રાજ્યના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે યોજાતો આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમ બાળકોને પોતાના વિસ્તારની સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને તેના વ્યવહારુ ઉકેલો રજૂ કરવાની અનોખી તક આપે છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ભારત સરકારના NCSTCના માર્ગદર્શન હેઠળ યોજાતા આ કાર્યક્રમમાં ગુજકોસ્ટ એ ગુજરાતમાં રાજ્યમાં કો-ઓર્ડિનેટર તરીકે આયોજન કરી રહ્યું છે. વર્ષ 2014થી રાજ્યમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ યોજાતા આ કાર્યક્રમથી હજારો વિદ્યાર્થીઓએ સંશોધન આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કરીને પોતાની વૈજ્ઞાનિક પ્રતિભા સાબિત કરી છે.
આ વર્ષે કોંગ્રેસની મુખ્ય થીમ "Science and Innovation for Sustainability" રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ કચરા વ્યવસ્થાપન, ઊર્જા, જળ સંરક્ષણ, ખોરાક-કૃષિ-આરોગ્ય તથા ભારતીય જ્ઞાન પરંપરા જેવા પાંચ મહત્વના વિષયોમાં પ્રોજેક્ટ તૈયાર કરી શકશે.
ધોરણ 6થી 12માં અભ્યાસ કરતા તેમજ શાળાની બહારના 10થી 17 વર્ષના વિદ્યાર્થીઓ પણ માર્ગદર્શક શિક્ષકના માર્ગદર્શન હેઠળ બે સભ્યોની ટીમ બનાવી ભાગ લઈ શકશે. જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ રાજ્ય કક્ષાએ અને ત્યાંથી 26 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે નોંધણી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે. ઓનલાઈન નોંધણી માટેની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2026 છે.
ગુજકોસ્ટ દ્વારા નવીન અને ઉપયોગી પ્રોજેક્ટ્સને Intellectual Property Facilitation Centre (IPFC) મારફતે પેટન્ટ, ડિઝાઇન અને કૉપિરાઇટ જેવી બૌદ્ધિક સંપદા સુરક્ષા મેળવવામાં પણ સહાય પૂરી પાડવામાં આવશે.
રાજ્યની તમામ શાળાઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે અપીલ છે.
*નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કૉંગ્રેસ – ઉડતી નજરે*
• કાર્યક્રમ: નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026
• આયોજક: NCSTC, ભારત સરકાર
• રાજ્ય સંયોજક: GUJCOST
• ઉંમર મર્યાદા: 10થી 17 વર્ષ
• ધોરણ: 6થી 12 તેમજ શાળાની બહારના વિદ્યાર્થીઓ
• ટીમ: બે વિદ્યાર્થીઓ + માર્ગદર્શક શિક્ષક
• મુખ્ય થીમ: Science and Innovation for Sustainability
• પેટા-થીમ: 5
• નોંધણી ફી: સંપૂર્ણ નિઃશુલ્ક
• છેલ્લી તારીખ: 15 ઓગસ્ટ, 2026
• રાજ્યમાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી: 26 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ
• વિશેષ લાભ: પેટન્ટ, ડિઝાઇન અને કૉપીરાઇટ માટે GUJCOST દ્વારા સહાય