીતે વધુ સંતુલિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઉપસ્થિત અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જવાનોમાં વિશેષ ઉત્સાહ અને સકારાત્મક ઊર્જાનો માહોલ જોવા મળ્યો હતો.ડીવાયએસપી શ્રી એન. પી. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2026 અંતર્ગત વિવિધ ક્ષેત્રો અને સંસ્થાઓમાં યોગ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડીને “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.