અમદાવાદ/ભાવનગર/સોમનાથ/ગુજરાત : ભાવનગર - સોમનાથ નેશનલ હાઈવે પર મહુવાથી આશરે ૨ કિલોમીટર દૂર આવેલા ઉમણિયાવદર ગામ તેમજ આસપાસના ૨૫ જેટલા ગામોને જોડતા મુખ્ય માર્ગ પર કાયદેસરનો રોડ કટ અથવા ઓવરબ્રિજ મંજૂર કરવાની વ્યાજબી માંગણી સાથે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ’આપ' પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા ઈન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા, પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજ સાવલિયા, ભાવનગર જિલ્લા ઈન્ચાર્જ હસમુખભાઈ દોમડિયા, અમરેલી જિલ્લા ઈન્ચાર્જ રાહુલ હરખાણી, અમરેલી લોકસભા સંગઠન મંત્રી સુખાભાઈ વાળા સહિતના નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયાને દશકાઓ વિતી ગયા છતાં આજે સામાન્ય નાગરિકે રોડ, વીજળી અને પાણી જેવા મૂળભૂત અધિકારો માટે સરકારી તંત્ર અને સત્તાધીશોની ગુલામી કરવી પડે છે. સાચી લોકશાહીમાં પ્રજાની જરૂરિયાત અને ઈચ્છા મુજબ સરકારે નીતિઓ બનાવવાની હોય છે, કારણ કે જનતાથી સરકાર બને છે, સરકારથી જનતા નથી બનતી. ચંદ્ર અને મંગળ પર પહોંચવાની મોટી વાતો કરતી આ સરકાર ૨૫ ગામોના હજારો લોકો માટે એક રોડ કટ કે નાળું પણ બનાવી શકતી નથી, જે દર્શાવે છે કે સત્તાધારીઓ લોકશાહીના સિદ્ધાંતો ભુલીને મનસ્વી રીતે શાસન ચલાવી રહ્યા છે.
’આપ' ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે આજે માત્ર હાઈવે કટનો એક પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાઓ તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે. રાજ્યમાં અવારનવાર બનતા લઠ્ઠાકાંડમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને અનેક બહેનો નાની વયે વિધવા બની રહી છે, છતાં ગાંધીનગરથી આવતા ઉચ્ચ અધિકારીઓ તપાસના નામે માત્ર નાટક કરીને પ્રમોશન મેળવવામાં મસ્ત છે. સ્થાનિક પ્રજા જ્યારે પોતાના હક માટે અવાજ ઉઠાવે કે સભા યોજે ત્યારે તેમને પોલીસ અને શાસકો દ્વારા ધમકાવવામાં આવે છે કે સભામાં જશો તો કામ નહીં થાય. એક સમયે કાશ્મીર ગણાતું મહુવા આજે દારૂ, ગુંડાગીરી અને જમીન પચાવી પાડનારા તત્વોનો અડ્ડો બની ગયું છે અને પોલીસ પણ ગુનેગારોને પકડવાને બદલે ફરિયાદીઓને હેરાન કરે છે. આ ભય અને અન્યાયના વાતાવરણને બદલવા માટે યુવાનોએ પોતે આગળ આવીને જવાબદારી લેવી પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી જનતા એક થઈને પોતાના અધિકારો માટે આંદોલન નહીં કરે ત્યાં સુધી આ શાસકો જાગશે નહીં, અને આમ આદમી પાર્ટી પ્રજાના દરેક પ્રશ્ને તેમની સાથે રહીને ગાંધીચિંધ્યા કે ક્રાંતિકારી માર્ગે લડત આપવા સંપૂર્ણ તૈયાર છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જાહેરસભાને સંબોધતા કાર્યકરો અને જનતાને આહ્વાન કર્યું હતું કે, આવનારા દિવસોમાં આપણે સૌએ સાથે મળીને આપણા હક, અધિકાર અને ન્યાય માટે મર્દાનગીથી લડાઈ લડવી પડશે, કારણ કે માત્ર માંગવાથી ન્યાય નથી મળતો પરંતુ છાતી પર પગ રાખીને હક છીનવવો પડે છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, ગોપાલ ઈટાલિયા પર ખોટા કેસ કરીને જેલમાં પૂરવામાં આવ્યા અને તેમને હરાવવા માટે ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી લઈને આખી સરકારી ફોજ અને પોલીસ તંત્રને મેદાનમાં ઉતારવામાં આવ્યું હતું, તેમ છતાં આમ આદમી પાર્ટીના લડાયક નેતાઓએ આખી ભાજપને ધૂળ ચાટતી કરી દીધી છે. ગુજરાતમાં પોલીસ કે તંત્રના અધિકારીઓ દ્વારા યુવાનોને ડરાવવા કે ધમકાવવામાં આવે તો તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ ૨૦૨૭માં આપણી સરકાર આવશે ત્યારે આવા તમામ અધિકારીઓને પણ ધ્યાનમાં રાખવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. અંતમાં, ૨૦ થી ૨૫ ગામોને સ્પર્શતા ઓવરબ્રિજ અને રોડ કટના પડતર પ્રશ્નો અંગે જનતાને સંપૂર્ણ ટેકો આપતા તેમણે ખાતરી આપી હતી કે, જો પ્રજાના કામો નહીં થાય તો આમ આદમી પાર્ટી, ગોપાલ ઈટાલિયા અને તેઓ પોતે પ્રજાની સાથે રહીને ગાંધીચિંધ્યા માર્ગે કે પછી શહીદ ભગતસિંહના ક્રાંતિકારી માર્ગે આંદોલન કરવા માટે હંમેશાં તૈયાર રહેશે.
આમ આદમી પાર્ટી ગુજરાત