મુખ્ય સામગ્રી પર જાઓ

પર્પલ કેપ વિજેતા ભુવનેશ્વર કુમારે ખોલ્યું મોટું સિક્રેટ

ગુજરાત સામે શાનદાર જીત બાદ RCBના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારે પર્પલ કેપ મેળવી પોતાની ખાસ બોલિંગ વ્યૂહરચના અને ડેટા પ્લાનિંગ અંગે મોટો ખુલાસો કર્યો.

પર્પલ કેપ વિજેતા ભુવનેશ્વર કુમારે ખોલ્યું મોટું સિક્રેટ

IPL 2026: ભુવીના માથા પર સજી 'પર્પલ કેપ', ૨૦૧૬નો ઈતિહાસ દોહરાવતા ભુવનેશ્વર કુમારે જણાવ્યું ફાઇનલ જીતવાનું ગેમ પ્લાનિંગ

ધર્મશાલા: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીતનો સિલસિલો યથાવત છે. ક્વોલિફાયર ૧ માં ગુજરાત ટાઇટન્સને 92 રને ધૂળ ચટાડીને બેંગલુરુ સતત બીજી વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચી ગયું છે. આ શાનદાર જીતમાં ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) પાવરપ્લેમાં ધારદાર બોલિંગ કરીને મુખ્ય ભૂમિકા ભજવી હતી. હાલમાં ભુવીના માથા પર સૌથી વધુ વિકેટ ઝડપવા બદલ 'પર્પલ કેપ' (Purple Cap) સજી ચૂકી છે. આ સફળતા બાદ ભુવનેશ્વર કુમારે પોતાની ખાસ વ્યૂહરચના અને ટીમની સફળતા પાછળના પડદા પાછળના હીરો અંગે મોટો ખુલાસો કર્યો છે.

૧૦ વર્ષ જૂનો ઈતિહાસ જીવંત થયો: ૨૦૧૬ જેવો જ માહોલ

ભુવનેશ્વર કુમાર માટે આ સિઝન વર્ષ ૨૦૧૬ ના સુવર્ણ સમયની યાદ અપાવે તેવી રહી છે. ૨૦૧૬માં ભુવી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા પર્પલ કેપ જીત્યો હતો અને ટીમને ફાઇનલમાં ચેમ્પિયન બનાવી હતી. બરાબર એક દાયકા (૧૦ વર્ષ) પછી, આ વખતે તે આરસીબીની જર્સીમાં પર્પલ કેપ પહેરીને ફાઇનલમાં પ્રવેશ્યો છે. જો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આગામી મેચો જીતી જશે તો ફાઇનલમાં ફરી એકવાર ભુવી તેની જૂની ટીમ સામે ટકરાશે.

"અમે માત્ર ડેટા પર ૧૦૦% નિર્ભર નથી રહેતા" : ભુવનેશ્વર કુમાર

મેચ બાદ પોતાની સફળતાનું રહસ્ય ખોલતા ભુવનેશ્વર કુમારે બેકસ્ટેજ સપોર્ટ સ્ટાફ અને ડેટા એનાલિટિક્સના યોગ્ય ઉપયોગના વખાણ કર્યા હતા.

"ટીમની આ જીત પાછળ પડદા પાછળ થતા પ્લાનિંગનો મોટો હાથ છે. હું અને જોશ હેઝલવુડ અમારો અનુભવ ચોક્કસ લાવીએ છીએ, પરંતુ સપોર્ટ સ્ટાફ ઝીણવટભરી માહિતી પૂરી પાડે છે જે કામ કરી જાય છે. અમે ડેટા-ઇન્ફોર્મ્ડ (ડેટા આધારિત) ટીમ છીએ. નવો બેટ્સમેન શું રણનીતિ અપનાવે છે તે અમે ડેટા દ્વારા જોઈએ છીએ, પરંતુ અમે તેના પર ૧૦૦ ટકા નિર્ભર નથી રહેતા. મેદાન પર માઇન્ડ એપ્લિકેશન જ કામ આવે છે." - ભુવનેશ્વર કુમાર, પિચ રિપોર્ટ

બોલ્ડ અને LBW કરવાનો ખાસ પ્લાન નડી ગયો ગુજરાતને

ધર્મશાલાના બેટિંગ ફ્રેન્ડલી ગ્રાઉન્ડ પર બોલિંગની રણનીતિ અંગે વાત કરતા ભુવીએ જણાવ્યું કે, "આ પિચ પર જો તમે બોલ ટૂંકો (શોર્ટ) કે ફુલર ફેંકો તો સીધી બાઉન્ડ્રી લાઈન બહાર જાય છે. તેથી અમારો પ્રયાસ બેટ્સમેનોને બિલકુલ રૂમ (જગ્યા) ન આપવાનો હતો. અમે બેટ્સમેનોને કાં તો ક્લીન બોલ્ડ અથવા LBW આઉટ કરવાના પ્લાન સાથે બોલિંગ કરી રહ્યા હતા, જે સફળ રહ્યો."

આરસીબીના ઈતિહાસની બીજી સૌથી શ્રેષ્ઠ બોલિંગ સિઝન

ભુવનેશ્વર કુમારે આ આઈપીએલ સિઝનમાં અત્યાર સુધી ૧૫ મેચોમાં ૧૮.૧૫ ની અદ્ભુત એવરેજ અને ૮.૦૦ ના ઇકોનોમી રેટથી કુલ ૨૬ વિકેટ ઝડપી છે, જેમાં ૪/૨૩ તેનો સર્વશ્રેષ્ઠ સ્પેલ રહ્યો છે. આરસીબીના ઈતિહાસમાં એક જ સિઝનમાં કોઈ બોલરનું આ બીજું સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ યાદીમાં હજુ પણ હર્ષલ પટેલ વર્ષ ૨૦૨૧ માં ૩૨ વિકેટ સાથે પ્રથમ સ્થાને છે.

મેચની વાત કરીએ તો, આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન રજત પાટીદારના તોફાની 93* રનની મદદથી 254/5 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ભુવનેશ્વર (૨/૨૮) અને જેકબ ડફીની (૩/૩૯) ઘાતક બોલિંગ સામે ટકી શકી નહોતી અને માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે આરસીબીએ 92 રને ભવ્ય જીત મેળવી ફાઇનલમાં કિંગની જેમ એન્ટ્રી કરી છે.

Tags: ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) પર્પલ કેપ (Purple Cap) હર્ષલ પટેલ (Harshal Patel)

સંબંધિત સમાચાર