મુખ્ય સામગ્રી પર જાઓ

બેચરાજી-રણુજ રેલ લાઇન: CRS દ્વારા સુરક્ષા નિરીક્ષણ શરૂ, ટૂંક સમયમાં મુસાફર ટ્રેનો દોડવાની આશા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના કટોસણ રોડ–રણુજ રેલખંડ પર પેસેન્જર ટ્રેનો દોડાવવાની લાંબા સમયની માંગ હવે પૂર્ણ થવાની દિશામાં છે. રેલવે સંરક્ષા આયુક્ત (CRS) દ્વારા આ રૂટનું ત્રણ દિવસીય સઘન સુરક્ષા નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

બેચરાજી-રણુજ રેલ લાઇન: CRS દ્વારા સુરક્ષા નિરીક્ષણ શરૂ, ટૂંક સમયમાં મુસાફર ટ્રેનો દોડવાની આશા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના કટોસણ રોડ–રણુજ રેલખંડ પર મુસાફર રેલ સેવાઓ શરૂ કરવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ તબક્કા રૂપે, રેલવે સંરક્ષા આયુક્ત (CRS) દ્વારા ત્રણ દિવસીય સંરક્ષા નિરીક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નિરીક્ષણના પ્રથમ દિવસે કટોસણ રોડથી બેચરાજી સુધીના આશરે 25 કિલોમીટર લાંબા રેલખંડનું સઘન અને વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે બેચરાજી સ્ટેશન પર મહેસાણાના માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રેલવે સંરક્ષા આયુક્ત (વેસ્ટર્ન સર્કલ) શ્રી ઈ. શ્રીનિવાસ અને અમદાવાદના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશનું સ્થાનિક નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ક્ષેત્રવાસીઓની લાંબા સમયથી પ્રતીક્ષિત માંગ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધેલા મહત્વપૂર્ણ પગલાં

માનનીય મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું કે, બેચરાજી અને આસપાસના વિસ્તારોના લોકો લાંબા સમયથી રેલ સેવાની માંગ કરી રહ્યા હતા, જેમાં કટોસણ, બેચરાજી અને ચાણસ્મા થઈને રણુજ સુધી જતો સર્ક્યુલર રૂટ પણ સામેલ છે. સ્થાનિક લોકોની માંગને ધ્યાનમાં રાખીને અમે રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ અનેક વખત તેમજ કમિટીમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. અમે આ માંગને પ્રાથમિકતા આપવા માટે વિનંતી કરી હતી, ત્યારબાદ અમને જાણ થઈ કે તેનું CRS નિરીક્ષણ થવાનું છે. આ બાબત ઉડ્ડયન મંત્રાલયના અંતર્ગત આવે છે, તેથી અમે સંબંધિત અધિકારીઓ અને રેલ મંત્રીનો સંપર્ક કર્યો હતો. ગુજરાતના રેલવે નેટવર્ક અને મારુતિના નેટવર્કને એકસાથે જોડવા માટે અમે અનેક વિભાગો સાથે મળીને પ્રયાસો કર્યા છે. આજે અમારા માટે શુભ દિવસ છે, કારણ કે આનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ નિરીક્ષણ પૂર્ણ થયા બાદ બેચરાજીથી લઈને ચાણસ્મા અને રણુજ સુધીના રેલવે માર્ગની તમામ તપાસ પૂર્ણ થઈ જશે અને જો કોઈ ખામી જણાશે તો તેને દૂર કરવા માટે જરૂરી આદેશો આપવામાં આવશે, જેથી કાર્ય પૂર્ણ થઈ શકે.

પરિયોજનાની મુખ્ય વિશેષતાઓ

આ અવસરે અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે, આ રેલખંડ પર લાંબા સમયથી સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ક્ષેત્રવાસીઓ દ્વારા મુસાફર રેલ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. કોઈપણ નવા રેલખંડ પર મુસાફર ટ્રેનોનું સંચાલન શરૂ કરતા પહેલાં રેલવે સંરક્ષા આયુક્તની મંજૂરી મેળવવી અનિવાર્ય હોય છે. આ જ પ્રક્રિયાના ભાગરૂપે પશ્ચિમ રેલવેના રેલવે સંરક્ષા આયુક્ત દ્વારા આ રેલખંડનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, આશરે 63 કિલોમીટર લાંબા આ રેલખંડના ગેજ પરિવર્તન પ્રોજેક્ટને વર્ષ 2017માં મંજૂરી આપવામાં આવી હતી. આશરે ₹1000 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ જી-રાઇડ (G-RIDE) સંયુક્ત ઉપક્રમ અંતર્ગત વિકસાવવામાં આવ્યો છે, જેમાં ભારતીય રેલવે, મારુતિ અને ગુજરાત સરકારની ભાગીદારી છે. આ રેલખંડ પર કુલ 14 સ્ટેશનો વિકસાવવામાં આવ્યા છે.

ડીઆરએમે જણાવ્યું કે, આ પરિયોજના એન્જિનિયરિંગની દૃષ્ટિએ અત્યંત પડકારજનક રહી છે. નિરીક્ષણ દરમિયાન 10 મુખ્ય વળાંકો (કર્વ), 20 મોટા પુલો, આશરે 100 નાના પુલો તેમજ 47 લેવલ ક્રોસિંગના સ્થાનો પર નિર્મિત રોડ અંડર બ્રિજ (RUB) સહિત વિવિધ માળખાઓનું સઘન પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત પ્લેટફોર્મની લંબાઈ, પીવાના પાણીની સુવિધા, મુસાફર સુવિધાઓ, ટ્રેક, સિગ્નલિંગ અને અન્ય સંરક્ષા ધોરણોની પણ વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં સુરક્ષિત અને સુચારુ રેલ સંચાલન સુનિશ્ચિત કરી શકાય.

તેમણે જણાવ્યું કે, નિરીક્ષણના પ્રથમ દિવસે કટોસણ રોડથી બેચરાજી સુધીનું નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બીજા દિવસે બેચરાજીથી ચાણસ્મા અને ત્રીજા દિવસે ચાણસ્માથી રણુજ સુધીનું નિરીક્ષણ કરવામાં આવશે. નિરીક્ષણ પૂર્ણ થયા બાદ રેલવે સંરક્ષા આયુક્ત દ્વારા જરૂરી સુધારાઓ અને ખામીઓ અંગે સૂચનો આપવામાં આવશે. તમામ જરૂરી કામગીરી પૂર્ણ થયા બાદ અને સંરક્ષા મંજૂરી પ્રાપ્ત થયા પછી આ રેલખંડ પર મુસાફર રેલ સેવાઓ શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. રેલવેનો પ્રયાસ છે કે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આ રેલખંડ પર મુસાફર ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવે.

આ રેલખંડ શરૂ થવાથી મહેસાણા અને પાટણ જિલ્લાના મુખ્ય કેન્દ્રો જેવા કે બેચરાજી, ખાંભેલ અને ચાણસ્મા એકબીજા સાથે જોડાશે. આથી સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો અને વેપારીઓને કિફાયતી અવરજવર સુવિધા મળશે. આ ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ બેચરાજી મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે પણ મુસાફરી વધુ સરળ બનશે. આ રેલ પરિયોજના વિસ્તારની કૃષિ, લઘુ ઉદ્યોગો અને સ્થાનિક અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે તેમજ રોજગારની નવી તકોનું સર્જન કરશે.

Tags: પશ્ચિમ રેલવે G-RIDE Rail Project CRS નિરીક્ષણ Passenger Train Service Mehsana Patan Western Railway News Gujarat G-RIDE Katosan-Ranuj Rail Line News Becharaji Railway Station Updates કટોસણ રોડ ગેજ પરિવર્તન જી-રાઇડ રણુજ રેલવે લાઇન બેચરાજી પેસેન્જર ટ્રેન સેવા સાંસદ હરિભાઈ પટેલ

સંબંધિત સમાચાર