ફૈસલાબાદ: પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમએ (Babar Azam) શનિવારે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં એક જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) તેણે ૧૫,૦૦૦ રન પૂરા કર્યા છે, જેના થકી તે આ માઈલસ્ટોન સુધી પહોંચનારો માત્ર પાંચમો પાકિસ્તાન ક્રિકેટ ખેલાડી બન્યો છે. જોકે, તેની આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ આખી ટીમનું પ્રદર્શન છવાયેલું રહ્યું, કારણ કે પાકિસ્તાને સાત વિકેટે જીત મેળવીને ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમવાર વનડે શ્રેણી (૨-૧) જીતીને મોટો ઇતિહાસ રચ્યો છે.
જાણો બાબર આઝમનો નવો કીર્તિમાન
ફૈસલાબાદના ઇકબાલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ સિરીઝ-ડિસાઇડર મેચમાં, બાબર આઝમએ ૩૨ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન જ તેણે ૧૫ હજાર આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કર્યો હતો. જોકે, તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો અને ત્રીજા રન લેવાના પ્રયાસમાં સાઈમ અયૂબ સાથે ગેરસમજણ થતાં રનઆઉટ થઈ ગયો હતો.
આ સિદ્ધિ સાથે બાબર આઝમ હવે ઇન્ઝમામ-ઉલ-હક, યુનિસ ખાન, મોહમ્મદ યુસુફ અને જાવેદ મિયાંદાદ જેવા દિગ્ગજોની યાદીમાં સામેલ થઈ ગયો છે. બાબરનો રેકોર્ડ દર્શાવે છે કે, તેણે કુલ ૩૨૯ મેચોમાં ૪૫.૪૬ની સરેરાશથી ૧૫,૦૦૪ રન બનાવ્યા છે, જેમાં ૩૧ સદી અને ૧૦૪ અર્ધસદીનો સમાવેશ થાય છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૧૯૬ રનનો છે, જે તેની ક્લાસિકલ બેટિંગ શૈલીનો પુરાવો આપે છે.
શ્રેણી જીતનો પાયો નખાયો અબરારની ઘાતક બોલિંગથી
મેચની વાત કરીએ તો, પાકિસ્તાન ક્રિકેટના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સંપૂર્ણપણે સાચો સાબિત થયો. દક્ષિણ આફ્રિકાની શરૂઆત ક્વિન્ટન ડી કૉક અને લુઆન-ડ્રે પ્રેટોરિયસની ૭૨ રનની ભાગીદારીથી મજબૂત હતી. જોકે, તેમનો સ્કોર ૧૦૬/૨ હતો ત્યાંથી શરૂ થયેલો ધબડકો ૧૪૩ રનમાં સમેટાઈ ગયો.
લેગ સ્પિનર અબરાર અહેમદનો (Abrar Ahmed) સ્પેલ દક્ષિણ આફ્રિકાની મધ્યમ હરોળ માટે વિનાશક સાબિત થયો. તેણે મેથ્યુ બ્રીત્ઝકે, રુબિન હર્મન, ડોનોવન ફરેરા અને કોર્બિન બોશની વિકેટો ઝડપી. અબરારે ૧૦ ઓવરમાં માત્ર ૨૭ રન આપીને ૪ વિકેટ લઈને વિરોધી ટીમને ઘૂંટણિયે પાડી દીધું. મોહમ્મદ નવાઝ (૨/૩૧) અને સલમાન આઘા (૨/૧૮)એ પણ અબરારને અસરકારક સાથ આપ્યો, જેના કારણે ૩૭.૫ ઓવરમાં જ આફ્રિકન ટીમ ૧૪૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
સઈમ અયૂબની ધમાકેદાર ઇનિંગ્સ અને મેચનો અંત
નાના લક્ષ્યાંક ૧૪૪નો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ક્રિકેટની ટીમને ફખર ઝમાનના રૂપમાં શરૂઆતી ઝટકો લાગ્યો, જે શૂન્ય પર આઉટ થયો હતો. જોકે, યુવા ઓપનર સઈમ અયૂબએ (Saim Ayub) જવાબદારી સંભાળી. તેણે માત્ર ૭૦ બોલમાં ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૭ રનની આકર્ષક ઇનિંગ રમી હતી. અયૂબે બાબર આઝમ સાથે ૬૫ રનની મહત્ત્વની ભાગીદારી કરી, જેનાથી ઇનિંગ્સ સ્થિર થઈ.
બંને બેટ્સમેન આઉટ થયા પછી, મોહમ્મદ રિઝવાન (૩૨* રન) અને સલમાન આઘા (૫* રન)એ સરળતાથી બાકીનું લક્ષ્ય હાંસલ કર્યું અને માત્ર ૨૫ ઓવરમાં પાકિસ્તાનને ઐતિહાસિક શ્રેણી જીત અપાવી. પોતાની નિર્ણાયક બોલિંગ માટે અબરાર અહેમદને 'પ્લેયર ઑફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો.


