મુખ્ય સામગ્રી પર જાઓ

બગસરામાં કાળો કેર: ઘંટિયાણ ગામે સિંહણના હુમલામાં ૬ વર્ષના માસૂમનું મોત

અમરેલીના બગસરાના ઘંટિયાણ ગામે ૬ વર્ષના બાળકનું સિંહણના હુમલામાં મોત થયું છે. બાળકને ૧ કિમી દૂર ઢસડી જઈને કરવામાં આવેલા આ હુમલા બાદ સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા સિંહણને પકડવા માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

બગસરામાં કાળો કેર: ઘંટિયાણ ગામે સિંહણના હુમલામાં ૬ વર્ષના માસૂમનું મોત

અમરેલીના બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે વન્યજીવ સિંહણ દ્વારા એક માસૂમ બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવાની અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે.મળતી વિગતો મુજબ, ઘંટિયાણ ગામના ખેડૂત પારસભાઈ સોજીત્રાની વાડીમાં રહીને મજૂરી કામ કરતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારનો ૬ વર્ષનો માસૂમ બાળક દિનેશ વાડી વિસ્તારમાં હતો, ત્યારે અચાનક એક સિંહણે તેના પર હિંસક હુમલો કર્યો હતો. સિંહણ બાળકને આશરે એક કિલોમીટર દૂર ઘંટિયાણથી શોભાવડલા જવાના રસ્તા સુધી ઢસડી ગઈ હતી અને તેને ફાડી ખાધો હતો. વન્યજીવના આ હિચકારા હુમલામાં માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ કાફલો અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વન વિભાગ દ્વારા બાળક પર હુમલો કરનાર સિંહણને લોકેટ કરવા અને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

શ્રમિકો અને સ્થાનીય લોકોમાં ફફડાટ

છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાં વન્યપ્રાણીઓની અવરજવર અને હુમલાના કારણે ખાસ કરીને વાડી-ખેતરોમાં રહીને મજૂરી કરતા પરપ્રાંતિય શ્રમિકો અને સ્થાનિક ખેડૂતોમાં ભયનો માહોલ છે. સ્થાનીય લોકો દ્વારા વન વિભાગ પાસે માગ કરવામાં આવી છે કે આ માનવભક્ષી સિંહણને સત્વરે પકડી લેવામાં આવે જેથી અન્ય કોઈ જાનહાનિ અટકાવી શકાય.

Tags: બગસરા સિંહણ અમરેલી વન વિભાગ

સંબંધિત સમાચાર